વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલા ઝીંગા તળાવ તેમજ પાસેના દબાણો પર તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઈ તળાવ પર કબજો રાખનારા પરિવારો એ રોષ વ્યક્ત કર્યો હતો. ઉમરગામ મામલતદાર સહિત પોલીસના કાફલા સાથે તંત્ર દ્વારા ઝીંગાના તળાવ પરનું દબાણ દૂર કર્યું હતું. ઝીંગા તળાવના માલિકને સરકારી જગ્યા પરથી ખસી જવા બે વર્ષ થી સૂચના આપી હતી. આખરે ઝીંગાના મબલક પાક સાથે તળાવ તોડી નાખવામાં આવતા ઉમરગામ તાલુકામાં ભારે ફફડાટ ફેલાયો છે.
ઉમરગામ કોસ્ટલ હાઇવે નજીક ઝીંગા ઉછેર ફાર્મ પર આજરોજ તંત્રનું જેસીબી ફરી વળ્યું હતું. ઉમરગામ તાલુકા મામલતદાર ઉમરગામ પોલીસ મથકના અધિકારીઓ તથા નારગોલ મરીન પોલીસ મથકના અધિકારીઓ, નગરપાલિકા ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં ઝીંગા ફાર્મનું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. વહેલી સવારથી તંત્રના અધિકારીઓ JCB લઇને સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા.
ઝીંગા ફાર્મ ખાતે થઈ રહેલી કાર્યવાહી દરમિયાન કાર્યવાહી રોકવા લોકોએ આજીજી કરી હતી જેને લઈ તંત્રના અધિકારીઓએ નિયમ અનુસાર થઈ રહેલી કાર્યવાહીમાં સહયોગ આપવા જણાવ્યું હતું. નુકસાન ન થાય તે માટે સ્થળ ઉપરથી ચીજ વસ્તુઓ લઈ જવા માટેનો સમય પણ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો હતો. જોકે, કેટલીક ભારે ચીજવસ્તુઓ લઈ જવી મુશ્કેલ હોય તે માટે સમય આપવા લોકો વિનંતી કરતા જોવા મળ્યા હતા. જોકે, સ્થાનિક કક્ષાએ અધિકારીઓ દ્વારા જણાવાયું હતું કે, તે માટે તેઓ પાસે કોઇ સત્તા નથી નિયમ અનુસાર દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈને રહેશે. ત્યારબાદ તંત્રના જેસીબી દ્વારા અન્ય દબાણ પણ દૂર કરવાની શરૂઆત કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.