• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Cultivation Of Orchid Flowers Opened The Door Of Economic Prosperity For Farmers, Pardi Farmer Earns Rs. Earned An Income Of 20 Lakhs

ફૂલની ખેતી કરી લાખોની કમાણી:ઓર્કિડના ફૂલોની ખેતીએ ખેડૂતો માટે આર્થિક સમૃધ્ધિના દ્વાર ખોલ્યા, પારડીના ખેડૂતે વર્ષે રૂ. 20 લાખની આવક મેળવી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લગ્ન પ્રસંગ અને વિવિધ તહેવારોમાં દેશભરમાં સૌથી વધુ માંગમાં રહેતા થાઈલેન્ડ અને ચીનમાં થતા ઓર્કિડના ફૂલોની ખેતી હવે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરવાસા ગામમાં પણ થઈ રહી છે. આ ગામના પ્રગતિશીલ યુવા ખેડૂતે પરંપરાગત ખેતીથી આગળ વધીને કંઈક અનોખુ કરવાના સાહસના પ્રતાપે ગુજરાત સરકારના બાગાયત ખાતાની નેશનલ હોર્ટીકલ્ચર મિશન યોજના અંતર્ગત ગ્રીન હાઉસ/ પોલી હાઉસ (રક્ષિત ખેતીમાં સહાય)નો લાભ મેળવી આધુનિક પધ્ધતિથી ખેતી કરી બાગાયતી ખેતી ક્ષેત્રે નવો ચીલો ચાતર્યો છે. વલસાડ જિલ્લાના ખેડૂત ઓર્કિડના ફૂલોની ખેતી કરી આત્મનિર્ભર બનતા હવે વિદેશ ઉપર નિર્ભરતા રહેશે નહી.

સામાન્યપણે આપણે ત્યાં શુભ પ્રસંગો કે તહેવારો હોય ત્યારે સ્વદેશી ફૂલોનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે પરંતુ આજના વૈશ્વિક જમાનામાં વિદેશી ફૂલોનું આકર્ષણ વધ્યું છે. આધુનિક ટેક્નોલોજી વડે વિદેશી ફૂલોની ખેતી પણ હવે આપણા દેશની ધરતી પર સફળતાપૂર્વક થઈ રહી છે. જેની મિશાલ પરવાસા ગામના ખેડૂત મિતુલભાઈ દિનેશભાઈ ઉપાધ્યાયએ પુરી પાડી છે. ઓર્કિડની સફળ ખેતીની સાથે મિતુલભાઈને વર્ષે રૂ. 20 લાખની આવક થતા તેઓ અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

યુવાને નોકરી છોડી ફૂલોની ખેતી કરી
પ્રગતિશીલ યુવા ખેડૂત મિતુલભાઈએ કહ્યું કે, બાપ દાદાના સમયથી ચાલી આવતી પરંપરાગત ખેતીમાં આંબા વાડી સાથે ડાંગર અને શેરડીની ખેતી કરતા હતા. પરંતુ એક દિવસ ગામમાં ખેડૂત શિબિરની મુલાકાત કરવાથી સરકારના બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાની જાણ થઈ. એકમ દીઠ વધુ ઉત્પાદનથી સારી એવી આવક મળે છે એવી માહિતી મળતા ઓર્કિડના ફૂલોની ખેતી કરવાની પ્રેરણા મળી હતી. થાઈલેન્ડ અને ચીનમાં થતા ઓર્કિડના ફૂલોની ખેતી આપણે ત્યાં પણ ગ્રીન હાઉસમાં થઈ શકે તેવુ માર્ગદર્શન વલસાડ બાગાયત ખાતાના અધિકારીઓએ આપતા મે સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં પુનાની કંપનીમાં પ્લાન્ટ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, તેઓ થાઈલેન્ડથી ટીશ્યુ કલ્ચર રોપા મંગાવી પોતાને ત્યાં 5 ઈંચ સુધી ઉગવા દે છે ત્યાર બાદ ખેડૂતોને વેચાણથી આપતા હતા. જેથી આ ખેતીની વધુ માહિતી મેળવવા માટે હું 3 વાર થાઈલેન્ડ જઈ આવ્યો હતો. જ્યાંથી વિસ્તૃત સમજ મળ્યા બાદ ખેતી પ્રત્યેની અભિરૂચીના કારણે નોકરી છોડીને પરવાસા ગામમાં 1 એકર ( 4 હજાર ચો.મી) જમીન ઉપર ઓર્કિડના ફૂલોની ખેતી કરવાનું નક્કી કર્યું હતું. જે માટે બાગાયત ખાતામાં વર્ષ 2018-19માં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરતા પ્રોજેક્ટ કોસ્ટ રૂ. 69 લાખની સામે રૂ. 38.39 લાખની સબસિડીનો લાભ મળતા ઓર્કિડના ફૂલોની ખેતી કરવાના મારા ઉત્સાહમાં જોમ પુરાયું હતું. અત્યારે મારા ગ્રીન હાઉસમાં 40 હજાર પ્લાન્ટ છે. એક પ્લાન્ટની કિંમત રૂ. 60 છે. 1 પ્લાન્ટ પર ઓર્કિડના ફૂલની 5 થી 6 સ્ટીક (છડી) થાય છે. 1 સ્ટીકની કિંમત બજારમાં રૂ. 10 થી રૂ. 18 સુધીની છે. હાલમાં ફૂલની 2 લાખ સ્ટીક છે. જેના થકી વર્ષે રૂ. 20 લાખ આવક થાય છે. જેમાંથી મજૂર, ખાતર અને દવા સહિતનો વાર્ષિક રૂ. 7.20 લાખનો ખર્ચ બાદ કરતા 12.80 લાખનો નફો થાય છે. જો કે મે મહિનામાં અસહ્ય ગરમીના કારણે પુરતુ ફલાવરીંગ થતુ નથી. તેમ છતાં પરંપરાગત ખેતી કરતા આ ખેતી સારી એવી આવક રળી આપે છે.

મિતુલભાઈ વધુમાં કહે છે કે, ઓર્કિડના ફૂલની માંગ માર્કેટમાં વર્ષ દરમિયાન સતત રહેતી હોવાથી વર્ષ દરમિયાન અનેક ઓર્ડર આવે છે. ઘણીવાર ઓર્ડરને પહોંચી શકાતુ નથી. 20 સ્ટીકનું એક બંડલ બને છે જેનો મુંબઈમાં હાલમાં ભાવ રૂ. 230 અને લગ્ન તેમજ તહેવારની સિઝનમાં રૂ.350 થી પણ વધુ ભાવ મળે છે. ઓર્કિડનો પ્લાન્ટ એક વાર તૈયાર કર્યા બાદ સતત 7 વર્ષ સુધી ફૂલ આપતા હોવાથી મહેનત રંગ લાવે છે. આમ, સરકારના બાગાયત ખાતાની સહાય અને આધુનિક પધ્ધતિથી કરેલી ખેતીએ જગતના તાતને આત્મનિર્ભર બનાવી આર્થિક રીતે સમૃધ્ધિના દ્વાર ખોલી દીધા છે.

નાળિયેરના છોટલાની લાદીમાં થાય છે ઓર્કિડના ફૂલ
ખેડૂત મિતુલભાઈએ કહ્યું કે, શુ તમે જાણો છો કે, ઓર્કિડના ફૂલ નારીયેળના છોટલા (જટા)માં થાય છે. નારિયેળના છોટલાને પાણીમાં પલાળી મહિનાઓ સુધી નરમ કરવામાં આવે છે. ત્યાર બાદ તેમાં ખાતર નાંખી માટી જેવુ કરી તેની લાદી બનાવવામાં આવે છે. આ લાદી બેંગ્લોરથી મંગાવવામાં આવે છે. એક લાદીની કિંમત રૂ. 60 હોય છે. ત્યારબાદ લાદીમાં પલાન્ટ લગાડવામાં આવે છે. જેમાંથી સ્ટીક નીકળતા 9 થી 10 મહિનાનો સમય લાગે છે. આમ આ સંપૂર્ણ સીસ્ટમને તૈયાર થતા દોઢ થી બે વર્ષનો સમય લાગે છે.

ઓર્કિડના પ્લાન્ટને ROનું શુધ્ધ પાણીનો છંટકાવ કરવુ જરૂરી
ઓર્કિડના પ્લાન્ટમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે તે માટે સ્પ્રીકંલર પધ્ધતિથી સિંચાઈ કરવામાં આવે છે. પ્લાન્ટ મોટા થયા બાદ સુકા ન પડે તે માટે તેમાં એક દિવસ છોડીને બીજા દિવસે પાણીનો સ્પ્રે મારવો જરૂરી છે, ઉનાળામાં તો રોજ પાણીનો સ્પ્રે મારવો પડે છે. આ વિદેશી ફૂલને સાદુ પાણી નહીં પણ આર ઓ પ્લાન્ટના શુધ્ધ પાણીનું સિંચન કરવું પડે છે. કારણ કે સાદા પાણી ખારાશ અને ક્ષારયુક્ત હોય છે. જે માટે મિતુલભાઈએ પોતાના ખેતરમાં આર ઓ પ્લાન્ટની સાથે 15 હજાર લીટરની પાણીની ટાંકી પણ મુકી છે. પ્લાન્ટમાં લાલ કલરની જીવાત ન પડે તે માટે સાવચેતી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...