ઉત્સાહમાં ઓટ:40 હજારના ટાર્ગેટ સામે માત્ર 15963 બાળકો વેક્સિનેટેડ

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ટાર્ગેટ સામે ખાસ્સી વઘઘટ, પ્રથમે 20684 તો બીજા દિવસે 60 ટકાનો ઘટાડો
  • કપરાડામાં 7 હજારના ટાર્ગેટ સામે 1620: વાપીમાં 11500 સામે માત્ર 2828 બાળકનું વેક્સિનેશન,વલસાડમાં રોજ 80 ટકા

વલસાડ જિલ્લામાં 3 જાન્યુઆરી 2022થી 15 થી 18 વર્ષની વયજૂથના 58 હજારથી વધુ બાળકોના વેક્સિનેશન મેગા ડ્રાઇવમાં વિવિધ તાલુકાઓમાં ઉત્સાહ અને ડરના મિશ્ર પ્રતિસાદ વચ્ચે 20684નું વેક્સિનેશન કરવામાં સફળતા મળી હતી.પરંતું બીજા દિવસ મંગળવારે દૈનિક 40 હજારના ટાર્ગેટ સામે 15963 બાળકનું વેક્સિનેશન થઇ શક્યું હતું.જેમાં ખાસ કરીને વાપી અને કપરાડામાં ટાર્ગેટ સામે વેક્સિનેશનમાં ઓટ જોવા મળી હતી.

5 દિવસ સુધી અને ત્યારબાદ પણ ચાલનારા આ અભિયાનમાં પ્રત્યેક શાળાઓમાં નક્કી કરાયેલા લાભાર્થી બા‌ળકોનું વેક્સિનેશન પૂર્ણ કરવા તંત્ર દ્વારા કવાયત જારી રહી છે. શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા 15 થી 18 વર્ષની વયના કુલ 58217 વિદ્યાર્થીઓના વેક્સિનેશન માટે વલસાડ જિલ્લામાં મેગા ડ્રાઇવ 3 જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવ્યું હતું.પ્રથમ દિવસે જિલ્લામાં 20684 વિદ્યાર્થીએ હોંશભેર રસી મૂકાવી હતી.

બીજા દિવસ મંગળવારે જિલ્લા આરોગ્ય વિભાગે 40 હજારનો ટાર્ગેટ નક્કી કર્યો હતો.જેમાં વલસાડ જિલ્લાની શાળાઓમાં સવારે 10 વાગ્યાથી ધો.10થી 12ના વિદ્યાર્થીઓનું રસીકરણ શરૂ કરતાં દિવસ અંતે કુલ 15963 વિદ્યાર્થીને વેક્સિન મૂકવામાં આવી હતી.

વાપી તાલુકામાં 5685 બાળકોને વેક્સિન અપાઈ
વાપી શહેર તથા તાલુકામાં 3 જાન્યુઆરી પ્રથમ દિવસે 5685 બાળકનું વેક્સિનેશન કરાવી સંતાનોના વાલીઓએ ખુબ ઉત્સાહ દર્શાવ્યો હતો,પરંતુ 4 જાન્યુઆરીએ વાપી તાલુકામાં 11500ના ટાર્ગેટ સામે માત્ર 2828 જેટલા 24.59 ટકા બાળકોએ રસી મૂકાવી હતી.આમ વાપીમાં બીજા દિવસે વેક્સિનેશન કરાવવાના ઉત્સાહમાં ઓટ આવેલી નજરે પડી હતી. વાપીમાં બીજા દિવસે બાળકો રસી મુકાવવા માટે આવ્યા ન હતા.

સૌથી ઓછી કપરાડામાં 15 ટકા બાળકોએ રસી મુકાવી
કપરાડા તાલુકામાં 4 જાન્યુઆરીએ 7 હજાર બાળકના વેક્સિનેશનનો લક્ષ્યાંક રાખ્યો હતો.પરંતુ ત્યાં 1244 બાળક જ વેક્સિન માટે આવ્યા હતા. જેને લઇ અહિં લગભગ 15 ટકા બાળકનું જ રસીકરણ થઇ શક્યું હતું. ડુંગરાળ પ્રદેશને લઇ છુટા છવાયા જંગલ વિસ્તારમાં રહેતા પરિવારો શાળા સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હોય કે રોજી રોટી માટે પરિવારો સાથે બહાર ગામ જતાં પરિવારના વાલીઓ પોતાના બાળકોને વેક્સિન માટે સાથે લઇ જઇ શકતા ન હતા.

વિદ્યાર્થિનીની રસી લીધા બાદ તબિયત લથડી
વલસાડ અબ્રામા ઝોન વિસ્તારમાં સાર્વજનિક હાઇસ્કુલમાં ધો.11માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પણ રસી મૂકાવવા આવી હતી,પરંતું તેને મનમાં થોડો ડર પણ હતો.જો કે રસી લેવાના ચોક્કસ ઇરાદે આવીને આ વિદ્યાર્થિનીએ રસી મૂકાવી હતી અને ઓબ્ઝર્વેશન રૂમમાં બેસાડવામાં આવી હતી.થોડી વાર બાદ અચાનક તેણીને ગભરામણ થઇ હતી તાત્કાલિક આરોગ્યની ટીમ અને શાળાના આચાર્યએ 108 બોલાવી સિવિલ હોસ્પિટલમાં મોકલી સારવાર આપી હતી કેમ્પના ડોકટરે ભૂખા પેટે રસી લીધા હોવાનું જણાવ્યું.

જિલ્લામાં રસીકરણ સહિત ટાર્ગેટ-એચિવમેન્ટની વિગત

  • કુલ ટાર્ગેટ- 40000
  • સેકન્ડ ડોઝ ટાર્ગેટ- 8320
  • 15-18 વયને રસી-15963
  • 18 પ્લસ- 841
  • ફર્સ્ટ ડોઝના કુલ - 16804
  • સેકન્ડ ડોઝ એચિવ- 3476 ટકા- 41.8
  • કુલ એચિવ્ડ - 20280 ટકા - 50.7

જિલ્લામાં 4 જાન્યુ.એ 15-18 વયમાં ટાર્ગેટ-વેક્સિનેશન

તાલુકોટાર્ગેટવેક્સિનેશનટકાવારી
વલસાડ6800514475.65
પારડી2800182065
વાપી11500282824.59
ઉમરગામ8400310436.95
ધરમપુર3500130037.14
કપરાડા7000124417.77

અન્ય સમાચારો પણ છે...