તંત્ર:ફી ન લેવાના સરકારના આદેશ સામે જિલ્લાની 90% ખાનગી શાળામાં ઓનલાઇન શિક્ષણ બંધ

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પગારનો પ્રશ્ન સંચાલકો માટે ચિંતાજનક
  • શિક્ષકો બેરોજગાર થવાની દહેશત
  • વાલીઓમાં અસમંજસની સ્થિતિ
  • શિક્ષણની નહીં ફીની વધારે ચિંતા

લોકડાઉનના કારણે શાળાઓના વાલીઓને રાહત મળે તે માટે વલસાડ જિલ્લાની નોન ગ્રાન્ટેડ શાળાઓને ફી ઉઘરાવવા ઉપર સરકારે અંકુશ મુકતા જિલ્લાની 130 જેટલી ખાનગી શાળાઓએ ગુરૂવારથી જ ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધું હતું. ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓની ફી ઉપર નિર્ભર હોવાની દલીલ સાથે વલસાડ જિલ્લા ખાનગી શાળા સંચાલક મંડળે નિર્ણય કર્યો છે. શાળાઓ વિદ્યાર્થીઓની ફી વસૂલશે નહિ તો શિક્ષકો બેરોજગાર બનશે તેની જવાબદારી કોણ ઉપાડશે તેવા મુદ્દા મંડળે ઉઠાવ્યા હતા. બીજી તરફ જિલ્લાની 10% જેટલી ખાનગી શાળાઓએ અગાઉથી ફી ઉઘરાવી લેતા ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખ્યું હતું. હાલ શાળા સંચાલકોએ લીધેલા આ નિર્ણયને લઇને વાલીઓમાં અસમંજસની સ્થિતિ ઉદભવી રહી છે.

સ્ટે લાવવા શાળા મહામંડળ તૈયારી
સરકારે શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ પાસે ફી ન ઉઘરાવવા પરિપત્ર જાહેર કર્યો હતો. જેને લઈને જિલ્લાની 130 ખાનગી શાળા સંચાલકોના મંડળે પરિપત્રનો વિરોધ કરીને ગુરૂવારથી જિલ્લાની 90 ટકા ખાનગી શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન બંધ કરી દીધુ હતું. કોરોનાનું કારણ ધરીને શાળાઓ બંધ રાખી છે. બીજી તરફ ઓનલાઇન એજ્યુકેશન ઉપર ભાર મૂકીને વિદ્યાર્થીઓને ભણતર સાથે જોડી રાખવા સરકાર સૂચનાઓ આપી છે. શાળાઓને ફી ઉઘરાવવાની મનાઈ ફરમાવી સરકારે લેખિત આદેશ  સામે શાળા સંચાલકોમાં રોશની લાગણી છે.  સરકારની પરિપત્ર સામે કોર્ટમાંથી સ્ટે લાવવા તૈયારી કરી રહ્યું છે.

વાપીની 80 શાળાએ શિક્ષણ બંધ કર્યુ
વાપીની 80થી વધુ ખાનગી શાળાઓએ પણ ઓનલાઇન શિક્ષણ ગુરૂવારે બંધ કર્યુ હતું. રાજય સરકારે શાળાઓ ખૂલે નહી ત્યાં સુધી ફી નહી લેવા અંગે ખાનગી શાળાઓને જણાવ્યુ હતું. જેને લઇ ખાનગી શાળાઓએ ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓને આપવાનું બંધ કરી દેવામાં આવ્યુ છે. આ ઉપરાંત ખાનગી શાળાઓએ કોઇ પણ પ્રકારની ફી ન લેવાનો પણ નિર્ણય કર્યો હતો. સરકારના ફી ન લેવાના નિર્ણયના કારણે ખાનગી શાળાના શિક્ષકોને પગાર કેવી રીતે કરવોેે તે અંગે શાળા સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. બીજી તરફ સરકારના નિર્ણયથી વાલીઓને મોટી રાહત મળી છે.

ખાનગી સંચાલક મંડળે આ મુદ્દા ઉઠાવ્યા
ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને સરકાર પગાર ચુકવશે. પરંતુ  નવા પરિપત્રના આધારે ખાનગી શાળાઓ ફી ન ઉઘરાવશે તો શિક્ષકોનો પગાર શાળા સંચાલકો કરી શકે તેમ ન હોવાથી જિલ્લામાં શિક્ષકો બેરોજગાર બનશે. ઓનલાઇન એજ્યુકેશન બંધ થવાથી વિદ્યાર્થીઓ અભ્યાસથી દૂર થતો જશે અને ઈતર પ્રવુતિ સાથે સાંકળાતો થઇ જશે.

કોણ શુ કહે છે - શિક્ષકોના પગારનો મુદ્દો આગળ ધરી દરેક શાળા ફી લઇ ઓનલાઇન શિક્ષણ આપવા તૈયાર
શૈક્ષણિક સ્ટાફના ઘરે ચૂલો વિદ્યાર્થીઓની ફીથી સળગે છે

ખાનગી શાળાઓનમાં વિદ્યાર્થીઓની ફી ઉપર શૈક્ષણિક અને નોન શૈક્ષણિક સ્ટાફ ડિપેન્ડેટ છે. જો ખાનગી શાળાઓને વિદ્યાર્થીઓની ફી ન મળશે તો શાળા સંચાલકો તેમનો પગાર કઈ રીતે કરશે. પગાર ન થશે તો શૈક્ષણિક અને નોન શૈક્ષણિક સ્ટાફ બેરોજગાર બની જશે. વલસાડ જિલ્લામાં ખાનગી શાળાઓમાં ફરજ બજાવતા હજારો ટેલેન્ટેડ સ્ટાફ બેરોજગાર બની જશે ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને સરકાર પગાર ચૂકવી રહી છે. તો ખાનગી શાળાના શિક્ષકોને પગારથી વંચિત કરવાનો સરકારને કોઈપણ હક નથી. વિદ્યાર્થીઓ દ્વારા ભરાતી ફીથી જ  સમગ્ર શાળાનું સંચાલન થતું હોય છે.જેથી આ નિર્ણયનો પૂન: વિચાર જરૂરી છે. - કપિલ સ્વામી, પ્રમુખ, જિલ્લા ખાનગી શાળા સંચાલક મંડળ

આગળ હવે ટ્રસ્ટી મંડળ નિર્ણય લેશે
આવાંબાઇ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન એજ્યુકેશન ચાલુ રાખવામાં આવ્યું છે. શાળામાં પ્રાથમિક વિભાગ ખાનગી છે શાળા સંચાલકોની સૂચના અનુસાર હાલ ઓનલાઇન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં ટ્રસ્ટી મંડળ નિર્ણય કરશે તે મુજબ કામગીરી કરવામાં આવશે. - અશ્વિનભાઈ રાવલ, આચાર્ય, આવાંબાઇ સ્કૂલ

શાળા-વાલીએ સ્થિતિ સમજીવી જોઈએ
કોરોનાની મહામારીમાં શાળા સંચાલકો, શિક્ષકો અને વાલીઓ તમામની હાલત કફોડી બની છે. તમામે એક બીજાની પરિસ્થિતિ સમજીને અનુકૂળ થઈને રહેવું જોઈએ. લોકડાઉનના 4 માસ શાળાઓએ વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન આપ્યું જ છે. ખાનગી શાળાઓમાં શૈક્ષણિક અને નોન શૈક્ષણિક સ્ટાફ ઓનલાઇન એજ્યુકેશન માટે ઘણી મહેનત કરે છે. અમારી શાળામાં 2-3 દિવસમાં ઓનલાઇન એજ્યુકેશન અંગે નિર્ણય કરવામાં આવશે. - અર્ચનાબેન દેસાઈ, આચાર્ય કુસુમ વિદ્યાલય

આજથી શાળામાં ઓનલાઇન એજ્યુકેશન બંધ કરાયું
રાજ્ય સરકારના પરિપત્રના વિરોધમાં ખાનગી શાળાઓએ ગુરૂવારથી ઓનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને સારા એજ્યુકેશન માટે વાલીઓ ખાનગી શાળાઓ વધારે પસંદ કરે છે. ચાલુ વર્ષે લોકડાઉનને લઈને ઓનલાઇન એજ્યુકેશન ઉપર સરકાર ભાર મૂકી રહી છે. અને ખાનગી શાળાઓને ફી ન ઉઘરાવવા સૂચના આપી રહી છે. ખાનગી શાળાઓ વાલીઓની ફી ઉપર નિર્ભર હોવાથી ફી વગર શિક્ષકો અને સ્ટાફનો પગાર કરવો અશક્ય દેખાઈ રહ્યું છે. ઓનલાઇન શિક્ષણ પણ બંધ થઇ જશે તો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્યને અસર પહોંચી શકવાની પૂરેપૂરી સંભાવના જોવા મળે છે. - બીજલ પટેલ, આચાર્ય, RMVM હાઈસ્કૂલ, વલસાડ

અન્ય સમાચારો પણ છે...