સેલવાસના ડોકમરડીથી યાત્રિ નિવાસ તરફના રીંગરોડ પર એકદંત સોસાયટી નજીક કાર ચાલક ખાડાથી બચવા સાઈડ પરથી કાર હંકારવાના પ્રયાસમાં સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઈડર કુદાવી રોંગ સાઈડ પર પાર્ક કરવામાં આવેલી ટ્રાવેલ્સની બસ સાથે ધડાકાભેર અથડાઇ હતી જેમાં કારમાં સવાર 6 યુવકોને ગંભીર ઈજા થતા 108માં સેલવાસ સિવિલમાં લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં એક યુવકનું સારવાર દરમ્યાન મોત થયું છે.
સેલવાસ રીંગરોડ પર આડેધડ પાર્કિંગ અને ખાડાઓના કારણે વારંવાર અકસ્માતની ઘટના બની રહી છે.સોમવારની રાત્રે 6 યુવાનો સેન્ટ્રો કાર નંબર ડીએન-09-ડી-2170 લઈને ડોકમરડીથી રીંગરોડ પર યાત્રિનિવાસ તરફ જઈ રહ્યા હતા ત્યારે કારચાલકે રસ્તા પરના ખાડાથી બચાવનો પ્રયાસ કરતા સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી અને રોંગ સાઈડ પર ઉભેલી ટ્રાવેલ્સની બસના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી.
જેને કારણે કારમાં સવાર તમામ 6 યુવાનોને ગંભીર ઈજાઓ થઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ અને 108ની ટીમ સ્થળ પર પહોચી ગઇ હતી અને ઘાયલ યુવકોને કારમાંથી બહાર કાંઢી એમ્બ્યુલન્સમાં સેલવાસ વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાંથી એક યુવકનું સારવાર દરમ્યાન મોત થયુ હતું.આ ઘટના અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.
સેલવાસ રીંગરોડ એકદંત સ્કવેરથી લઇ હોટલ પેરામાઉન્ટ સુધી વારંવાર સડક અકસ્માતની ઘટનાઓ બની રહી છે.જેનુ મુખ્ય કારણ ટ્રક અને ટેમ્પોવાળા રીંગરોડ પર ગેરકાયદે પાર્કિંગ કરી દે છે જેના કારણે રસ્તા પર ચાલતા રાહદારીઓ અને બીજા વાહનચાલકોને અવરજવરમાં અને દુરનું જોવામાં તકલીફ પડે છે.આ માર્ગ પર જીવદાની માતા ટ્રાન્સપોર્ટર,રાજસિંહ ટ્રાન્સપોર્ટ અને અન્ય ટ્રાન્સપોર્ટવાળા પોતાની ટ્રક અને ટેમ્પો રીંગ રોડ પર ઉભા રાખે છે એવી સ્થાનિકો દ્વારા પણ ફરિયાદ કરાઇ છે.
રીંગ રોડ પર ગેરકાયદે પાર્કિંગ- રોંગ સાઈડ એન્ટ્રી અંગે પાલિકા સભ્યની એસપીને રાવ
અકસ્માતની ઘટના બાદ સ્થાનિક પાલિકા સભ્યએ એસપીને સેલવાસ રીંગ રોડ પર ગેરકાયદે પાર્કિંગ અને રોંગ સાઈડ પર વાહનોની એન્ટ્રી અંગે લેખિત ફરિયાદ કરી ટ્રક અને ટેમ્પો વાળા ટ્રાન્સપોર્ટના ગેરકાયદે પાર્કિંગ સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.
ભોગ બનેલ યુવક અને ઇજા પામેલા યુવકો
સેલવાસ રીંગરોડ પર અકસ્માતમાં અમળીના પરિક્ષત જીતેન્દ્ર સોનવાલ ઉ.વ23નું મોત નીપજ્યું હતું. જ્યારે સાથી મીત્રો અનિકેત પવાર (કારચલક) ઉ.વ.21 હલાત ગંભીર, સિનિલ દયાત ઉ.વ.22, ભાવેશ દિનેશ દયાત ઉવ.22, વિજય ગણેશ સીંગ ઉ.વ 19( હાલત ગંભીર)તથા આશિશ મોહન હાલ સારવાર હેઠળ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.