કંપારી છોડાવી દેનારો અકસ્માત:દમણના દુનેઠા કોસ્ટલ હાઈવે પર રોંગ સાઈડમાં આવી રહેલા બાઈકને કારચાલકે ટક્કર મારતા ફૂટબોલની માફક ફંગોળાયું, એકનું મોત

વલસાડએક મહિનો પહેલા
  • એરબેગ ખુલી જતા કારચાલકનો બચાવ થયો
  • અકસ્માતમાં એક બાઈક સવારને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયો

સંઘ પ્રદેશ દમણના કોસ્ટલ હાઈવે પર બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર 2 યુવાનો પૈકી એક નું ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું છે. જ્યારે એક યુવાનને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો છે. અકસ્માતની ઘટનાના કંપારી છોડાવી દેનારા દ્રશ્યો સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ દમણમાં મંગળવારના રોજ દુણેઠા સ્થિત આવેલ અવી ગ્લોબલ કંપની સામેના કોસ્ટલ હાઈવે પર એક બાઈક પર સવાર 2 યુવાનો રોંગ સાઈડથી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. એ દરમિયાન એક વોક્સ વેગન વેન્ટો કાર નંબર DD-03-X-0087 પૂરપાટ ઝડપે સામેથી આવી રહી હતી. કાર ચાલક કંઈ સમજે એ પહેલા જ રોંગ સાઈડથી આવી રહેલ બાઈક અડફેટે આવી જતાં બન્ને બાઈક પર સવાર યુવાનો કારની ટક્કરને લઈ હવામાં ફંગોળાઈ જમીન પર પટકાતા ગંભીર અકસ્માત સર્જાવા પામ્યો હતો. આ ઘટનામાં બાઈક પર સવાર એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બીજો યુવાનને ગંભીર રીતે ઈજાઓ થઈ હતી.

ઘટનાને પગલે તુરંત હાઇવે પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઈજા પામેલા યુવાનને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી સાથે ઘટનાની જાણ દમણ પોલીસને કરતાં પોલીસની એક ટીમ ઘટના સ્થળ પર આવી જરૂરી કાર્યવાહી કરી બાઈક સવાર યુવાનની લાશનો કબ્જો લઈ તેને પોસ્ટ માર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે એ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસ કરી રહી છે. જો કે આ ઘટનામાં કારમાં રહેલી એરબેગ ખુલી જતા કાર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...