ખાડો બન્યો મોતનું કારણ:વાપી પાસેના બલીઠા બ્રિજ પર ખાડાના કારણે બે કાર અથડાઈ, અકસ્માતમાં રાષ્ટ્રીય કરણી સેનાના દમણના અધ્યક્ષનું મોત

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાં સવાર અન્ય ત્રણ હોદ્દેદારો ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા
  • રાષ્ટ્રીય કરણી સેનાના દમણના અધ્યક્ષને વલસાડ આવતી વખતે અકસ્માત નડ્યો
  • રાજપૂત સમાજનાં એક વ્યક્તિનાં હોસ્પિટલમાં ખબર અંતર પૂછવા આવી રહ્યાં હતાં

વાપી પાસે આવેલા બલીઠા બ્રિજ પર પડેલા ખાડાઓના કારણે દમણના રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની કાર અન્ય કાર સાથે અથડાઈ હતી. જેમાં દમણના રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષનું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ હોદ્દેદારોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ દમણના અધ્યક્ષ અને વલસાડના અધ્યક્ષ સહિત કરણી સેનાના 5 હોદ્દેદારો વલસાડમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા રાજપૂત સમાજની વ્યક્તિના ખબર અંતર પૂછવા અને મદદ કરવા વલસાડ આવી રહ્યાં હતા.

કાર પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વલસાડ જિલ્લા પ્રમુખ અને ગુજરાત કરણી સેનાના કોર કમિટી સભ્ય અલોકસિંહ દમણ કરણી સેનાના પ્રમુખ કનકસિંહ જાડેજા સાથે તેમની કાર ન. GJ-15-CJ-8637 લઈને વલસાડ ખાતે એક હોસ્પિટલમાં દાખલ રાજપૂત સમાજના પરિવારના સભ્યની ખબર અંતર પૂછવા અને તેમના પરિવારને મદદરૂપ થવા આવી રહ્યા હતા. જે દરમિયાન બલીઠા બ્રિજ ઉપર પડેલા ખાડાઓને લઈને કાર ઉપર કાબુ ન રહેતા તેમની કાર અન્ય કાર સાથે અથડાઈ હતી. અકસ્માત થયાની જાણ થતાં આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી.

રાજપૂત સમાજમાં શોકનો માહોલ
અકસ્માતમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના દમણના અધ્યક્ષ કનકસિંહ જાડેજાનું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનામાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના વલસાડ જિલ્લાના અધ્યક્ષ આલોકસિંહ સહિત 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હાલતમાં વાપીની ખાનગી હોસ્પિટલમાં સરવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના હોદ્દેદારો અને સમાજના લોકોને જાણ થતાં વાપીની ખાનગી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. રાજપૂત સમાજ અને કર્ણીસેનામાં શોકનો માહોલ છે.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના દમણના અધ્યક્ષ કનકસિંહ જાડેજાનું મોત નીપજ્યું હતું
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના દમણના અધ્યક્ષ કનકસિંહ જાડેજાનું મોત નીપજ્યું હતું
અન્ય સમાચારો પણ છે...