લૂંટ:સેલવાસની જ્વેલરી શોપમાં ભર બપોરે બંદૂકની અણીએ રોકડ - દાગીના મળી દોઢ લાખની લૂંટ

સેલવાસ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુકાનીધારી 2 ઇસમો પૈકી એક એ સંચાલકના માથે બંદૂક મૂકી બીજાએ દાગીના અને રોકડ થેલામાં ભરી બન્ને ત્રીજા લૂંટારૂ સાથે બાઇક પર ફરાર
  • આમળી માં આવેલી આભૂષણ દુકાનની બહાર ત્રણ લૂંટારૂ બાઇક લઇને આવ્યા હતા જેમાંથી બે અંદરઘુસીગયા હતા
  • ધોળે દિવસે લૂંટ સંઘપ્રદેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી

સેલવાસના આમલી વિસ્તારમાં આવેલી એક જ્વેલરી શોપમાં બુધવારે બપોરે આસરે 3 કલાકે ત્રાટકેલા 2 બુકાનીધારી લૂંટારૂઓએ બંદૂકની અણીએ શોપમાંથી રોકડ અને દાગીના મળી આશરે 1.50 લાખની લૂંટ ચલાવી શોપની બહાર પહેલાથી ઉભેલા ત્રીજા લૂંટારૂ સાથે બાઇક પર ભાગી છૂટ્યા હતા.ધોળે દિવસે બનેલી લૂંટની આ ઘટનાથી આ વિસ્તારમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.

સેલવાસના આમલી વિસ્તારમાં હોરીઝન ટાવરમાં આવેલી આભૂષણ નામની સોના-ચાંદીની દુકાન બહાર બુધવારે બપોરે 3 કલાકે ત્રણ લૂંટારૂ બાઈક પર આવ્યા હતાં. જેમાંથી એક બાઈક પર જ બહાર ઉભો હતો અને બે ચહેરા પર માસ્ક પહેરી અને માથે રૂમાલ બાંધી દુકાનમાં ઘૂસ્યા હતાં. જેમાંથી એક લૂંટારૂઓએ બંદૂક કાઢી દુકાનમાં બેસેલા યુવકના માથા ઉપર મુકી અને બીજા લૂંટારૂએ દુકાનમાંથી સોનાનું એક મંગળસૂત્ર સહિતના દાગીના અને કાઉન્ટરમાં જે રોકડ રકમ હતી એ કાંઢી લીધી હતી.

ત્યાર બાદ બન્ને લૂંટારૂ બહાર રાહ જોતા બાઇક સવાર ત્રીજા લૂંટારૂ સાથે ફરાર થઇ ગયા હતા.આ ઘટનાની જાણ થતા દુકાનના માલિક દિપક કોઠારી સ્થળ પર પહોંચી પોલીસને પણ જાણ કરતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હરેશ સિંહ રાઠોડ,એસએચઓ અનિલ ટી.કે.સહિત પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ સાથે અંદાજિત દોઢ લાખની લૂંટ થઇ હોવાની જાણકારી મળી છે.સેલવાસમાં ધોળેદિવસે લૂંટની ઘટનાને પગલે ચકચાર મચી છે.

લૂંટની ઘટના બાદ જ્વેલરી શોપમાં પૂછપરછ કરી રહેલી સેલવાસ પોલીસ

દુકાનમાં લાગેલા સીસી કેમેરામાં ઘટના કેદ થઇ
દુકાનના માલિક દિપક કોઠારીના જણાવ્યા અનુસાર બપોરે પોણા ત્રણ વાગ્યાની આ ઘટનામાં બે લૂંટારૂ દુકાનમાં ઘૂસ્યા હતા અને અમારી દુકાનમાં કામ કરતા માણસના માથા પર એક લૂંટારૂએ સીધી બંદૂક મૂકી દીધી હતી ત્યાર બાદ દુકાનમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ લઇ દુકાન બહાર ઉભેલા ત્રીજા લૂંટારૂ સાથે બાઈક પર ભાગી ગયા હતા.લૂંટની આ ઘટના દુકાનમાં લાગેલા સીસી ટીવી કેમેરામાં કેદ થઇ હોવાથી પોલીસે તેના ફૂટાજ મેળવી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...