વાર્ષિક સામાન્ય સભાનો વિવાદ:વલસાડમાં મુખ્યમંત્રી ગૃહ યોજનાના સરદાર હાઇટ્સ સંકુલમાં ‌ફલેટધારકો વિફર્યા, પ્રતિક ઉપવાસે ઉતર્યા

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળના નામે સંકુલ એસોસિએશને સભા નહિ બોલાવતા વિરોધ પ્રદર્શન, અઢી વર્ષથી સભા ન થતા રહીશોમાં નારાજગી

વલસાડ શહેરમાં તિથલ રોડ ઉપર 2900 ફલેટો સાથે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 18 બિલ્ડિંગોના તૈયાર કરાયેલા સૌથી મોટા ભવ્ય અને ‌વિશાળ સરદાર હાઇટ્સ સંકુલમાં વાર્ષિક સામાન્ય સભા મુદ્દે મોટો વિવાદ સામે આવ્યો છે.સભા ન બોલાવતા ફલેટધારકોમાં ભારે રોષ ફેલાયો છે.આ મુદ્દે રહીશોને પ્રતિક ઉપવાસનું શસ્ત્ર ઉગામવાની નોબત આવી છે.

રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ ગુજરાત હાઉસિંગ બોર્ડ મારફત વલસાડમાં પોશ વિસ્તાર તિથલ રોડ ઉપર ખુબજ વિશાળ પ્રોજેક્ટનું નિર્માણ કર્યું હતું.જેમાં 10 થી 12 માળની 18 બિલ્ડિંગો તૈયાર કરવામાં આવી હતી.આ પ્રોજેક્ટ તૈયાર થઇ ગયા બાદ તેને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના નામે સરદાર હાઇટ્સનું નામકરણ કરાયું હતું.જેમાં હાલે તમામ ફલેટોમાં રહીશો વસવાટ કરી રહ્યા છે.આ બિલ્ડિંગોના મેઇન્ટેનન્સ સહિતની કામગીરી માટે કારોબારી કમિટિ કામ કરી રહી છે.

પરંતુ છેલ્લા અઢી વર્ષથી કમિટિએ એજીએમ (વાર્ષિક સામાન્ય સભા) બોલાવી ન હતી.જેના કારણમાં કમિટિએ કોરોના કાળના કારણે કોવિડ-19ની ગાઇડલાઇનને લઇ સભા યોજી શકાતી નથી તેવું જણાવવામાં આવ્યું હતું.હવે જ્યારે કોરોનાની પરિસ્થિતિ હળવી થઇ ગઇ છે અને સરકારે પણ કોવિડની માર્ગદર્શિકાના અમલ સાથે છુટ આપી છે છતાં વાર્ષિક સભા બોલાવવામાં નહિ આવતાં રહીશોએ મુદ્દો ઉઠાવ્યો છે. રહીશોએ રવિવારે એજીએમ યોજવાની માગ ઉઠાવી રવિવારે સરદાર હાઇટ્સમાં જ પ્રતિક ઉપવાસનું આંદોલન છેડ્યું હતું.

જન આંદોલનના માર્ગ અપનાવી કોર્નર મિટિંગો યોજીશું
વલસાડના સરદાર હાઇ્ટસની એજીએમ (સામાન્ય સભા) કોરાના કાળનું કારણ ધરી એસોસિએશન દ્વારા બોલાવવામાં આવતી નથી. અહિ રૂ.12 કરોડનો હિસાબ,ખર્ચ સહિતના કામો છે. એકાઉ્ન્ટસ એન્ડ એક્સપેન્ડીચર્સ આપવાનો છે. જે માટે વાર્ષિક સામાન્ય સભા બોલાવવાની માગ છે. કોરાનાકાળનું કારણ આપી એસો.સભા બોલાવતું નથી. જેથી હાલે પ્રતિક ઉપવાસ કર્યા છે.જો ઉકેલ ન આવે તો સંકુલમાં જ જનઆંદોલન કરી તેમના બિલ્ડિંગ નીચે રાત્રે કોર્નર મિટીંગો કરીશું. > ભરત સોની, ફલેટધારક, સરદાર હાઇટ્સ

હાલમાં ભાગલા કરો અને રાજ કરોની પધ્ધતિ ચાલી રહી છે
છેલ્લા અઢી વર્ષમાં ડિવાઇડ એન્ડ રૂલની પધ્ધતિ ચાલી રહી છે. ફરજ અને હક્ક જાણવાની એસોસિએશને જાણવાની જરૂર છે. ગુજરાત હાઉસિંગ પાસે આપણે હક્કો લેવાના છે. સરદાર હાઇ્ટસ સંકુલ કેવી રીતે સુંદર બને, કો.ઓપરેટિવ સોસાયટી બને અ્ને દરેક સોસાયટીઓનું સંઘ બને તે આપણો ઉત્તમ વિકલ્પ છે.ગુજરાત હા.બોર્ડની પેટા નિયમમાં સંઘનું દર્શાવ્યું જ છે.પોતાની મન મરજીથી કોઇ વસ્તુ ન થવી જોઇએ.ફરજો સમજો અને હક્કોને સમજો અને આપણે આગળ વધીએ.> તુષાર માવાણી, ફલેટધારકો

​​​​​​​કલેકટરની પરમિશન છતાં સભા યોજાતી નથી
વાર્ષિક સામાન્ય સભા યોજવા માટે કલેકટરે 400 વ્યક્તિ સાથે સભા યોજના પરમિશન આપી છે છતાં સરદાર હાઇટ્સની એજીએમ માટે એસોસિએશન દ્વારા સભા બોલાવાતી ન હોવાની હૈયાવરાળ રહીશો ઠાલવી રહ્યા છે.તેમના જણાવ્યા મુજબ જો 38 હજાર સભાસદો ધરાવતી સરદાર ભીલાડવાલા બેંકની એજીએમ મળી શક્તી હોય તો આ સંકુલની એજીએમ કેમ ન યોજી શકાય?અહિ ક્રિકેટ મેચ અને નવરાત્રિ જેવા કાર્યક્રમ યોજી શકાયા તો એજીએમ કેમ નહિ જેવા પ્રશ્નો ઉઠાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...