ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં તા. 8 ડિસેમ્બર 2022ના રોજ જાહેર થયેલા પરિણામમાં વલસાડ જિલ્લાની 5 બેઠક પૈકી સૌથી વધુ 74.47 ટકા વોટ શેર પારડી બેઠકના ભાજપના ઉમેદવાર કનુ દેસાઈનો નોંધાયો છે. ગત 2017ની ચૂંટણીમાં પણ જિલ્લામાં સૌથી વધુ 64.23 ટકા વોટ શેર કનુભાઈ દેસાઈના જ હતા. જોકે, આ ચૂંટણીમાં તેમના વોટ શેરમાં 10.24 ટકાનો સીધો વધારો નોંધાયો છે.
ઉમરગામના ભાજપના ઉમેદવારના વોટ શેરમાં પણ વધારો
વલસાડ બેઠક પર ભાજપના ભરત પટેલનો વર્ષ 2017ની ચૂંટણીમાં વોટ શેર 60.49 ટકા હતો, જે વર્ષ 2022ના પરિણામમાં 12.43 ટકા વધીને 72.92 ટકા થયો છે. ધરમપુરમાં ભાજપના અરવિંદ પટેલનો વર્ષ 2017માં વોટ શેર 53.53 ટકા હતો જે વર્ષ 2022માં 11.29 ઘટીને 42.24 ટકા થયો છે. ઉમરગામના ભાજપના રમણલાલ પાટકરનો વર્ષ 2017માં વોટ શેર 60.87 ટકા હતો જે વર્ષ 2022માં 3.71 ટકા વધીને 64.58 ટકા થયો છે. જ્યારે કપરાડામાં જીતુ ચૌધરી વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાં હતા ત્યારે 170 મતની સરસાઈથી વિજય થયા હતા. જેમાં તેમનો વોટ શેર 47.59 ટકા હતો ત્યારબાદમાં ભાજપમાં પ્રવેશ થતા વર્ષ 2020માં પેટા ચૂંટણી થતા જીતુભાઈ 47066 મતે વિજય થતા તેમનો વોટ શેર 60.43 ટકા થયો હતો. વર્ષ 2022ની ચૂંટણીમાં તેમનો વોટ શેર 16.97 ટકા ઘટીને 43.46 ટકા નોંધાયો છે.
ધરમપુર અને કપરાડા બેઠક પર વોટ શેરમાં ઘટાડો
જિલ્લાની 5 બેઠક પૈકી વલસાડ, પારડી અને ઉમરગામમાં ભાજપના ઉમેદવારોનો વોટ શેર વધ્યો છે. જ્યારે ધરમપુર અને કપરાડા બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ હોવાની સાથે સાથે વર્ષ 2022ની ચૂંટણીમાં ધરમપુરમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારના કારણે મતોના ભાગલા પડતા અસર વર્તાઈ હતી. જ્યારે કપરાડામાં ભાજપના ઉમેદવારનો વોટ શેર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કારણે ઘટ્યો હોવાનું જોવા મળી રહ્યુ છે.
પાર તાપી રિવર લિંક પ્રોજેકટના વિરોધ કરી રહેલા અગ્રણીઓને આમ આદમી પાર્ટી દ્વારા ટીકીટ આપવામાં આવી હતી. જેને લઈને આદિવાસી સમજે આમ આદમી પાર્ટીના ઉમેદવારને ધરમપુર અને કપરાડા બેઠક ઉપર કોંગ્રેસ કરતા વધારે મત આપ્યા છે. જેથી BJPના ઉમેદવારના વોટ શેરમાં મોટો ઘટાડો આ બંને બેઠક ઉપર નોંધોયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.