મોન્સૂન કાઉન્ટ ડાઉન, તંત્ર સક્રિય:ચોમાસા પૂર્વે વાપી-વલસાડમાં 350 જર્જરિત મિલકતોના જોખમી ભાગ ઉતારવા નોટિસ

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી વસાહત અને દમણગંગા વિભાગના 5 મકાન પણ જર્જરિત, તૂટેલા હિસ્સાનું રિપેરિંગ, બાંધકામો પરદા-ટેકા સાથે કરવા તાકીદ

વલસાડ અને વાપી શહેરમાં જૂની જર્જરિત મિલકતોને લઇ ચોમાસા પહેલાં કોઇ જાનહાનિ કે અકસ્માત ન થાય તે માટે પાલિકા તંત્રએ કવાયત હાથ ધરી છે.વલસાડના 250 અને વાપીના 100 મળી કુલ 350 જર્જરિત મિલકતોના માલિકને નોટિશ આપવામાં આવી છે. વલસાડમાં સરકારી વસાહતના 2 અને દમણગંગા વિભાગ મળી 5 જેટલા સરકારી મકાનો સહિત જૂના મકાનો,2 માળના ક્ષતિગ્રસ્ત એપાર્ટમેન્ટો સહિત 250 જેટલી મિલકતો બિસ્માર અને જર્જરિત થતાં પાલિકાએ નોટિસની કાર્યવાહી કરી છે. જયારે વાપી પાલિકાએ વર્ષો જુના અને જર્જરિત બનેલા મકાનોના મિલકત ધારકોને નોટિશ આપવામાં આવી છે.

આ સાથે પાલિકા દ્વારા આવા મિલકતધારકોને જોખમી ભાગ ઉતારી લેવા,જર્જરિત હિસ્સાની મરામત કરાવી પાલિકાને જાણ કરવા તાકીદ કરવામાં આવી છે.વલસાડ શહેર વિસ્તારમાં આવેલી જર્જરિત મિલકતોથી ચોમાસામાં ભારે વરસાદ,વાવાઝોડા કે તોફાની પવન જેવા સંભ‌વિત સંજોગોમાં જર્જરિત મિલકતો જોખમરૂપ પરિસ્થિતિ ઉભી કરે તેવી શક્યતાને જોતાં વલસાડ નગરપાલિકાએ અત્યારથી જ કવાયત હાથ ધરી છે.પાલિકા દ્વારા આ સિવાય જે મિલકતો નબળી છે તેના માલિકોને જોખમી ભાગ ઉતારી લેવા તાકીદ કરી છે.

આ બધી મિલકતો મોટા ભાગે ખાલી અને બંધ છે.પરંતું જૂની અને 35થી 40 વર્ષથી વધુ જૂની છે તેમના બાંધકામ ક્ષીણ થઇ ગયાં છે અને એવી મિલકતો કે જેનો હિસ્સો તૂટી જઇ શકે છે તે ભાગો દૂર કરાવવા અને મરામત કરાવવા માટે નગરપાલિકાના બાંધકામ વિભાગ અને સીઓ દ્વારા જાહેર નોટિસની કાર્યવાહી કરી તમામને નોટિસો જારી કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

ગર્વ.કોલોનીના 2 મકાન, દમણગંગાના 3 મકાન જોખમી
તિથલ ગર્વન્મેન્ટ કોલોનીના 2 જૂના જર્જરિત મકાનો PWD હેઠળ આવે છે.આ મકાનો જર્જરિત થઇ જતાં હાલ ખાલી પડ્યાં છે.આ મિલકતો પાછળ ધોબીતળાવનો વિસ્તાર પણ લાગે છે.જ્યાં લોકોની અવરવજર થઇ રહી છે. આ મકાનો દૂર કરવા પણ પાલિકા દ્વારા તંત્રને જણાવાયું છે.તિથલ રોડ પર જ દમણગંગા વિભાગના 3 મકાનો ભયજનક છે.

નોટિસમાં શુ કહ્યું
ગુજરાત નગરપાલિકા એક્ટ-1963ની કલમ 182 (1)ની જોગવાઇ મુજબ પાલિકાની હદમાં જૂની જર્જરિત,બિસ્માર અને ક્ષતિગ્રસ્ત મિલકતો બેસી જવા કે તૂટી પડવા અને અકસ્માત થવાના બનાવો રોકવા માલિકો અને કબજેદારોને મરામત કરાવવા,ભયજનક મિલકતો દૂર કરવી જરૂરી છે.આ જોગવાઇનો અમલ ન કરતા અકસ્માત કે જાનહાનિ થશે તો જવાબદારી મકાન માલિકોની રહેશે તેવી તાકીદ કરવામાં આવે છે.

નવા બાંધકામ માટે પણ સૂચના અપાઇ
શહેરમાં જે મિલકતો અડરગ્રાઉન્ડ પાર્કિંગના બાંધકામ હોય તો ખોદાણ ચોમાસા અગાઉ પૂર્ણ કરી દેવા સૂચના આપવામાં આવી છે.તેવી મિલકતોમાં ભોયરૂં ખોદી કે પાયા ખોદીને બાંધકામ થાય છે તેવી મિલકતોની આજૂબાજૂની મિલકતોની સલામતી માટે વ્યવસ્થિત ટેકા આપીને નવું બાંધકામ કરવા સૂચના જારી કરાઇ છે.

જાહેર હિતમાં સૂચનાનો અમલ ન કરાશે તો કાર્યવાહીનું પણ અલ્ટિમેટમ અપાયું
પાલિકા ચીફ ઓફિસર સંજય સોની અને પ્રમુખ કિન્નરીબેન અમિષ પટેલે શહેરમાં જૂની જર્જરિત મિલકતોના માલિકોને જાહેર હિતને ધ્યાને લઇ જોખમી,જર્જરિત ભાગો ઉતારી લેવા,મરામત કરવામાં બેદરકારી દાખવવામાં આવશે તો વહીવટી ખર્ચ જે તે મિલકતદારો પાસે વસુલ કરી તથા પોલીસ ફરિયાદ કરવા જેવી બાબતો મામલે કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...