ગુણવત્તા નિયંત્રણ માટે ચકાસણી:વલસાડ જિલ્લામાં બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના 30 વિક્રેતાઓને નોટિસ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશાક દવાઓની ખરીદીમાં સાવધાની રાખવા અપીલ

વલસાડમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું વેચાણ કરતા ડીલરો અને એજન્સીઓમાં ગુણવત્તા નિયંત્રણના નિયમોનુસાર ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 143 ડીલરો અને એજન્સીઓની ચકાસણી કરાતા બિયારણના 13, ખાતરના 09 અને જંતુનાશક દવાઓના 05 નમૂના લઈ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. તેમજ બિયારણના 14, ખાતરના 08 અને જંતુનાશક દવાઓના 08 વિક્રેતાઓને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે.

વલસાડ જિલ્લાના ખેડૂતોને આગામી ચોમાસા ઋતુમાં ગુણવત્તા સભર અધિકૃત બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ઉપલબ્ધ થઈ શકે એ હેતુથી ખેતી નિયામક ગાંધીનગરના માર્ગ્દર્શન હેઠળ સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) સુરત વિભાગ દ્વારા તા.25મી મે થી તા.28મી મે દરમિયાન આંતર-જિલ્લા સ્ક્વોડ બનાવી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું વેચાણ કરતા ડીલરો અને એજન્સીઓમાં ગુણવત્તા નિયંત્રણના નિયમોનુસાર ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ ઝુંબેશ અન્વયે વલસાડ જિલ્લામાં તા.25મી થી તા.28મી મે દરમિયાન 143 ડીલરો અને એજન્સીઓની ચકાસણી કરાતા બિયારણના 13, ખાતરના 09 અને જંતુનાશક દવાઓના 05 નમૂના લઈ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. તેમજ બિયારણના 14, ખાતરના 08 અને જંતુનાશક દવાઓના 08 વિક્રેતાઓને શો-કોઝ નોટિસ આપી, બિયારણનો આશરે રૂ.81.12 લાખ, ખાતરનો રૂ.14 43 લાખ અને જંતુનાશક દવાઓનો રૂ.33 હજારના જથ્થાનું વેચાણ અટકાવવામાં આવ્યું હતું.

ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીમાં અમુક બાબતોનુ ખાસ ધ્યાન રાખવા જણાવાયું છે. જેમ કે, બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ અધિકૃત લાયસન્સ ધરાવતી સહકારી મંડળી પાસેથી કરવી. રાસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાઓની બોટલ કે ટીન તથા બિયારણની થેલીના સીલની અને મુદ્દતની ચકાસણી કરી લેવી. વેપારીઓ પાસે લાયસન્સ નંબર, પુરેપુરા નામ, તેમની સહીવાળા બીલમાં ઉત્પાદકનું નામ અને બિયારણના કિસ્સામાં મુદ્દત પુરી થયાની તારીખ વગેરે વિગતો દર્શાવતું પાકું બીલ મેળવવું અને બીલમાં દર્શાવેલ વિગતોની ખરાઇ થેલી, ટીન અને લેબલ સાથે અવશ્ય કરી લેવી.

ખાતરની થેલી/બારદાન ઉપર યથાપ્રસંગ ફર્ટીલાઇઝર, બાયોફર્ટીલાઇઝર, ઓર્ગેનિક ફર્ટીલાઇઝર અથવા નોન-એડીબલ ડી-ઓઇલ્સ કેક ફર્ટીલાઇઝર લખેલું ન હોય તો તેવી થેલીમાં ખાતરને બદલે ભળતો પદાર્થ હોઇ શકે છે. તેથી આવા પદાર્થોની ખરીદી કરવી નહી. જમીન સુધારકોને નામે વેચાતા પદાર્થો હકીકતમાં રાસાયણિક કે અન્ય ખાતર હોતા નથી, તેથી આવા પદાર્થો ખરીદવા કે ખેતીમાં વાપરવા નહીં. વૃધ્ધિકારકો (ગ્રોથ હોર્મોન)સહિત જંતુનાશક દવાના લેબલ ઉપર સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ દ્વારા આપેલ સી.આઇ.બી. રજીસ્ટ્રેશન નંબર તથા લાયસન્સ નંબર લખેલો ન હોય તેમજ લેબલ ઉપર 45 ડીગ્રીના ખુણે હીરા આકારના ચોરસમાં બે(2) ત્રિકોણ પૈકી નીચેના ત્રિકોણમાં ચળકતો લાલ, પીળો, વાદળી કે લીલો રંગ અને ઉપરના ત્રિકોણમાં ઝેરીપણા અંગેની નિશાની કે ચેતવણી દર્શાવેલી ન હોય તેવા વૃધ્ધિકારકો, જંતુનાશક દવાઓની બોટલ, પાઉચ, પેકેટ કે થેલીમાં રહેલ પદાર્થોની ગુણવત્તાની કોઇ ખાતરી ન હોવાથી કોઇપણ સંજોગોમાં આવા પદાર્થોની ખરીદી કરવી નહીં.

આ ઉપરાંત બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની ગુણવત્તા અંગે જો કોઇ શંકા કે સંશય હોય તો જિલ્લા નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ), મદદનીશ ખેતી નિયામકશ્રી(ગુ.નિ), ખેતીવાડી અધિકારી, વિસ્તરણ અધિકારી તથા ગ્રામ સેવકનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...