વલસાડ શહેરમાં કાળઝાળ મોંઘવારીમાં વ્યાજબી ભાવે મળતી વસ્તુઓ ખરીદવા સપ્તાહમાં એક વાર બપોર બાદ ભરાતા રવિવાર બજારમાં પોલીસે ગ્રાહકોની સુવિધા માટે નાના મોટા વાહનોની એન્ટ્રી બંધ કરી દીધી હતી. રવિ બજારમાંથી વાહનો પણ પસાર થતાં ભારે મુશ્કેલી સર્જાતા પોલીસે નવી વ્યવસ્થા કરી હતી. પોલીસ ટીમને પણ આ સ્થળે ગોઠવી દઇ દેખરેખ રાખવામાં આવી હતી.
મોઘવારીના કપરા સમયમાં રાજ્યના અનેક નાના મોટા શહેરોમાં અઠવાડિયામાં એક વાર અને તે પણ બપોર બાદથી યોજાતા રવિવાર બજાર વલસાડમાં પણ જોવા મળે છે. શહેરીજનો અને તાલુકાના ગામડાઓમાંથી જરૂરતમંદ પ્રજાજનો આ બજારમાં મળતી જરૂરિયાતની નાની મોટી ચીજવસ્તુઓ લેવા મહિલાઓ, બાળકો, યુવાનો વલસાડ સ્ટેડિયમ રોડ ઉપર આવે છે. રવિ બજારમાં યોગ્ય ભાવે ચીજ વસ્તુઓ મળતાં હાલના મોંઘવારીના સમયમાં આર્થિક કમ્મર લોકોની ભાંગી ગઇ છે ત્યારે લોકો વલસાડમાં પણ રવિ બજારમાંથી પોતાના પરિવારજનો માટે ખરીદી કરી આત્મસંતોષ મેળવતા હોય છે.
વલસાડના રવિ બજારમા વાહનોને આ રસ્તા પરથી પસાર થવા શહેર પોલીસ દ્વારા નો એન્ટ્રીના બેરિકેડ મૂકાયા હતા.જેને લઇ રવિ બજારમાં ગ્રાહકો,પાથરણાવાળાને પણ રાહત મળી છે.જો કે અન્ય વિસ્તારમાં વેચાણકર્તાઓને બેસવા દેવામાં ન આવતા સ્પર્ધાત્મક માહોલમાં ઓછા ભાવે વસ્તુઓ મેળવવા ગ્રાહકો વધુ લાભ લઇ શક્યા ન હતા. સ્ટેશન રોડ,બેચર રોડ ઉપર પણ અમુક નાના વેપારીઓને બેસવાની સુવિધા મળે તે જરૂરી હોવાની ગ્રાહકોમાં ચર્ચા ઉઠી હતી.
મોંઘવારીમાં ધંધા વેપાર ઠપ થઇ રહ્યા છે ત્યારે વેપારીઓને પણ રવિબજારમાં તેમની ચીજવસ્તુઓનું વેચાણ કરી પરિવારજનોનું ભરણપોષણ થઇ શકે તેમ હોય આ બાબતે વ્યવહારૂ અભિગમ તંત્રનો હોવો જરૂરી લેખાઇ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.