સમાજસેવા:નિજાનંદ પરિવાર ભાવનગર અને કર્મશક્તિ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગરીબ બાળકોના લાભાર્થે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર મહાનગરપાલિકાના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ડોક્ટરોની ટીમ દ્વારા માનવીય અભિગમ સાથે આરોગ્ય તપાસણી કરી

ગધેડીયા ખાતે આવેલા મેદાન પર રહેતા ઘરવિહોણા અને જરૂરિયાતમંદ બાળકોની માનવીય અભિગમ સાથે આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. આવાં જ એક સેવાના ઉપક્રમે નિજાનંદ પરિવાર, ભાવનગર અને કર્મશક્તિ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભાવનગરના ગરીબ બાળકોની આરોગ્ય તપાસણી માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.

સમાજનો એક એવો વર્ગ છે જે બીજાના સુખે- સુખી અને બીજાના દુઃખે- દુઃખી થતો હોય છે. તેમને મન સેવા એ જ પ્રભુસેવા છે, પરમ આનંદ છે. બીજાની પીડાને પોતાની પીડા સમજીને કાર્ય કરતી ભાવનગરના આવી જ બે સંસ્થાઓ છે. નિજાનંદ પરિવાર અને કર્મશક્તિ ફાઉન્ડેશન, જે પોતે ઘસાઈને સમાજને ઉજળો કરવાનું અને અગરબત્તી જેવું કાર્ય કરીને સમાજને પોતાની સેવાથી સુગંધિત કરી રહી છે.

તેઓ ગધેડિયા ફિલ્ડની વસાહતના બાળકોને દરરોજ પ્રેમભાવથી નાસ્તો કરાવવાં સાથે શિક્ષણની કીટ પણ નિઃશૂલ્ક આપીને સંસ્કાર સાથે શિક્ષણનું સિંચન કરી રહ્યાં છે. આ બાળકોની શારીરિક આરોગ્ય તપાસ સાથે કૃમિની દવા, શક્તિની દવા તેમજ પ્રાથમિક સારવારની જરૂરિયાત માટે આ અદભૂત કાર્ય કરતી સંસ્થાને હુંફ આપવા માટે ભાવનગરની નિજાનંદ પરિવાર સંસ્થા દ્વારા આરોગ્ય તપાસણી કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.

'નિજાનંદ પરિવાર સંસ્થા' પણ સમાજના જરૂરિયાતમંદ લોકોની સેવા માટે હંમેશા કાર્યકર પહેલો એવો પરિવાર છે જે જરૂરિયાતના સમયે આગળ આવીને લોકોની હંમેશાં સેવા કરતો રહ્યો છે. જાતિ-જ્ઞાતિ, ગરીબ-તવંગર વગેરેના ભેદભાવ વગર સમાજના તમામ ક્ષેત્રોના લોકોને આવરી લેતી આ સંસ્થા કોઈપણ ખેવના વગર લોકસેવા કરતી રહી છે.

ભાવનગર મહાનગરપાલિકાની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય વિભાગની ટીમના ડૉ. શક્તિસિંહ ગોહિલ, ડો. પ્રતિકભાઇ ગાબાણી, તેજલબેન ગામીત, હેતસ્વીબેન ધાંધલા દ્વારા બાળકોના વજન, ઊંચાઈ માપવા સાથે દવા, સારવાર, ડ્રેસિંગની કામગીરી ખૂબ જ ભાવપૂર્વક કરવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિજાનંદ પરિવારના ડૉ. ધવલભાઇ દવે, અનિલભાઈ પંડિતે જહેમત ઉઠાવી હતી, ભાવેણાની ભાવવાળી અને સેવાના સંસ્કારને દીપાવતી કામગીરી કરતી 'નિજાનંદ પરિવાર' અને કર્મશક્તિ ફાઉન્ડેશન તથા મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના સમન્વયથી ગરીબ બાળકોની આરોગ્ય તપાસ સાથે તેમના ચહેરા પર મુસ્કાન લાવવાં માટેનું નિમિત્ત બન્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...