ઝૂંપડપટ્ટીમાં રહેતા તેમજ ઘર વિહોણા લોકોને ઘર મળી રહે તેવા ઉમદા હેતુથી વલસાડ ખાતે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સરદાર હાઇટ્સ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એપાર્ટમેન્ટમાં ફ્લેટ મેળવનાર લાભાર્થીઓને 7 વર્ષ સુધી ફ્લેટ ભાડે ન આપવા તેમજ કોઈને 7 વર્ષ સુધી વેચાણ ન આપવાની શરતે ધારકોને ફ્લેટ આપવામાં આવ્યાં હતા. જોકે, તેમ છતાં સરકારી નિયમોને ઘોળીને પી ગયેલા કેટલાક ફ્લેટ ધારકો હજુ પણ સરદાર હાઈટમાં ફ્લેટ ભાડે આપી રહ્યા છે. જેને લઇ નવી ચૂંટાયેલી બોડી સામે આ સમગ્ર પ્રશ્ન આવતા શનિવારે મોડી રાત્રે સરદાર હાઇટ્સ ખાતે એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી સમયમાં ભાડાના ફ્લેટો ખાલી કરાવાશે
આ સામાન્ય સભામાં સરદાર હાઇટ્સ બિલ્ડિંગમાં કોઈ પણ ધારકે ફ્લેટ ભાડે ન આપવાનો સર્વાનુંમતે નર્ણય નવી કમિટી દ્વારા કરવામાં આવ્યો હતો. કેટલાક ફ્લેટ ધારકોએ આ નિર્ણયના વિરોધમાં નવી કમિટીના સભ્યો સામે બાય ચડાવી હતી. આ દરમિયાન મામલો ગાળાગાળી સુધી પહોંચ્યો હતો. જેના વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે હાલ સમગ્ર વલસાડ પંથકમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. નવી કમિટી દ્વારા ભાડાના ફ્લેટો ખાલી કરાવવા આગામી દિવસોમાં તજવીજ હાથ ધરવામાં આવશે તેમ સરદાર હાઇટ્સ બિલ્ડિંગના પ્રમુખે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.