અકસ્માતથી ગાયોને બચાવવા પ્રયત્ન:દાદરાનગર હવેલીના નરોલી પંચાયત દ્વારા ડોકમરી ગૌ શાળામાં 150થી વધુ ગાય મોકલાઇ

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલીના નરોલી પંચાયતમાં ગત અઠવાડિયે એક અકસ્માતમાં ચાર ગાયના મોત નીપજ્યાં હતા અને ત્રણ ગાય ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ જ રીતે વારંવાર અકસ્માતો થતા હોવાને કારણે પંચાયતના સભ્યો દ્વારા નક્કી કરાયું કે, ગામમાં જેટલા પણ રખડતા ઢોરો છે એને ડોકમરડી સેલવાસ ખાતેની ગૌ શાળામાં લઇ જવામા આવે. જેથી પંચાયત સભ્ય યોગેશ સોલંકી અને એમની ટીમ પંચાયત કર્મચારીઓ સાથે ભેગા મળી નરોલીથી પગપાળા 150થી વધુ ગાયને ડોકમરડી ગૌ શાળા સુધી લઇ જવામા આવી હતી અને ત્યાના જવાબદાર અધિકારીઓને મળી ગાયોને સોંપવામા આવી હતી.

ગાયોને ચાર દિવસ ખુલ્લી જગ્યામાં રાખવામાં આવશે
પશુચિકિત્સકએ જણાવ્યુ હતું કે, આ ગાયોને હાલમા ચાર દિવસ ખુલ્લી જગ્યામાં રાખવામા આવશે અને તેઓને કોઈ બીમારી નથી તે અંગે ચકાસણી કરવામા આવશે. સાથે જો કોઈ ગાયને લમ્પી વાયરસની અસર હશે તો એને આઇસોલેશનમા રાખવામા આવશે. યોગેશ સોલંકી દ્વારા કલેક્ટરને પણ નિવેદન કરવામા આવ્યુ છે કે, અહીં ગૌ શાળામા સ્ટાફની કમી છે. એ માટે તાત્કાલિક જરૂરી સ્ટાફની ભરતી કરવામા આવે. જેથી અહીં આવતી ગૌ ધનની યોગ્ય જાળવણી કરી શકાય.

બીજી પંચાયતના લોકો પણ ગાયોને લઈ આવશે તો મોટી સમસ્યા
બીજી તરફ પ્રદેશના ગૌ રક્ષક નરેન પાલીવાલ અને એમની ટીમના જણાવ્યા અનુસાર, નરોલી પંચાયત દ્વારા એક સાથે 150થી વધુ ગાયોને લાવવામા આવી છે. જેઓને હાલમાં ખુલ્લી જગ્યા પર રાખવામા આવવાની છે અને બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તો આ ગાયોની ચારાની કેવી રીતે સગવડ કરવામા આવે તે એક વિચારવાનો વિષય છે. વરસાદના કારણે ખુલ્લી જગ્યા પર કાદવ કિચ્ચડ થઇ ગયો છે. જેના કારણે જે પણ ચારો નાખવામા આવે એ કચરો બની જશે. જેના પગલે પશુઓ ભૂખ્યા રહેશે અને વધુ બીમાર પડવાની કે મરવાની સંભાવના નકારી શકાય એમ નથી. હાલમા નરોલી પંચાયત દ્વારા પશુઓ લાવવામા આવ્યા છે. તેવી જ રીતે જો બીજી પંચાયતના લોકો પણ ગાયોને લઇ આવશે તો મોટી સમસ્યા ઉભી થશે.

અન્ય સમાચારો પણ છે...