કોમી એકતાની અનોખી મિસાલ:ઉમરગામમાં હનુમાન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુસ્લિમ સમાજે રૂપિયા 21 હજારનું યોગદાન આપી અનોખી પહેલ કરી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ટા મહોત્વમાં મુસ્લિમ મહિલાઓ પણ જોડાઈ
  • પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તો માટે ત્રણ દિવસ પાણી પૂરું પાડવાની જવાબદારી પણ મુસ્લિમ સમાજે ઉપાડી

રામનવમીના તહેવાર વખતે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, વલસાડ જિલ્લાના ઉમરગામમાં હનુમાનજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોમી એકતાના અનોખા દર્શન થયા હતા. હનુમાન મંદિરના નિર્માણમાં મુસ્લિમ સમાજ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી. ઉમરગામમાં માછી સમાજ સંચાલિત નવનિર્મિત હનુમાનજી મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં ઉમરગામની સૌથી મોટી મસ્જિદના મૌલાના સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યા હતા અને હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુસ્લિમ સમાજ દ્વારા 21 હજાર રૂપિયાનું યોગદાન પણ આપ્યું હતું.

આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તો માટે ત્રણ દિવસ પાણી પૂરું પાડવાની જવાબદારી પણ મુસ્લિમ સમાજે ઉપાડી હતી. આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ટા મહોત્વમાં મુસ્લિમ મહિલાઓ પણ આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાઈ હતી. તમામ મુસ્લિમ મહિલાઓનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મુસ્લિમ અગ્રણીઓનું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. નાનકડા ઉમરગામના તમામ ધર્મના લોકો આ મહોત્સવમાં જોડાઈ એક બીજાના ધર્મને આદર અને સત્કાર આપી કોમી એકતાની મિશાલ પૂરી પાડી છે.

ઉમરગામ અને આસપાસના વિસ્તારના લોકોના આસ્થાના પ્રતિક સમા હનુમાનજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઈ સહિત અનેક રાજકીય અગ્રણીઓએ પણ હાજર રહી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હનુમાન જયંતિ નિમિત્તે સમાજના કલ્યાણ માટે હનુમાન દાદાને પ્રાર્થના કરવામાં આવી હતી. તો મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહી અને કોમી એકતા અને ભાઇચારાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આમ ઉમરગામનું હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કોમી એકતાનું પ્રતિક બન્યો હતો. આ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હજારો ભક્તોએ હાજર રહી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...