ગ્રામ પંચાયત ચૂંટણીના પડઘમ:જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસમાં ચહલપહલ

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના 4 રથ ત્રણ દિવસ ગામેગામ ફરશે
  • કોગ્રેસનો ઠેર ઠેર સંમેલનો યોજવા વ્યૂહ, જાહેરનામાની અટકળો તેજ

આગામી ડિસેમ્બરમાં ગ્રામ પંચાયતોની મુદ્દત પૂરી થઇ રહી છે અને 45 દિવસ પહેલાં નોટિફિકેશન જાહેર થવાની શક્યતાઓ જોવાઇ રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસમાં રાજકીય ગરમાટો વ્યાપી ગયો છે. સમગ્ર રાજ્યમાં 2016 ડિસેમ્બરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની મુદ્દત ડિસેમ્બરમાં પૂરી થઇ રહી છે ત્યારે પાંચ વર્ષની નવી મુદ્દત માટે પંચાયતોની ચૂંટણીના તાજેતરમાં બ્યુગલ ફુંકાઇ રહ્યા છે. જેને ગંભીરતાથી લેવા ભાજપે કમર કસી છે. ચૂંટણીનું જાહેરનામુ બહાર પડે અને આચારસંહિતા લાગૂ પડે તે પહેલાં ભાજપ અને કોંંગ્રેસમાં ચહલપહલ વધી ગઇ છે.

દરમિયાન ભાજપે રાજ્યભરમાં 18થી 21 નવેમ્બર વચ્ચે ત્રણ દિવસીય આત્મનિર્ભર યાત્રાનું મોટાપાયે આયોજન કર્યુ છે. જિલ્લા ભાજપ સંગઠન, હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યોમાં ગતિવિધ તેજ થઇ ગઇ છે. પંચાયતોની ચૂંટણી પહેલા નવા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાની તડામાર તૈયારી શરૂ કરાઇ છે. જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ ગ્રામ પંચાયત વિસ્તારોમાં જનાર આ યાત્રા માટેની સમીક્ષા બેઠકમાં વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રામાં ચાર રથો જોડાશે જે ગામેગામ ફરશે તેની વિગતો આપી હતી.

સમસ્ત રાજ્યમાં 18 થી 20 નવેમ્બર દરમિયાન આયોજીત આત્મનિર્ભર ગ્રામ યાત્રાના પ્રારંભને લઇ ટૂંક સમયમાં પંચાયતોની ચૂંટણીનું જાહેરનામુ બહાર પડવાની પ્રબળ શક્યતાઓ જોવાઇ રહી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસે પણ કપરાડા, પારડી તાલુકામાંથી ગ્રામપંચાયતોની ચૂંટણીને અનુલક્ષી કાર્યક્રમો શરૂ કરતાં રાજકીય ગરમાટો જિલ્લામાં વ્યાપી ગયો છે.

ચૂંટણી પહેલાં ભાજપ 300 ગામોમાં લોકાર્પણ,ખાતમુહૂર્ત કરશે
યાત્રા માટે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલની ઉપસ્‍થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધરમપુરના, આસુરામાં 18 નવેમ્બરે યોજાશે. આ યાત્રામાં જિલ્લા પંચાયતની 34 બેઠકોના વિસ્તારમાં 300 ગામોને આવરી લેવામાં આવ્‍યા છે. યાત્રા દરમિયાન રસ્તા, પાણી,આરોગ્ય અને પરિવાર કલ્યાણ,મહિલા બાળ વિકાસ, ખેડૂત કલ્યાણ, કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, શિક્ષણ, સ્પોર્ટસ સહિતના વિભાગના કામોનું લોકાર્પણ, ખાતમુહર્ત કરવાની સાથે વિવિધ આઇઇસી પ્રવૃત્તિઓ યોજાશે. યાત્રામાં વલસાડ અને ઉમરગામ તાલુકામાં 1 રથ, પારડી અને વાપી તાલુકામાં 1 રથ અને ધરમપુર કપરાડા તાલુકા માટે 1 રથ મળી કુલ 4 રથ 300 ગામમાં ફરશે.

કપરાડા-પારડીમાં કોંગ્રેસના સંમેલનો શરૂ
ગ્રામપંચાયતોની ચૂંટણીને ધ્યાને લઇ જિલ્લા કોંગ્રેસે કપરાડામાં જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વસંત પટેલે આદિવાસીઓની જાતિના પૂરાવાઓ માટે 42 પૂરાવા રજૂ કરવાના નિયમનો મુદ્દો ઉઠાવી પ્રદેશ કોંગ્રેસને પત્ર લખી રજૂઆતો કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલને આદિવાસી તાલુકાઓમાં કોવિડ-19ના કારણે બંધ કરાયેલા તમામ રૂટો શરૂ કરવા જિલ્લા એસટી વિભાગીય નિયામકને આદેશ કરવા માગ કરી છે.

મોંઘવારી સામે મુદ્દો ઉપાડવાનો વ્યૂહ
વલસાડ જિલ્લા કોંગ્રેસે ઉદવાડામાં સત્કાર સમારંભ યોજી મોંઘવારી સામે જનજાગરણ અ‌‌ભિયાન તથા સભ્ય નોંધણીની પ્રક્રિયા તેજ કરી દીધી છે. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો, કાર્યકરોને જિ.કો.ના પ્રભારી પૂનાજી ગામિત,દર્શન નાયક,જિ.પ્રમુખ દિનેશ પટેલ, ઉપપ્રમુખ ભોલા પટેલ સહિત નેતાઓએ ગાઇડલાઇન આપતાં જિલ્લા કોંગ્રેસે પણ પંચાયતોની ચૂંટણી અગાઉ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સરપંચો પણ એકશન મોડમાં
પંચયાતોના સરપંચો,સભ્યો ગામમાં પ્રાથમિક સુવિધાના કામોમાં સક્રિય થઇ ગયા છે.દરેક ગામોમાં સરપંચો, ઉપસરપંચો, સભ્યો તેમના વોર્ડમાં બાકી રહેલા કામોને ગતિ આપવા દોડધામ ચાલૂ કરી દીધી છે. કચરો ઉપાડવા, સફાઇ કરવા તેમજ અન્ય પ્રાથમિક સુવિધાના કામોમાં મડી પડ્યા છે. આગામી ગ્રામપંચાયતોની ચૂંટણીમાં જે તે બોડીએ 5 વર્ષમા જે કામો કર્યા છે તેના આધારે ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...