રજૂઆત:વલસાડના 500થી વધુ પરિવારોને વેચાણ દસ્તાવેજે જગ્યા આપવા માગ

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોબીતળાવ ખાતે મળેલી બેઠકમાં સીએમને રજૂઆત કરવા નિર્ણય

વલસાડ ધોબીતળાવ શાપૂરનગરમાં રહેતા 500થી વધુ પરિવારોને રહેઠાણોની જગ્યા દસ્તાવેજથી વેચાણે આપવા માટે માગ ઉઠી છે.ધોબીતળાવના વોર્ડ નં.7માં વર્ષો પહેલા પાલિકા દ્વારા ફાળવાયેલી જગ્યાઓ ઉપર કાચાપાકા મકાનોમાં રહેતા રહીશો દસ્તાવેજ વિનાના આવાસોમાં રહેતા આવ્યા છે. તેઓ કબજા આધારે રહેતા હોવાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વલસાડ પાલિકા સમક્ષ અગાઉ પણ આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. આ મકાનોના અમલા નામે કરવા માટે વર્ષોથી વોર્ડના સભ્યો દ્વારા સામાન્ય સભાઓમાં પણ માગણી કરી હતી.

જો કે આ પ્રશ્નનો આજદિન સુધી કોઇ ઉકેલ ન આવતાં રહીશો અધ્ધરતાલ જેવી હાલતમાં ધોબીતળાવ વિસ્તારમાં રહેતા આવ્યા છે. બુધવારે રહીશો સાથે પાલિકાના માજી કાઉન્સિલર સોહીલ કાદરી અને સામાજીક કાર્યકર કેતન શાહની આગેવાનીમાં મીટિંગ મળી હતી. જેમાં શ્રમિક પરિવારોને વેચાણે જગ્યા અપાય તેવી ચર્ચા બાદ મુખ્યમંત્રીને રજૂઆતો કરવા નિર્ણય લેવાયો છે.

MLAને રજૂઆત થશે
ધોબીતળાવ શાપૂરનગરના આ પ્રશ્ને મળેલી રહીશો અને આગેવાનોની બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય ભરતભાઇ પટેલને પણ રજૂઆતો કરવા મળવા જવાનું નક્કી કરાયું છે.શ્રમિક પરિવારો અને મધ્યમવર્ગના પરિવારો માટે તેમના રહેઠાણોની જગ્યા વેચાણે આપવા અગ્રતા આપી પ્રશ્નનો નિકાલ કરવામાં માગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...