વીજ કર્મીઓની હડતાળ:મોટી દમણના PDCL વીજ વિભાગના 300થી વધુ કામદારો પગાર વધારાના મુદ્દે કામથી અળગા રહ્યા

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પગાર વધારો ન થવાને કારણે કામદારોએ હડતાળ પર ઉતરી વિરોધ દર્શાવ્યો
  • 51% હિસ્સો સરકાર હસ્તગત, એટલે પગાર વધારવાની સત્તા સરકાર પાસે : સંચાલક

વલસાડ જિલ્લાને અડીને આવેલા દમણ ખાતે PDCLના 300થી વધુ કામદારો પગાર વધારો અને અન્ય પડતર માંગણીઓને લઈને હડતાળ ઉપર ઉતર્યા છે. જ્યાં સુધી યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી હડતાળ ઉપર રહેવાની કામદારોએ તૈયારી દર્શાવી છે. જેને લઈને PDCLની સેવાને ઘણી અસર પહોંચશે.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના મોટી દમણના PDCL (પાવર ડિસ્ટ્રીબ્યુશન કોર્પોરેશન લીમીટેડ )ના 300થી વધુ કામદારો પગાર વધારાના મુદ્દે હડતાલ પર ઉતરી કામથી અળગા રહ્યા હતા. છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી કામ કરતા કામદારોના પગારમાં આટલા વર્ષો વીતી જવા છતાં પણ કોઈપણ પ્રકારનો પગાર વધારો ન થવાને કારણે કામદારોએ હડતાલ પર ઉતરી વિરોધ દર્શાવ્યો હતો. કામદારોના જણાવ્યા પ્રમાણે મોટાભાગના કામદારો વર્ષોથી તેમની સેવા આપી રહ્યા છે. એટલું જ નહીં પણ 12થી 14 કલાક વીજ વિભાગના જોખમ ભર્યા કામ કરવા છતાં પગાર ફક્ત 9 હજાર જેટલો જ આપવામાં આવી રહ્યો છે. આ બાબતે પીડીસીએલના સંચાલકોને પગાર વધારવા અંગે જ્યારે કહેવામાં આવે છે ત્યારે તેઓ પગાર વધારવાનું તેમના હાથમાં ન હોવાનું જણાવી હાથ ખંખેરી લેતા હોય છે.

આજની હડતાલને લઈ PDCLના સંચાલકે પણ ઓફિસ બહાર આવી કામદારોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ જણાવ્યું હતું કે, પગાર વધારવાનો હક્ક કંપની પાસે નથી, કેમ કે પીડીસીએલ અર્ધ સરકારી છે. જેનો 51% હિસ્સો સરકાર હસ્તગત છે. એટલે પગાર વધારવાની સત્તા સરકાર પાસે હોય છે. ત્યારે કામદારોની પગાર વધારવા અંગેની માંગ સરકારના અધિકારીઓ સાથે વાટાઘાટો કરી નક્કી કરવામાં આવશે. ત્યારે જોવું એ રહ્યું કે, વર્ષોથી વીજ વિભાગ હેઠળ કામ કરતાં કામદારોનો પગાર વધે છે કે નહીં એ હવે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...