વલસાડમાં બારે મેઘ ખાંગા:ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતાં ભાગડાખુદ ગામ સંપર્કવિહોણું, વલસાડ શહેરમાં ઘરોમાં ત્રણ ફૂટ પાણી ભરાતા 300થી વધુ લોકોનું સ્થળાંતર

વલસાડ3 મહિનો પહેલા
  • વલસાડના બંને બ્રિજ પાણીમાં ડૂબ્યા, અંડરબ્રિજમાં કમર સમા પાણી ભરાયું છે
  • દરિયામાં ભરતીનો સમય છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગને લઈને વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વલસાડમાં ધોધમાર વરસાદને લઇને પરિસ્થિતિ વણસી રહી છે. ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતાં ભાગડાખુદ ગામ સંપર્કવિહોણું થયું છે. તો અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અત્યારસુધી 300થી વધુ લોકોને પોતાનું ઘરબાર મૂકીને બીજે જવાનો વારો આવ્યો છે. તો ભારે વરસાદને કારણે વલસાડના બંને બ્રિજ પાણીમાં ડૂબ્યા છે, જ્યારે અંડરબ્રિજમાં કમર સમા પાણી ભરાયું છે.

નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
એક બાજુ, દરિયામાં ભરતીનો સમય છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગત રાત્રે વલસાડમાં પણ બારે મેઘ ખાંગા થતાં ચારેતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

ગામોમાં પણ નદીનાં પાણી ઘૂસ્યાં
વલસાડ શહેરના બંને બ્રિજ ડૂબ્યા છે, તો શહેરના અંડરપાસમાં કમરસમા પાણી ભરાતાં અવરજવર બંધ કરવાની ફરજ પડી છે. શહેરના કાશ્મીરનગર, દાણાબજાર, છીપવાડ, તરિયાવાડ, બંદર રોડ, કૈલાસ રોડ, વિસ્તારમાં પાણી ભરાતાં જનજીવન પર અસર વર્તાઇ રહી છે, જ્યારે બીજી તરફ, જિલ્લાનાં અનેક ગામોમાં પણ ઔરંગા નદીના પાણી ઘૂસ્યાં છે. જિલ્લાના લીલાપોર, ધમડાચી, હનુમાન ભાગડા, ભાગડાખુર્દ સહિતનાં ગામોમાં નદીના પાણી ઘૂસતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થળાંતરની કામગીરી યથાવત્
શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં પોલીસ વિભાગ, પાલિકા અને સ્થાનિક મામલતદાર સહિતના સ્ટાફ દ્વારા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે. લોકો પોતાના ઘર છોડવા તૈયાર નથી, ત્યારે પોલીસે એક વૃદ્ધાને ઊંચકી ઘર બહાર લાવી મામલતદાર પોતે પોતાની ગાડીમાં વૃદ્ધા મહિલાને સેલ્ટર હોમ લઈ ગયા છે. અત્યારસુધી 300 જેટલા લોકોનું સ્થળાંતર થઇ ચૂક્યું છે. જોકે આ કામગીરી હજુ યથાવત્ છે.

અન્ય સમાચારો પણ છે...