કંપની સામે ગ્રામજનોનો વિરોધ:વલસાડના વાંકાલમાં ખાનગી કંપનીનું બાંધકામ અટકાવવા ટોળાએ પથ્થરમારો કર્યો, ફરજ પર રહેલા વોચમેનને માર માર્યો

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડના વાંકાલ ખાતે ખાનગી કંપનીનું બાંધકામ ચાલી રહ્યું છે. ત્યારે સ્થાનિક લોકો કંપની સામે વિરોધ નોંધાવી રહ્યા છે. કંપનીમાં બાંધકામ ચાલી રહ્યું હતુ એ દરમ્યાન 8 ડિસેમ્બરની રાત્રીએ સ્થાનિક લોકોના ટોળાએ પથ્થર મારો કરીને વિરોધ નોંધાવ્યો હતો. ઉશ્કેરાયેલા 5 ઈસમો લોખંડનો સળિયો તથા લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા. તેઓએ કંપનીમાં ફરજ બજાવતા સિક્યુરિટીમાં ગાર્ડને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી અન્ય વોચમેન અને કંપનીના મેનેજરે 108ની ટીમની મદદ લઈને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જે બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
કંપનીની કમ્પાઉન્ડ વોલ કૂદીને ટોળું અંદર ધસી આવ્યું
વાંકાલ ખાતે ખાનગી કંપનીનું બાંધકામ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકોએ કંપની વિરુદ્ધ પંચાયતમાં વિરોધ નોંધાવ્યો હતો તેમ છતા કંપની સંચાલકોએ કંપનીનું બાંધકામ કરી રહ્યા હતા. સ્થાનિક લોકોએ વારંવાર કંપની વિરુદ્ધ સુર બોલાવી રહ્યા હતા. જે દરમિયાન 8 ડિસેમ્બરની રાત્રીએ સ્થાનિક લોકોએ કંપનીમાં પહોંચી પથ્થર મારો કર્યો હતો. જેથી ફરજ ઉપર રહેલા વોચમેને બુમો મારી હતી. થોડી વાર બાદ ફરી પથ્થર મારો કરીને 25થી વધુ લોકો કંપનીની કમ્પાઉન્ડ વોલ કૂદીને કંપનીમાં ગેરકાયદેસર રીતે આવી ગયા હતા. વોચમેન તરીકે ફરજ બજાવતા બ્રિજમોહન સીતારામ કોરી તથા અન્ય વોચમેનને સ્થાનિક મહેશ પટેલ, ધર્મેશ પટેલ, શંભુ ઉર્ફે સુરેશ પટેલ, નટુ પટેલ લોખંડના સળિયા તથા લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા અને વોચેનને ઢોર માર મારવા લાગ્યા હતા.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઘટનાની જાણ કંપનીના અન્ય વોચમેન અને મેનેજરને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેને લઈને કેટલાક લોકો કમ્પાઉન્ડ વોલ કૂદીને ભાગી ગયા હતા. વોચમેનને માર મારી રહેલા લોકોએ કંપનીનો વિરોધ ચાલી રહ્યો હોવા છત્તા તમે કેમ નોકરી કરો છો જણાવી માર મારતા હતા. સાથે આગામી દિવસોમાં કંપનીમાં કામ કરતા જોવા મળશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મેનેજરે 108ની ટીમી મદદ લઈને ઇજાગ્રસ્ત વોચમેનને સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. હોસ્પિટલના બિછાનેથી આજરોજ બ્રિજમોહન સીતારામ કોરીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...