જળબંબાકાર:વલસાડમાં 1200 વ્યક્તિનું સ્થળાંતર NDRF સહિત તંત્ર દ્વારા 50નું રેસ્ક્યું

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત બીજા દિવસે ઉપરવાસના વરસાદથી ઔરંગા ગાંડીતૂર
  • હોલસેલ અનાજની દૂકાનોમાં પાણી ભરાતા અનાજને નુકસાનની ભીતિ

વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદે તારાજી સર્જી દીધી હતી.આ સાથે જ જનજીવન ઠપ થઇ ગયું હતું.રવિવારે અગિયારસ અને સોમવારે બારસની દરિયાઇ ભરતીએ વલસાડમાં જળબંબાકાર સર્જતાં શહેરના નીચાણવાળા વિસ્તારોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.સોમવારે સવારે 6 વાગ્યાથી જ ઔરંગાનદીએ ભયજનક સપાટી વટાવી દેતાં તંત્ર અલર્ટ થઇ ગયું હતું.શહેરના નીચાણવાળા વિસ્તારો રેલના 6 ફુટ સુધીના રેલના પાણી ભરાઇ જતાં લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. જિલ્લામાં સોમવારે પણ બારસની દરિયાઇ ભરતી સવારથી જ શરૂ થઇ ગઇ હતી.

રવિવારે સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી ઉપરવાસમાં ઓછો વરસાદ હતો પરંતું બાદમાં સોમવારે બારસ હોવાથી સમુદ્રી ભરતી પણ સવારે આવવાનું શરૂ થઇ ગયું હતું.દરમિયાન સવારે 6 અને સાંજે 6 વાગ્યા સુધી ઉપરવાસ ધરમપુર અને કપરાડામાં આભ ફાટ્યું હોય તેમ ધોધમાર વરસાદ ઝિંકાતા ધરમપુરની તાન અને માન નદીમાંથી નિકળી વલસાડના અરબી સમુદ્રમાં વિલીન થતી ઔરંગાનદી ગાંડીતૂર બની હતી.

ઔરંગાના ઘોડાપૂર અને દરિયાઇ ભરતીના કારણે નદીકાંઠાના ગામો અને વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં સવારે 8 વાગ્યાથી જ રહેણાંકવાળા નીચાણના ભાગોમાં પાણી ભરાવાના શરૂ થતાં લોકોમાં ભારે ભાગદોડ મચી હતી.બપોરે 12 સુધીમાં તો વિસ્તારોમાં 4 થી 6 ફુટ સુધી પાણી ભરાઇ જતાં ઘરવખરી, અનાજ, કપડા જેવી વસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું હતું.

છીપવાડમાં માર્ગની વચ્ચે 6 ફૂટ પાણીના વહેણથી જાણે નદી વહી
છીપવાડમાં તો જાણે સાગર વહેતો હોય તેવા દશ્ય જોવા મળ્યા હતા.નજીક વહેતી ઔરંગાના ઘોડાપૂરના પાણી ફરી વળતાં રહીશોમાં ભય ફેલાયો હતો.સ્થાનિકો ઘરવખરી બચાવવા સલામત જગ્યાએ ખસેડવાની યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી હતી.મહિલા,બાળકો,વૃધ્ધો ઘરના માળ પર ચઢી ગયા હતાં. વલસાડના સૌથી મોટા અનાજ બજારમાં હોલસેલમાં અનાજ, તેલ, કરિયાણા, ગોળ સહિતની ચીજવસ્તુઓ જિલ્લાના તાલુકાઓમાં પહોંચડતા વેપારીઓના ગોડાઉન અને દૂકાનોમાં પણ રેલિયા પાણી ભરાઇ જતાં વેપારીઓ ભારે ચિતામાં મૂકાઇ ગયા હતા.હોલસેલ વેપારી મહામંડળના પ્રમુખ સમીર મપારા અને મંત્રી પ્રદિપભાઇ કોઠારીના જણાવ્યા મુજબ અનાજના વેપારીઓને ખુબ મોટું નુકસાન થયું છે.

સમગ્ર ટીમ મોનિટરીંગ કરી સ્થિતિ પર નજર
વલસાડમાં ભારે વરસાદના પગલે શહેર,નીચાણવાળા વિસ્તારો,ગામોમાંથી 1200 લોકોનું સ્થળાંતર કરાયું હતું. હિંગરાજમાં હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન સહિત કુલ 50 વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું હતું. હજી 3 દિવસ ભારે વરસાદ રહે‌વાની સંભાવના છે. સ્થળાંતર કરાયેલા લોકો આશ્રયસ્થાને જ રહે તે જરૂરી છે. ગાંધીનગર સીએસ અને મંત્રી, પ્રભારી મંત્રી દ્વારા મોનિટરિંગ થઇ રહ્યું છે. જે અસરગ્રસ્ત થયા છે તેમને કેશડોલ માટે સર્વે શરૂ કરાયું છે. - ક્ષિપ્રા અગ્રે, કલેકટર

​​​​​​​શહેર અને કાંઠાના આ ગામોમાં બચાવ રાહત
ભાગડવડા, ગ્રીનપાર્ક, કાશ્મીરનગર, બરૂડિયાવાડ, તરિયાવાડ, બંદરરોડ, પારડીસાંઢપોર, વલસાડ પારડી, હનુમાનભાગડા, ભદેલી દેસાઇપાર્ટી, હિંગરાજ, લીલાપોર જેવા કાંઠાના વિસ્તારો અને રહેણાંક સોસાયટી વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. જેમાં બચાવ અનેરાહત માટે વહીવટી તંત્ર, નગરપાલિકા, પોલીસ વિભાગ તથા એનડીઆરએફની ટીમ સવારથી મોરચે કામે લાગી ગઇ હતી.જેને લઇ અનેક લોકોને સલામત રીતે બહાર લઇ આવવામાં આવ્યા હતા.રવિવારે પણ રેલના પગલે 350 વ્યક્તિનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું.

ઔરંગામાં ભયજનકથી પણ 3 મીટર વધી ગઇ હતી
વલસાડની ઔરંગાનદીમાં ધરમપુરના ઉપરવાસના ભારે વરસાદના કારણે સપાટી વધવા માડી હતી.નદીના ભેરવી રૂલ લેવલ સ્ટેશન ખાતે સવારે 6 વાગ્યે ભયજનક સપાટી 4.5 મીટરથી વધીને 7.5 મીટર સુધી પહોંચી જતાં ઔૈરંગામાં ઘોડાપૂર શરૂ થઇ ગયા હતા.જેને લઇ સવારે 8 વાગ્યાથી રેલના પાણી વલસાડમાં પ્રવેશવા માડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...