વલસાડ પાલિકાની હદમાંથી પારડીસાંઢપોર અને મોગરાવાડી વચ્ચે પસાર થતો 1.5 કિમીનો રોડ અત્યંત બિસ્માર રસ્તાના મેટલિંગનું કામ મંજૂર થતાં બુધવારથી જેસીબી સાથે પાલિકાએ પૂરાણની કામગીરી શરૂ કરી દેતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. પાલિકા શાસકોએ મેટલિંગ વર્ક માટે રૂ.2 લાખ મંજૂર કરી વર્ક ઓર્ડર આપતા એજન્સી દ્વારા કામ શરૂ કરાયું છે.
પારડીસાંઢપોરથી કૈલાસરોડ અને ખેરગામ માર્ગને જોડતા મોગરાવાડી જતા આ રસ્તા ઉપરથી રહીશોની સતત અવરજવર રહે છે.આ રોડ ઉપર ચોમસામાં પડી જતાં સેંકડો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.આ પ્રશ્નના ઉકેલ માટે પાલિકાની છેલ્લી સામાન્ય સભામાં વિપક્ષ નેતા ગીરીશભાઇ દેસાઇ સાથે સંજય ચૌહાણ સહિત મોગરાવાડીના સભ્યોએ આ રોડની સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆતો કરી હતી.
આ રસ્તા ઉપર ગત વર્ષે પણ ખાડાઓ પડી જતાં વિપક્ષ નેતા ગીરીશભાઇએ પાલિકાને રજૂઆતો કરતાં ખાડાઓમાં પૂરાણ કરવામાં આવ્યું હતું.પરંતુ ફરીથી આ વર્ષે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ સ્થિતિ જૈસે થે જેવી જતાં લોકોની હાલાકી વધી ગઇ હતી.જે મામલે મોગરાવાડીના સભ્યોની રજૂઆતો ધ્યાને લઇ પ્રમુખ કિન્નરીબેન પટેલ,સીઓ જે.યુ.વસાવાએ આ કામ માટે રૂ.2 લાખ મંજૂર કરી એજન્સીને વર્ક ઓર્ડર આપતાં બુધવારથી જ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.