જુવેનાઇલ જસ્ટિસ એકટના વલસાડ જિલ્લામાં શ્રેષ્ઠ અમલીકરણ માટે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તા. 15મી માર્ચ, 2023ના રોજ કલેકટર કચેરીના સભાખંડમાં આ એકટ સાથે સંકળાયેલા વિભાગોની બેઠક મળી હતી. કલેકટરે નામ. હાઇકોર્ટની રીટ પીટીશન અનુસંધાને ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગરના તપાસ સર્વે અહેવાલ માટે યોજાયેલી આ બેઠકના અધ્યક્ષસ્થાનેથી જુવેનાઇલ જસ્ટીસ એકટના કાયદાને વધુ મજબૂત બનાવવા તેમજ તેનો સરળતાથી અમલ થઇ શકે તે માટે વહીવટી સુધારણા, બાળકોના પુનઃ સ્થાપન માટે પ્રક્રિયા ઝડપી તેમજ સરળતાથી થાય તે માટે સંબધિત વિભાગોને અસરકારક અમલીકરણ કરવા જણાવ્યું હતું. બેઠકમાં કલેકટરે કાયદાને વધુ મજબૂત તેમજ સરળ બનાવવા કાયદા વિભાગના ન્યાયતંત્ર, પોલીસ વિભાગ તથા વહીવટીતંત્રના વિવિધ સ્ટેક હોલ્ડરો સાથે સંકલન માટે ચેરમેન નિયુકત કરી કમિટીનું ગઠન રાજય કક્ષાએ કરી તેનું રીવ્યુ પણ રાજય કક્ષાએથી કરવા સૂચન કર્યુ હતું. આ ઉપરાંત કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકોના કેસોનો જલ્દી નિકાલ થાય તે માટે રાજય કક્ષાએથી કાયદા વિભાગ દ્વારા પણ રાજય કક્ષાએથી રીવ્યુ કરવા જરૂરી સૂચન કરવામાં આવ્યું હતું. આ કાયદાનું અમલીકરણ સરળતાથી થાય તે માટે જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ, બાળ કલ્યાણ સમિતિ, સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમના મંતવ્યો રજૂ કરવામાં આવ્યાં હતા. બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી. એમ. ગોહિલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રાકેશ પટેલ, સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ વલસાડના નોડલ ઓફિસર અને નાયબ પોલીસ અધિક્ષક આર. ડી. ફળદુ, જિલ્લા બાળ સુરક્ષા એકમના લીગલ કમ પ્રોબેશનર ઓફિસર ધારા પંચાલ તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.