વલસાડની LCBની ટીમે નરોલી ઓવર બ્રિજ પાસેથી સુરત તરફ જતા કન્ટેનરને અટકાવી ચેક કરતા તેમાથી અન્ય સામાનની આડમાં સંતાડેલી 24 પેટીઓમાં કુલ 1020 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ LCBની ટીમે દારૂનો જથ્થો અને કન્ટેનર તેમજ કન્ટેનરની અંદરનો સમાન મળી કુલ 1.09 કરોડનો મુદ્દામાલ કબ્જે લઈને દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ઇસમોને વોન્ટેડ જાહેર કરીને ભિલાડ પોલીસે મથકે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ LCBની ટીમ ભીલાડ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમ્યાન એક કન્ટેનર નંબર PB-10-HN-9831માં પરચુરણ સામાનની આડમાં કન્ટેનરનો ચાલક સેલવાસથી ગેરકાયદેસર ઇંગલિશ દારૂનો જથ્થો ભરી સેલવાસ તરફથી નીકળ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે LCBની ટીમ ભીલાડ નારોલી ઓવરબ્રિજ નીચે બાતમીવાળા કન્ટેનરની વોચ ગોઠવી ઉભી હતી, જે દરમિયાન કન્ટેનર આવતા તેને અટકાવી ચેક કરતા કન્ટેનરમાં પરચુરણ સામાનની આડમાં 24 પેટીમાંથી 1020 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો LCBની ટીમે ઝડપી પાડ્યો હતો. દારૂના જથ્થા સાથે રાજકુમાર કેદારબલી રાજભરની અટકાયત કરી પૂછપરછ કરતા દારૂનો જથ્થો રાજસ્થાનના મોનુ નામના ઈસમના કહેવાથી તેના માણસે ભરાવી આપ્યો હોવાનું જણાવ્યું હતું. LCBની ટીમે કન્ટેનર, 1020 બોટલ વિદેશી દારૂનો જથ્થો અને મોબાઈલ તેમજ કન્ટેનરમાં ભરેલો પરચુરણ સામાન મળી કુલ 1.09 કરોડથી વધુની કિંમતનો મુદ્દા માલ કબજે લઈ, દારૂ ભરાવનાર મોનું તથા તેના માણસને વોન્ટેડ જાહેર કરી ભીલાડ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.