કાર્યવાહી:વલસાડમાં દૂકાનોની સામેના લારીગલ્લાના દબાણો હટાવાયા , પાલિકાની જગ્યા ભાડે પધરાવતા હોવાનું માલૂમ પડ્યું

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ શહેરમાં લોટસ હોસ્પિટલથી કસ્તુરબા હોસ્પિટલ વિસ્તારના માર્ગ નજીક આડેધડ ગોઠવાઇ ગયેલા 7 જેટલા લારી ગલ્લાં અને મંડપ શેડના દબાણો બુધવારે પાલિકાએ દૂર કરવા ટીમ ઉતારી દીધી હતી.પોલિસ અને પાલિકાની બેઠકમાં નક્કી થયા મુજબ પાલિકાએ અભિયાન હાથ ધર્યું છે. કેટલાંક દૂકાનદારો પાલિકાની જગ્યા ભાડેથી લારી ગલ્લાવાળાને આપીને દબાણો ઉભા કરતા હોવાનું પણ બહાર આવ્યું હતું.

શહેરમાં ટ્રાફિકને અવરોધરૂપ લારી ગલ્લાંથી વાહનોને પસાર થવામાં ભારે અગવડતા ઉપરાંત ટ્રાફિક જામના કારણે વાહનોનો ખડકલો જામતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.રસ્તાઓ પર અમુક દૂકાનદાર પાલિકાની જગ્યા ભાડેથી પધરાવી ગલ્લા લારી ઉભા કરાતા હોવાનું પાલિકાના ધ્યાને આવ્યું છે.પાલિકા અને પોલિસની બેઠકમાં એસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના હેઠળ બુધવારે બાંધકામ વિભાગના સિટી ઇજનેર હિતેશ પટેલ, તુષાર પટેલ અને એન્ક્રોચમેન્ટ ઇન્સપેક્ટર મહેશ ચૌહાણની ટીમ ટ્રેકટર લઇને કામે લાગી હતી. ગીતાસદન લોટસ હોસ્પિટલથી કસ્તુરબા હોસ્પિટલ વિસ્તારમાં આડેધડ ઉભા કરાયેલા લારી ગલ્લા, ભજિયા, પાનની દૂકાનોના દબાણો દૂર કરી ટ્રેકટરમાં ભરી કબજે લેવાયા હતા.

પાલિકાને ભાડાની રસીદના રૂ.35 જ મળે છે
શહેરમાં રસ્તાઓ પર કેટલાંક દૂકાનદારો બહારના ભાગે પાલિકાની જગ્યા પણ ચાઇનિઝ ફુડ,ભજિયા સહિતની ચીજવસ્તુઓ માટે ભાડે આપી દેતા ટ્રાફિકનો પ્રશ્ન ઉભો થતો હોવાનું પાલિકાને માલૂમ પડ્યું છે.પાલિકા દૈનિક રૂ.35ની રસીદ ફાડી મામુલી આવક મેળવે છે,પરંતું આવા કેટલાંક દૂકાનદારોને મોટું ભાડું મળે છે તે હકીકત પાલિકા સમક્ષ રજૂ થતાં ટીમે દબાણો દૂર કરી દીધાં હતા.

અન્ય સમાચારો પણ છે...