કોરોના કાળમાં સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો. ત્યારે દેશની જેલમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો હતો. જેથી સરકાર દ્વારા અનેક આરોપીઓના પેરોલ મંજૂર કર્યા હતા. ત્યારબાદ કોરોના સામાન્ય થતાં પેરોલ પર જેલ બહાર આવેલા આરોપીઓ ફરી જેલમાં પાછા ફર્યા છે. જોકે, કેટલાક એવા રીઢા ગુનેગાર પણ છે જેઓ પેરોલ જમ્પ કરી પોલીસની આંખમાં ધૂળ નાખવામાં સફળ થયા છે. ત્યારે વલસાડ જિલ્લામાં આવા જ એક હત્યાના આરોપી દ્વારા પેરોલ જમ્પ કરીને હત્યા જેવો સંગીન અપરાધ કર્યો છે.
ઔદ્યોગિક નગરી વાપીના ભડકમોરા વિસ્તારમાં એક આધેડ મહિલાની હત્યાનો ભેદ અંતે વલસાડની એલસીબી પોલીસે ઉકેલી નાખ્યો છે. મહારાષ્ટ્રમાંથી રોજગારી મેળવવા વાપીમાં આવેલી 55 વર્ષીય મહિલાની કોઈ અજાણ્યા ઈસમ દ્વારા નિર્મમ હત્યા કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી. વાપી જીઆઇડીસી વિસ્તારમાં બનેલા ઘટનાને પગલે વાપી પોલીસ સહિત વલસાડ એલસીબીની ટીમ પણ આ મામલે તપાસ કરી રહી હતી. ત્યારે લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુનાવાળી જગ્યા અને આજુબાજુના વિસ્તારની બારીકાઈથી તપાસ કરતા તેમજ આજુબાજુના વિસ્તારની લોકોની સઘન પૂછપરછ કરતા વાપી પોલીસે એક ઈસમની ધરપકડ કરી લીધી છે. શિવા પવાર નામના ઇસમની સુંદરબાઈની હત્યાના મામલે ધરપકડ કરી લેવાઈ છે
વાપી પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે આ હત્યાને અંજામ આપનાર શિવા પવાર હકીકતમાં આ મહિલાના જમાઈની હત્યા કરવા આવ્યો હતો. ભડકોરા હનુમાન મંદીર પાસે ઝુપડામાં રહેતો સતિષ નામનો ઈસમની બબાલ આ શિવા પવાર સાથે થઇ હતી. તેની અદાવત રાખી રાત્રીના સમયે તેના ઝુપડા પાસે જઈ ખાટલા ઉપર સુતેલાને ઈસમ સતીશ સમજી તેની નજીકમાં પડેલો મોટો પત્થર ઉપાડી માથાના ભાગે મારી હત્યા કરી હતી. જોકે, સતીશની હત્યા કરવા આવેલા શિવાએ ભૂલથી સતીશની સાસુ સુંદરબાઈની કરપીણ હત્યા કરી નાખી હતી. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી રીઢો ગુનેગાર છે અને ભૂતકાળમાં તેને બે હત્યા અને એક લૂંટ જેવી ઘટનાને પણ અંજામ આપ્યો છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
બિલીમોરામાં પણ શિવાએ છગનભાઇ રવજીભાઇ પટેલ સાથે નજીવી બોલાચાલીની અદાવત રાખી રાત્રીના સમયે માથાના ભાગે લાકડાના ફટકા મારી હત્યા કરી નાખી હતી
બિલીમોરામાં આરોપી શિવા પવારે પોતાની ફુઇ આત્યાબેનના ઘરે રહેતો હતો અને તેઓ સાથે ઝઘડો થતા તેઓને માર મારી તેઓના ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ કરી હતી.
મહારાષ્ટ્રના પુનામાં સોનુ કુશ્વાહ સાથે શિવાની પૈસાની લેતી-દેતીમાં ઝઘડો થતા રાત્રીના સમયે સોનુ કુશ્વાહના માથાના ભાગે લોખંડના સળીયાના ફટકા મારી તેની હત્યા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પુનામાં સોનુંના મર્ડરના ગુનામાં પુનાની યરવડા જેલમાં સજા કાપતા શિવા પાવરને કોરોના મહામારીને કારણે 45 દિવસના પેરોલ ઉપર છૂટ્યો હતો. ત્યારબાદ જેલમાં હાજર થયો ન હતો. કોરોનાના કારણે સરકાર દ્વારા કેટલાક આરોપીઓને પેરોલ પર છોડવામાં આવ્યા હતા. શિવા પવારે પેરોલ પર છુટી ફરી એકની હત્યા કરી નાખી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.