આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને હોળીના તહેવાર નિમિત્તે નાબાર્ડ દ્વારા વલસાડના મોંઘાભાઈ હોલ ખાતે તા. 4 અને 5 માર્ચના રોજ 2 દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદઘાટન તા.4 માર્ચના રોજ શનિવારે વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું હતુ કે, આ પ્રદર્શનનો ઉદેશ્ય સખી મંડળની મહિલાઓને માર્કેટિંગ પ્લેટફોર્મ પ્રદાન કરી આજીવિકાની તક ઉભી કરવાનો છે. સ્વસહાય જૂથ દ્વારા બનાવવામાં આવેલા ઉત્પાદનોને પ્રદર્શનમાં વેચાણ માટે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં હસ્તકળા, વાંસની વસ્તુઓ, આર્ટિફિશિયલ જ્વેલરી, વારલી પેઈન્ટિંગ્સ, દેશી ગીર ગાયનું ઘી, ફેન્સી ગાર્મેન્ટસ તેમજ હોળી ઓર્ગેનિક રંગ, મધ અને ફેન્સી કેન્ડલ્સના રંગ વગેરેના સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ પ્રદર્શન મેળો આજે તા. 4 અને 5મી માર્ચના રોજ સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.
આ કાર્યક્રમમાં વલસાડ નાબાર્ડના ડી.ડી.એમ ગૌરવકુમાર, બેંક ઓફ બરોડાના રીજિયોનલ મેનેજર શૈલેન્દ્રસિંગ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના રીજિયોનલ મેનેજર મૃત્યુંજયકુમાર, વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ.બેંકના CEO રોહિત પટેલ, યુપીએલના સી.એસ.આર હેડ રીશિ પઠાનીયા અને બેંક ઓફ બરોડાના એલ.ડી.એમ નિતેશ શર્મા ઉપસ્થતિ રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.