તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વલસાડના મગોદ ખાતે ડિજે પાર્ટીના કેસમાં બીટ જમાદાર સસ્પેન્ડ, પીએસઆઇ અને પેટ્રોલિંગ જવાનો સામે તપાસના આદેશ

વલસાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસની ટીમે ડિજે પાર્ટી ઉપર રેડ કરી સંચાલક સહિત 3 ઈસમોની ધરપકડ કરી હતી
  • ફરજ ઉપર બેદરકારી દાખવનાર બીટ જમાદારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા

વલસાડના મગોદ વિસ્તારમાં ડિજે પાર્ટીનો વીડિયો વાયરલ થયા બાદ રૂરલ પોલીસની ટીમે ડિજે પાર્ટી ઉપર રેડ કરી સંચાલક સહિત 3 ઈસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તે કેસમાં વલસાડ એસપીએ ફરજ ઉપર બેદરકારી દાખવનાર બીટ જમાદારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. જ્યારે રૂરલ પીએસઆઇ અમીરાજ રાણા અને નાઈટ પેટ્રોલિંગ ઉપર ફરજ બજાવનાર જીઆરડી અને પોલીસ જવાનો સામે ખાતાકીય તપાસના આદેશ આપતા જિલ્લાના પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે.

લગ્નસરાના પ્રસંગો 50 માણસોની હાજરીમાં મનાવવા છૂટ

વલસાડ જિલ્લામાં કોરોના મહામારીને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટર આર.આર. રાવલે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને જિલ્લામાં લગ્નસરાની પ્રસંગો 50 માણસોની હાજરીમાં મનાવવા છૂટ આપવામાં આવી હતી. સાથે ડિજે પાર્ટી કે બેન્ડ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. સાથે લગ્નસરાના પ્રસંગોમાં કોવિડના નિયમોનું ચેકિંગ કરવા પોલીસ અને મામલતદારને સૂચના આપવામાં આવી હતી. પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા લગ્ન પ્રસંગોમાં આગલા દિવસે લઈને લગ્ન આયોજકોને કોવિડના નિયમોનું પાલન કરવા સૂચનાઓ આપવામાં આવે છે.

શુક્રવારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ

ગત ગુરૂવારે રાત્રે વલસાડના મગોદ ખાતે એક લગ્ન પ્રસંગના આગલા દિવસે ડિજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને વલસાડ રૂરલ પોલીસની ટીમ દોડતી થઈ હતી. પોલીસની ટીમે ડિજે પાર્ટી ઉપર રેડ કરીને સંચાલક અને પાર્ટી આયોજક સહિત 3 ઇસમોની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તે કેસમાં વલસાડ એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ ફરજ ઉપર બેદરકારી દાખવનાર બીટ જામદાર અતુલ ચોકીના એએસઆઇ ચતુરભાઈ કુબેરભાઈને શુક્રવારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.

પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો

જ્યારે રૂરલ પોલીસ મથકના પીએસઆઇ અમીરાજ રાણા અને મગોદમાં નાઈટ પેટ્રોલિંગ કરનાર જીઆરડી જવાન અને પોલીસ જવાનો સામે ખાતાકીય તપાસ સોપવામાં આવી છે. ફરજ ઉપર બેદરકારી દાખવવા બદલ ખાતાકીય તપાસના આદેશ આપવા આવ્યા છે. શુક્રવારે સાંજે એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ આદેશ કરતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સાથે જિલ્લામાં પોલીસ પણ લગ્ન પ્રસંગોમાં રાત્રે ચેકીંગ હાથ ધરી હતી.

દોષીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે

વલસાડ એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે વલસાડ પોલીસ વિભાગમાં ફરજ ઉપર બેદરકારી દાખવનાર એકપણ જવાનને છોડવામાં નહીં આવે. ખાતાકીય તપાસ દરમિયાન ફરજ ઉપર બેદરકારી સાબિત થશે તો તેવા જવાનો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ દોષીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...