રાજ્યમાં દેશી દારૂને લઈને લઠ્ઠાકાંડ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના અતુલ ખાતે નાનાપોઢાના PSI તેના મિત્રના બંગ્લામાં 3 કોન્સ્ટેબલ સહિત 19 ઇસમો સાથે દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જેને SPએ રંગેહાથ ઝડપી પાડયા હતા. વલસાડ SPએ દારૂનો જથ્થો અને કાર તથા અન્ય વાહનો કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
દારૂનો જથ્થો, કાર તેમજ બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે
રાજ્યમાં લઠ્ઠાકાંડને લઈને પોલીસને દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લા SP ડો. રાજદીપસિંહ ઝાલાને વલસાડના અતુલ ખાતે આવેલા એક બાંગ્લામાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી મળી હતી.
પોલીસે આગળની તપાસ હાથ ધરી
આ બાતમીને પગલે વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલા LCB અને અન્ય પોલીસ જવાનો સાથે રેડ કરી ચેક કરતા અતુલના મુકુંદ ફસ્ટ ગેટ ખાતે સન્ની બાવીસકરની જન્મ દિવસની પાર્ટી ચાલી રહી હતી. જ્યા નાનાપોઢાના PSI અને 3 કોન્સ્ટેબલ સહિત 19 ઇસમોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા હતા. વલસાડ SPએ 18 બોટલ દારૂનો જથ્થો 26 મોબાઈલ, 5 કાર અને 7 બાઈક મળી કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના બરવાળામાં ઝેરી કેમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 50થી વધુ લોકોના મોત થયા છે. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. આ ઝેરી દારૂ પીધા બાદ અત્યાર સુધી 100થી વધુ લોકો સારવાર હેઠળ છે. એક બાજુ રાજ્યમાં લઠ્ઠાકાંડ સામે આવ્યું છે ત્યારે બીજી બાજુ વલસાડમાં ખુદ કાયદાના રખેવાળ જ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.