બે ભાઇઓ વચ્ચે છુટ્ટા હાથે મારામારી:વલસાડના રાજન નગર વિસ્તારમાં રૂપિયાની લેતીદેતી બાબતે બે સગાભાઈ જાહેરમાં બાખડ્યા, સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી

વલસાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાઈઓની મારામારીમાં નાના ભાઇની વહુ વચ્ચે પડતાં જેઠે વહુને પણ માર માર્યો
  • બોલચાલી બાદ મામલો હાથપાઈ ઉપર આવ્યો, છુટ્ટા હાથની મારામારી લોહિયાળ બની
  • જાહેરમાં થયેલી મારમારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

વલસાડ શહેરના રાજન નગર ખાતે અબ્રામા ખાતે એક જ ફ્લેટમાં રહેતા બે સગા ભાઈઓ વચ્ચે રૂપિયાની લેતી દેતીના મુદ્દે જાહેરમાં મારામારી થઈ હતી. બે ભાઈઓ વચ્ચેની મારામારીમાં નાના ભાઇની વહુ વચ્ચે પડતાં જેઠે વહુને પણ માર માર્યો હતો.

વલસાડ શહેરના અબ્રામાના રાજન નગર ખાતે રહેતા દુલારામ મેવારામ ગુજ્જર અને તેનો નાનોભાઈ બીજુભાઈ મેવારામ ગુજ્જર બંને વલસાડમાં ટાઇલ્સ ફિટિંગના સારા કારીગર તરીકે નામના ધરાવે છે. ગઇકાલે સોમવારે સવારે બીજુ તેની પત્નીને લઈને ગામ જવા નીકળ્યો હતો. તે દરમિયાન દુલારામ ગુજ્જરે અગાઉના જૂના હિસાબની લેતીદેતીના મુદ્દે નાના ભાઈને ગામ જતા અટકાવ્યો હતો. ઉપરાંત તેને રૂપિયાનો હિસાબ ચોખ્ખો કરી જવા જણાવ્યું હતું. જે દરમિયાન બીજુને પત્નીને લઈને ગામ જવાની ઉતાવળ હોવાથી તેણે આવીને હિસાબ કરવા જણાવ્યું હતું.

દુલારામને પણ રૂપિયાની જરૂર હોવાથી બંને ભાઈ વચ્ચે બોલચાલી બાદ મામલો હાથપાઈ ઉપર આવ્યો હતો. જોતજોતામાં બંને ભાઈઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારી લોહિયાળ બની ગઈ હતી. બંને ભાઈઓને છોડાવવા નાના ભાઈની પત્ની વચ્ચે પડતા જેઠે નાના ભાઈની પત્ની ઉપર પણ હાથ ઉગામ્યો હતો. ઘટનામાં સ્થાનિક લોકોએ વચ્ચે પડી બંને ભાઈઓને વધુ ઝગડો કરતા અટકાવ્યા હતા. ઘટનાની જાણ સિટી પોલીસની ટીમને થતાં પોલીસે બંને ભાઈઓ સામે જાહેરમાં બખેડો કરી સુલેહ-શાંતિનો ભંગ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધી બંને ભાઈઓની સામે કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...