વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વિરક્ષેત્ર ગામમાં રહેતા એક પરિવારના સભ્યોને ગઈકાલે સાંજે ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી હતી.પરિવારના સભ્યોએ ગેસ્ટ્રો થયો હોવાનું અનુમાન લગાવ્યું હતું. ડોક્ટરને કે અન્ય કોઈ સારવાર ન લેતા વહેલી સવારે 2 બાળકીનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોની સારવાર ચાલી રહી છે.
કરચલાનો સૂપ અને ભાત ખાઘા બાદ તબિયત લથડી
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા વિરક્ષેત્ર ગામ ખાતે રહેતા એક પરિવારના સભ્યોએ 30 જુલાઈના રોજ સાંજે કરચલાનું સૂપ અને ભાત બનાવ્યા હતા. પરિવારના 6 સભ્યોએ 30 જુલાઈના રોજ કરચલાનું સૂપ અને ભાત આરોગ્યા હતા. 31 જુલાઈના રોજ સવારે પરિવારના 4 સભ્યોએ વાસી કરચલાનું સૂપ અને ભાત ગરમ કરીને આરોગ્યા હતા. અને 4 સભ્યોને ઉલટી અને ઝાડાની અસર જોવા મળી હતી. પરિવારના સભ્યોએ ગેસ્ટ્રોની અસર થઈ હોવાનું અનુમાન લગાવ્યું હતું. અને નજીકના દવાખાને સારવાર માટે ખસેડયા ન હતા. જેને લઈને 2 બાળકીઓનું વહેલી સવારે મોત નીપજ્યું હતું.
હોસ્પિટલ પહોંચતા ફૂડ પોઈઝનીંગની વાત બહાર આવી
ઘટના અંગે ગભરાયેલા પરિવારે નજીકના સરકારી દવાખાને સારવાર માટે દોડતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેને લઈને જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. સમગ્ર ઘટનાને લઈને વલસાડ આરોગ્ય વિભાગે બંને બાળકીઓનું પેનલ PM કરવી આગળની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.