રાજ્યમાં આગામી સમયમાં હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે આગોતરું આયોજન કરવા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને ગુરૂવાર તા.16 માર્ચ 2023ના રોજ રાજ્યના વિવિધ વિભાગો તેમજ વિવિધ જિલ્લા વહીવટીતંત્ર સાથે વિડિયો કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેના ઉપલક્ષમાં શુક્રવારે હીટ વેવ બાબતે વલસાડ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા પૂર્વ તૈયારી અને સમીક્ષા માટે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મહત્વની બેઠક મળી હતી. જેમાં ખાસ કરીને ચાલુ માર્ચ, એપ્રિલ અને મે માસમાં લૂ થી બચવા માટે શું કરવુ અને શું ન કરવું તેના પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં માહિતી આપતા જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું કે, દુષ્કાળ અને વરસાદ સહિતની અન્ય કુદરતી આફતોની જેમ ભારત સરકાર દ્વારા હીટવેવને પણ ગંભીરતાથી લઈ, આગોતરા આયોજનનાં પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે આ અંગે મુખ્યમંત્રી દ્વારા પણ રાજ્યસ્તરે હીટવેવ સંદર્ભે આવશ્યક પગલાં માટે સૂચનાઓ આપવામાં આવી છે. સંભવિત હીટવેવના સમયગાળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા હીટવેવ પ્રોટોકોલ તરીકે વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી દવાઓ, સાધનો, ડીપ ફ્રીઝર, બરફના પેકેટ્સ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવે, ઊર્જા વિભાગ દ્વારા અવિરત વીજ પુરવઠો ચાલુ રહે, પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોને પીવા માટે તેમજ ખેતી માટે પૂરતું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવું, શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે ગરમીને ધ્યાને રાખીને શાળાઓના સમયમાં ફેરફાર કરવા, કૃષિ અને પશુપાલન વિભાગે પશુઓ માટે પૂરતા ઘાસચારાની વ્યવસ્થા રાખવી, વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની સહિતની વ્યવસ્થા કરવી, વાહન વ્યવહાર વિભાગ દ્વારા એસટી ડેપોમાં પ્રાથમિક સારવાર કીટ, છાંયડો અને પાણીની સુવિધા કરવા, કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા શ્રમિકોને હીટ વેવની પરિસ્થિતિમાં બચાવવા ઠંડુ પાણી, લીંબુ પાણી અને છાસ વગેરેની વ્યવસ્થા કરવી, માહિતી વિભાગે સંભિવત અસરગ્રસ્ત સમૂહ/જૂથો માટે વિગતવાર જનજાગૃત્તિ અને પ્રચાર-પ્રસાર કરવો, શાળા-કોલેજોમાં પ્રવેશ માટે જરૂરી દાખલા લેવા માટે જનસેવા કેન્દ્રો અને જિલ્લાની અન્ય સરકારી કચેરીઓમાં મોટા પ્રમાણમાં અરજદારો/લાભાર્થીઓ આવતા હોય છે ત્યાં છાંયડો, પીવાનું પાણી, પ્રાથમિક સારવાર અને કામકાજનો સમય ફેરફારની બાબતો ધ્યાનમાં લેવા સૂચના આપવામાં આવી હતી. ડિઝાસ્ટર મામલતદાર પ્રિયંકા પટેલે રાજ્ય સ્તરેથી મળેલી સૂચનાઓ અંગે સંબંધિત વિભાગોને હિટ વેવ સંદર્ભે કરવાની થતી કામગીરી અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વડે સમજણ આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, પ્રોબેશનરી આઈએએસ નિશા ચૌધરી, નિવાસી અધિક કલેકટર અનસૂયા જહા, ડિસ્ટ્રક્ટ પ્રોજેક્ટ ઓફિસર જયવીર રાઓલ, આરોગ્ય ખાતાના એપેડેમિક ઓફિસર ડો.મનોજ પટેલ અને સિવિલ સર્જન ડો.ભાવેશ ગોયાણી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.