તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક દિન:વલસાડમાં મંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે જિલ્લાના 8 શ્રેષ્‍ઠ શિક્ષકોનું પ્રશિસ્‍તપત્ર આપી સન્‍માન કરાયું

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના 29 શિક્ષકો અને પ્રાથમિક શાળાના 3 શિક્ષકો નિયમિત નિમણૂંકના હુકમો અપાયા
  • 5 વર્ષની શિક્ષણ યાત્રા પુસ્‍તિકાનું મંત્રીના હસ્‍તે વિમોચન કરાયું

સમાજના ઘડતરમાં શિક્ષણનો ફાળો અગત્‍યનો રહેલો છે. રાજય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક અને ગુણવત્તાયુકત શિક્ષણ પૂરૂ પાડીને શિક્ષણમાં પરિવર્તન કર્યુ છે એમ રાજયના આદિજાતિ અને વન રાજયમંત્રી રમણલાલ પાટકરે આજરોજ 5મી સપ્‍ટેમ્‍બરે શિક્ષક દિન નિમિત્તે જિલ્‍લા શિક્ષાણિધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે BAPS સ્‍વામીનારાયણ હાઇસ્‍કૂલ અબ્રામા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું. વલસાડ જિલ્‍લાના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થી કલ્‍યાણકારી યોજનાઓ અને જિલ્‍લાના નવતર પ્રયોગોનું આલેખન “ 5 વર્ષની શિક્ષણ યાત્રા ” પુસ્‍તિકાનું મંત્રીના હસ્‍તે વિમોચન કરાયું હતું.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્‍ણના ગુણોને પોતાના જીવનમાં ઉતારવા માટે જણાવ્‍યું

ડૉ. રાધાપલ્લી સર્વકૃષ્‍ણનની 134મી જન્‍મજયંતીએ તેમને યાદ કરતા રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, ડૉ.રાધાકૃષ્‍ણ દેશના રાષ્‍ટ્રપતિ બન્‍યા તે પહેલા શિક્ષક હતા. તેઓ હમેશા કહેતા કે હું પહેલા શિક્ષક છું પછી રાષ્‍ટ્રપતિ એમ જણાવી શિક્ષણનું મહત્‍વ વધાર્યુ હતું. મંત્રીએ આ અવસરે શિક્ષકોને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્‍ણના ગુણોને પોતાના જીવનમાં ઉતારવા માટે જણાવ્‍યું હતું.

ઓનલાઇનના માધ્‍યમથી શિક્ષકોએ શિક્ષણ પૂરૂ પાડ્યું

આ પ્રસંગે મંત્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, આજના શિક્ષકો પોતે પોતાની શાળાઓ સુંદર બને તે માટે પોતાનો ફાળો આપી રહ્યા છે. કોરોના મહામારીમાં પણ રાજયના શિક્ષણવિભાગ દ્વારા શિક્ષણકાર્ય અટકવા દીધું નથી અને વિદ્યાર્થીઓને ઓનલાઇનના માધ્‍યમથી શિક્ષકોએ શિક્ષણ પૂરૂ પાડ્યું છે. મંત્રીએ કાર્યક્રમમાં ઉપસ્‍થિત સર્વ શિક્ષકોને શિક્ષક દિનની શુભકામના પાઠવી હતી. આ વેળાએ મંત્રીએ જણાવ્યું કે, વલસાડ જિલ્‍લાના સંસ્‍કાર વિદ્યામંદિર, પ્રાથમિક શાળા, ખોખરાના રાજયકક્ષાના શ્રેષ્‍ઠ એવોર્ડ વિજેતા બીપીનભાઇ પટેલે વર્ષ 2018માં તેમને મળેલા રૂા. 50 હજાર તેમણે તેમની શાળા અને વિદ્યાર્થીઓના વિકાસ માટે આપી ઉત્તમ શિક્ષકનું ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

શિક્ષકોનું સન્માન કરાયું

આ પ્રસંગે જિલ્લાના 08 શ્રેષ્‍ઠ શિક્ષકો પૈકી 02 જિલ્લા કક્ષાના શિક્ષક મિતેશકુમાર નરસિંહભાઇ પટેલ, BRC કોર્ડિનેટર વલસાડ અને ભરતકુમાર પ્રેમાભાઇ પટેલ RGAS હાઇસ્‍કૂલ વાપીના શિક્ષક અને તાલુકા કક્ષાના 06 શ્રેષ્‍ઠ શિક્ષકો પૈકી દિગ્‍વિજયસિંહ રમણલાલ ઠાકોર, કાકડમટી પ્રાથમિક શાળા, તા. જિ. વલસાડ, પ્રિયંકાબેન ઝેડ સોલંકી, બુનિયાદી વિદ્યામંદિર પ્રાથમિક શાળા, વાંકલ, તા. જિ. વલસાડ, ઉંમરગામની પ્રા. શાળા સંઘાડીપાડા, વલવાડાના હેતલકુમાર ઊંકાભાઇ ટંડેલ, નીતાબેન ધીરૂભાઇ ભંડારી, પ્રા. શાળા તરીજપાડા, સરોન્‍ડા, તૃપ્તિબેન નારણભાઇ પટેલ, પ્રા. શાળા તિસ્‍કરી જંગલ, તા. કપરાડા અને ભાવનાબેન ગુલાબભાઇ પટેલ, પ્રાથમિક શાળા ખડકવાડ, તા. કપરાડા જિ. વલસાડને શિક્ષણમાં કરેલી સારી કામગીરીના ભાગરૂપે પ્રશિસ્‍તપત્ર આપી બહુમાન કરવામાં આવ્‍યું હતું.

આ ઉપરાંત મંત્રીએ શિક્ષણ નિરીક્ષક શ્રીમતી રાજેશ્રીબેન ટંડેલનુ સોશીયલ ઇન્‍ટેલીજન્‍સ વિષય પર PHD કરવા બદલ પ્રશિસ્‍તપત્ર આપી સન્‍માન કર્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રીએ ધો.5, 6 અને 7 માં સારો દેખાવ કરવા બદલ વિદ્યાર્થીઓ મીનાલી ચેતનભાઇ રાઠોડ, કૃપાલી જીતેન્‍દ્રભાઇ રાઠોડ, નંદીની રાકેશભાઇ રાઠોડ, તરૂણ પરેશ પટેલ, જાસ્‍મીન મુકેશભાઇ ટંડેલ અને વંક્ષિકા નીલેશભાઇ ટંડેલનું સન્‍માન કરી તેમને પ્રોત્‍સાહિત કર્યા હતા.

શિક્ષક એટલે સરસ્‍વતીનું સ્‍વરૂપ

જિલ્લા પંચાયત વલસાડના પ્રમુખ અલકાબેન શાહે આ પ્રસંગે જણાવ્યું કે, શિક્ષક એટલે સરસ્‍વતીનું સ્‍વરૂપ છે. શિક્ષક એ સમાજના ઘડવૈયા છે. શિક્ષણ અને સંસ્‍કાર સિક્કાની બે બાજુ છે, શિક્ષક એ બહુજન હિતાય બહુજન સુખાયમાં માનનારો છે. શાહે જણાવ્‍યું હતું કે, રાજય સરકાર દ્વારા વિદ્યાથીને ટેકનોલોજી યુકત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે આમ, રાજય સરકાર દ્વારા શાળાઓના અને વિદ્યાર્થીઓના વિકાસ માટે અનેકવિધ પગલા લેવાઇ રહ્યા છે.

સમાજના ઘડતરમાં શિક્ષકોનો ફાળો ખૂબ જ અગત્‍યનો

આ પ્રસંગે વલસાડના સાંસદ ડૉ. કે. સી. પટેલે તેમના ઉદ્‌બોધનમાં જણાવ્‍યું હતું કે, ભારત સરકાર દ્વારા શિક્ષણના વિકાસ માટે દેશના બજેટમાં વધારે નાણાં ફાળવાય છે. સમાજના ઘડતરમાં શિક્ષકોનો ફાળો ખૂબ જ અગત્‍યનો છે. પટેલે આજના શિક્ષકદિન નિમિત્તે જણાવ્‍યું હતું કે, રાજય અને કેન્‍દ્ર સરકારના રાષ્‍ટ્રીય કાર્યક્રમોમાં શિક્ષકોનું પ્રદાન ઘણું જ મહત્‍વનું છે. કોરોના જેવી મહામારીમાં પણ શિક્ષકોએ તેમની કામગીરી સુપેરે પાર પાડી તેમનો શિક્ષણધર્મ બજાવ્‍યો છે.

આ પ્રસંગે વલસાડ, ધરમપુર, પારડી અને કપરાડાના ધારાસભ્‍યો સર્વ ભરત પટેલ, અરવિંદ પટેલ, કનુભાઇ દેસાઇ અને જીતુ ચૌધરીએ અને વલસાડ કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ પ્રાસંગિક વકતવ્‍યો આપ્‍યાં હતા. આ કાર્યક્રમમાં સ્‍વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી કે. એફ. વસાવા અને આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. ડી. બારીયાએ કરી હતી. કાર્યક્રમમાં ઉન્નતિબેન દેસાઇએ ઉદ્‌ઘોષક તરીકે તેમની સેવાઓ આપી હતી.

આ કાર્યક્રમમાં વલસાડ જિલ્‍લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન નિર્મલાબેન જાદવ, જિલ્લા કલેકટરરી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, શિક્ષણ વિભાગના શિક્ષણ નિરીક્ષક આશાબેન ચૌધરી તેમજ પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગના શિક્ષણ સંઘના હોદ્દેદારો અને શિક્ષકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...