દિલધડક રેસ્ક્યૂ:વલસાડમાં 'પાગલ પ્રેમી' સગીરાનું અપહરણ કરી જંગલમાં લઇ ગયો, 300થી વધુ પોલીસ અને લોકોએ આખી રાત શોધખોળ કરી

વલસાડ5 મહિનો પહેલા
  • પોલીસ જવાનો તેમજ સ્થાનીકોએ વહેલી સવારે સગીરાને યુવકના ચુંગાલમાંથી છોડાવી
  • યુવક છેલ્લા 1 વર્ષથી સગીરાને હેરાન કરતો હતો
  • પરિવારજનોએ યુવકને સમજાવતા યુવકે પરિવારજનો પર જીવલેણ હુમલો કર્યો

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વેલવાગડ ગામના તળાવ ફળિયામાં રહેતો એક યુવક 1 વર્ષ ઉપરાંતથી પારડી તાલુકાની એક સગીરાને એક તરફી પ્રેમમાં હેરાન કરતો હતો. જેથી સગીરાના પરિવારના સભ્યોએ યુવકને સમજાવ્યો હતો. જોકે, માથાભારે યુવકે ગઈકાલે તેના મિત્ર સાથે સગીરાના ઘરે પહોંચી સગીરાની માતા, બહેન અને કાકા ઉપર જીવલેણ હુમલો કરીને યુવક સગીરાનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો.

ગાઢ જંગલમાં યુવકો સગીરાને મૂકી ભાગી છૂટ્યા
યુવક પારડીના ટુકવાડા નવી નગરી ખાતે આવેલા જંગલમાં ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પારડી પોલીસ સહિત જિલ્લાનો પોલીસ કાફલો સગીરાને બચાવવા ખડકી દેવામાં આવ્યો હતો. રાત્રી દરમિયાન 300 પોલીસ જવાનો અને 50 સ્થાનિક લોકોએ સગીરાની શોધખોળ હાથ ધરી હતી. વલસાડ જિલ્લા પોલીસ જવાનોએ રાતભર રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. ત્યારે વહેલી સવારે સગીરાને 2 યુવકો પાસેથી ઉગારી લેવામાં આવી છે. ગાઢ જંગલમાં યુવકો સગીરાને મૂકી ભાગી છૂટ્યા હતા. પોલીસે જંગલમાં યુવકોનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

યુવક એક તરફી પ્રેમ છોડવા તૈયાર ન હતો
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં રહેતી એક સગીરા પાછળ છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી વેલવાગડ ગામનો સુનિલ પડ્યો હતો. યુવક સગીરાને વારંવાર હેરાન કરતો હતો. સગીરાના પરિવારે સુનીલને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમછતાં યુવક સગીરાને એક તરફી પ્રેમ છોડવા તૈયાર ન હતો. ગત રોજ સુનિલ તેના મિત્ર સાથે સગીરાના ઘરે પહોંચ્યો હતો અને સગીરાની માતા, બહેન અને કાકા ઉપર જીવલેણ હુમલો કરી નવીનગરી ખાતે આવેલા ગાઢ જંગલમાં સગીરાને લઈને ફરાર થઇ ગયો હતો.

રાત તેમજ ગાઢ જંગલ હોવાથી પોલીસને ઘણી મુશ્કેલી પડી
આ ઘટનાની જાણ પારડી પોલોસની ટીમને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બંને યુવકો પાસેથી સગીરાને બચાવવા પોલીસે નાકાબંધી હાથ ધરી હતી. વલસાડ જિલ્લા પોલીસના કાફલાએ ટુકવાડા નવી નગરી અને જંગલ વિસ્તારને ચારે બાજુથી કોડન કરીને સુનિલ અને તેના મિત્રના ચુંગાલમાંથી સગીરાને છોડાવવાનો પ્રયાસો હાથ ધર્યા હતા. વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલા, LCB, SOGની ટીમ સહિત જિલ્લાનો પોલીસ કાફલો ટુકવાડા ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. રાત અને ગાઢ જંગલ હોવાથી પોલીસને સગીરાને બચાવવામાં ઘણો વિલંબ થઈ રહ્યો હતો.

બંને યુવકોને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન વધુ તેજ બનાવાયું
વલસાડ જિલ્લા પોલીસે નાઈટ ડ્રોન અને ટેક્નિકલ એનાલિસિસ તેમજ ગામના સ્થાનિક લોકોની મદદ લઈને આખીરાત જંગલમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. જે બાદ વહેલી સવારે સગીરાને યુવકોને ચુંગાલમાંથી ઉગારી લેવામાં આવી હતી. સુનિલ અને તેનો મિત્ર સગીરાને મૂકીને ગાઢ જંગલમાં ભાગી છૂટ્યા હતા. વલસાડ પોલીસે સગીરાનો સુરક્ષિત બચાવ કર્યા બાદ બંને યુવકોને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન વધુ તેજ બનાવ્યું છે. વલસાડ પોલીસની સતર્કતાને લઈને સુરતની ગુષ્માં અને રાજકોટ જેવી ઘટના થતા ટળી હતી.

સગીરાનું મેડિકલ કરાવવાની તજવીજ
વાડી વિસ્તાર માથી સગીરા હેમખેમ મળી આવી છે. પોલીસે તેની સાથે શું બનાવ બન્યો શું થયું હતું જેવી પૂછપરછ સાથે સગીરાનું મેડિકલ કરાવવા ની પોલીસે તજવીજ હાથ ધરી છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ સગીરા સાથે કોઇ અઘટિત બનાવ અંગેની જાણકારી મળશે.

સગીરાને છોડાવવા માટે સમગ્ર જિલ્લા પોલીસ કામે લાગી હતી
સુરત જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય માટે જિલ્લા પોલીસ વડાએ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક વાડી વિસ્તારમાં 15 અધિકારી અને 125થી વધુ પોલીસ કર્મીઓને અલગ અલગ પોલીસ મથકો માંથી બોલાવી અલગ અલગ ટીમ બનાવી જંગલ જેવી વાડી સહિતના વિસ્તારમાં ઉતરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

રાત્રિએ પણ પોલીસે ખેતર-વાડીમાં શોધ કરી
સગીરાના પરિવાર પર જીવલેણ હુમલો કર્યા બાદ સગીરાનું અપહરણ કરી જંગલ જેવી વાડીમાં ભાગી ગયેલા એક તરફી પ્રેમમાં હિંસક બનેલા યુવકને ઝડપી પાડવાનું સર્ચ ઓપરેશન પોલીસ માટે પડકાર રૂપ હતું જેથી પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો આ સર્ચ ઓપરેશન રાત ભર ચાલુ રાખ્યું હતું જેમાં થર્મલ સ્ક્રેનિંગ નાઈટ વિઝન વાળા ડ્રોન કેમરાનો ઉપયોગ પણ કર્યો હતો.

છેલ્લા એક વર્ષથી યુવક હેરાન કરતો હતો
પારડીમાં પરિવાર પર હુમલો સાથે સગીરાની અપહરણની ઘટના ના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. એક તરફી પ્રેમમાં યુવક છેલ્લા એક વર્ષથી હેરાન કરતો હતો પરંતુ સમાજમાં બદનામી ના ડરે પરિવારે કોઈ કાર્યવાહી કરી ન હતી જેને લઈ કરૂણ અંજામ આવ્યો છે ત્યારે ડીવાયએસપી મનોજસિંહ ચાવડાએ કોઈ પણ વ્યક્તિ હેરાન કરતો હોય તો પોલીસને જાણ કરવાની અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...