નવતર છેતરપિંડી:વલસાડમાં નિવૃત કર્મચારીના બેંક ખાતામાંથી OTP વગર જ સાડા પાંચ લાખ ઉપડી ગયા, 6 આરોપીઓની ધરપકડ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંક કર્મચારીઓ સાથે મિલિભગત કરી છેતરપિંડીને અંજામ આપ્યો
  • બંધ કરાવેલા મોબાઈલ નંબરની બેંકને માહિતી ન આપતા છેતરપિંડી થઈ

ઓનલાઈન બેંકિંગનો ઉપયોગ કરતા બેંક ગ્રાહકોને બેંક દ્વારા વારંવાર મેસેજ કરી ચેતવવામાં આવે છે કે, OTP કોઈને શેર કરવો નહીં. પરંતુ, વલસાડમાં રહેતા એક નિવૃત કર્મચારીને OTP આવ્યા વગર જ ખાતામાંથી સાડા પાંચ લાખ ઉપડી જતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જો કે, પોલીસે તપાસ કરી છેતરપિંડી આચરનારા 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે બેંક કર્મચારી ફરાર હોય શોધખોળ હાથ ધરી છે.

બંધ કરાવેલો મોબાઈલ નંબર છેતરપિંડીનું કારણ બન્યો
ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનનારા નિવૃત કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસમાં ભોગ બનનારે વર્ષ 2013માં બંધ કરાવેલા મોબાઈલ નંબરનો ઉપયોગ થયાનું સામે આવ્યું હતું. નિવૃત કર્મચારીએ બેંકખાતા સાથે લીંક થયેલો મોબાઈલ નંબર 2013માં બંધ કરાવી દીધો હતો પરંતુ, તેની બેંકને જાણ કરી ન હતી. મોબાઈલ કંપની દ્વારા નિવૃત કર્મચારીનો નંબર અન્ય ગ્રાહકને ફાળવી દેવાયો હતો. જેથી તેના મોબાઈલ નંબર પર નિવૃત કર્મચારીના બેંક ખાતાના મેસેજ આવવા લાગ્યા હતા.

બેંક ખાતામાં સાડા પાંચ લાખ રૂપિયા હોય રત્નકલાકારની નિયત બગડી
વલસાડ જિલ્લામાં રહેતા મધ્યમ વર્ગના નિવૃત કર્મચારીએ વર્ષ 2013 પહેલાં બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર વર્ષ 2013માં તે નંબર નિવૃત કર્મચારીએ બંધ કરવી દીધો હતો. તે નંબર થોડા સમય પહેલા સુરતના રાહુલ નામના એક રત્નકલાકારના હાથ લાગ્યો હતો. જે નંબર ચાલુ કરાવતા નિવૃત કર્મચારીના ખાતાના ટ્રાન્જેક્શનના રૂપિયાનો SMS આવતા તેમના ખાતામાં 5.50 લાખ રૂપિયા હોવાનું જાણવા મળતા રત્નકલાકારની નિયત બગડી હતી. જેથી નિવૃત કર્મચારીની બેન્કના કર્મચારીને સાથે રાખી રત્નકલાકારે 5.50 લાખની ઓનલાઇન છેતરપિંડી કરી હતી. રાહુલે તેના મોબાઈલમાં બેંકની મોબાઈલ એપ ડાઉનલોડ કરી અલગ અલગ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.

છેતરપિંડી મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી
સમગ્ર ઘટનાની જાણ નિવૃત કર્મચારીને થતા તાત્કાલિક વલસાડ સાઇબર ક્રાઈમ કચેરીનો સંપર્ક કર્યો હતો. જેમાં સાઇબર ક્રાઇમની ટીમે ઝીણવટ ભરી રીતે ચેક કરતા સુરત, ભાવનગર અને બોટાદ અલગ અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલા 6 યુવકોની ધરપકડ કરવામાં આવી હતી.બેંકર કનુભાઈ નામનો કર્મચારી અને બેન્ક મેનેજર વોન્ટેડ છે.

વલસાડ એસપીની લોકોને અપીલ
​​​​​​​
વલસાડ જિલ્લામાં નિવૃત કર્મચારી સાથે નવતર ઓનલાઈન છેતરપિંડી થતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. બેંક ખાતેદાર જ્યારે પણ તેનો કોઈ મોબાઈલ નંબર બંધ કરે તો તે અંગેની બેંકને જાણ કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે જેથી આ પ્રકારની છેતરપિંડીથી બચી શકાય.

છેતરપિંડી મામલે ઝડપાયેલા આરોપીઓ
​​​​​​​
રાહુલ ઈશ્વરભાઈ ચૌહાણ​​​​​​​
આતીશ ભરતભાઇ ચૌહાણ
​​​​​​​તનય અજય બેરાનૈમેશ
​​​​​​​ગીરીશભાઈ રંગપરા
​​​​​​​ભાવેશભાઈ રમેશભાઈ ચાવડા
​​​​​​​કેતન અશોકભાઈ મકવાણા

​​​​​​​મુખ્ય સૂત્રધાર ગ્રેજ્યુએટ
મુખ્ય સૂત્રધાર અને બીએ ગ્રેજ્યુએટ તથા હાલ સુરતમાં 2 માસથી હિરા ઘસવાનું કામ કરતાં રાહુલે તેના મિત્ર આરતીશ અને તેનો મામો ગીરીશ રહે.બોટાદ મારફતે અમરેલીની બાબરાના બેંક ઓફ બરોડના કર્મચારી કનુભાઇ તથા બેંક મેનેજરનો સંપર્ક કર્યો હતો.ભોગબનનારના બેંક એકાન્ટની માહિતી મેળવી તેના આધારે BOB Word એપ્લિકેશન ડાઉનલોડ કરી ખાતાધારકની જાણ બહાર આરોપીઓએ નાણાં ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા.

સગાવાલાના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી ઉપાડયા હતા
તપાસમાં જાણવા મળ્યું કે,રાહુલ અને તેના સાગરીતો બીઓબી અમરેલી બાબરાનીબેંકનો કર્મી કનુભાઇ અને બેંક મેનેજરનો સંપર્ક કર્યો હતો. બેંક કર્મચારીને રૂ.2 લાખ આપવાનું નક્કી કર્યું હતું.જેને લઇ નિવૃત્ત બેંક કર્મીના બેંકના ઇન્ટરનેટ બેંકિંગના યુઝર આઇડી પાસવર્ડ મેળવી રાહુલે પોતાના તથા સાગરિતો,સગાવાલાના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી વિથડ્રો કરી લીધા હતા.આ કેસમાં બેંક કર્મચારી કનુભાઇને રૂ.1.69 લાખ ચૂકવાયા હતા.મેનેજર સહિત 2 બેંક કર્મચારીના નામ ખુલતાં સાઇબર ક્રાઇમ દ્વારા ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે તેવુ જિ.સાઇબર ક્રાઇમના પીઆઇ પી.ડી.જાનીએ જણાવ્યું હતું.

સહઆરોપીઓને સૂત્રધાર રાહુલ કમિશન આપતો હતો
મુખ્ય આરોપી રાહુલે તેના સાગરીતો,મિત્રો અને સગાવાલાના બેંક એકાઉન્ટમાં અલગ અલગ ટ્રાન્ઝેક્શન વખતે ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરવા તેઓને અવેજ રૂપે કમિશન આપતો હતો.

આ રીતે ગુનો ઉકેલાયો
સાઇબર ક્રાઇમ પોલીસની બે ટીમે બેંક ડિટેઇલ,કોલ ડિટેલ્સ મેળવી એનાલિસિસ કરી સુરત,ભાવનગર અને બોટાદના આરોપીને ઝડપી પાડ્યા છે.કોઇપણ નાગરિક બેંકમાં લિંક થયેલો મોબાઇલ ખોવાઇ,નંબર બંધ કરે તો તાત્કાલિક બંકમાં જાણ કરવી તથા સ્ટોપ પેમેન્ટ કરાવવું જરૂરી છે.>ડો.રાજદિપસિંહ ઝાલા,એસપી,વલસાડ

અન્ય સમાચારો પણ છે...