ઓમિક્રોનની દહેશત:વલસાડ જિલ્લામાં હાઇ રિસ્ક દેશોમાંથી આવતા યાત્રીઓનો આંક 154 સુધી પહોંચ્યો, તમામને હોમ ક્વોરન્ટાઇન કરાયા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઈ રિસ્ક દેશોની સંખ્યા વધારી 16 કરી દેવાઈ, તમામ યાત્રીઓના RTPCR ટેસ્ટ હાથ ધરાયા
  • સિવિલ હોસ્પિટલમાં મેલ વોર્ડમાં 30 અને ફીમેલ વોર્ડમાં 30 બેડ મળી 60 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ
  • હજુ સુધી જિલ્લામાં એકપણ યાત્રી ઓમિક્રોન સંક્રમિત ન મળતાં તંત્રને રાહત

લગ્ન સિઝન અને નાતાલ પર્વને લઈને ઘણા દેશોમાંથી યાત્રીઓ ભારત પરત ફરતા હોય છે. જના અંતર્ગત વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં હાઈ રિસ્ક 16 દેશોમાંથી કુલ 154 યાત્રીઓ વલસાડ જિલ્લામાં આવી ચુક્યા છે. આરોગ્ય વિભાગને યાત્રીઓની યાદી મળતા જ તકેદારીના ભાગરૂપે તમામ યાત્રીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. નવી ગાઈડ લાઈન મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જો કે જિલ્લામાં ઓમિક્રોન સંક્રમિત દર્દી ન મળતા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમને હાશકારો થયો છે.

ઓમિક્રોન વાયરસની વધુ અસર ધરાવતા 16 જેટલા દેશોને હાઈ રિસ્ક દેશ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાંથી 20 ડિસેમ્બર સુધી જિલ્લામાં પ્રવેશેલા યાત્રીઓનો આંક 154 સુધી પહોંચ્યો છે. 20 ડિસેમ્બર સુધી જિલ્લાના વલસાડ તાલુકામાં હાઈ રિસ્ક દેશોમાંથી 76 યાત્રીઓ, પારડી તાલુકામાં 21, વાપી તાલુકામાં 29 યાત્રીઓ, ઉમરગામ તાલુકામાં 10 યાત્રીઓ અને ધરમપુર તાલુકામાં 18 યાત્રીઓ મળી કુલ 154 યાત્રીઓ જિલ્લામાં પ્રવેશી ચૂક્યા છે. જેને લઇ વલસાડ આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે તમામ યાત્રીઓના RTPCR ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે. યાત્રીઓને હોમ ક્વોરન્ટાઇન પણ કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાંથી જિલ્લામાં પ્રવેશેલા યાત્રીઓ ઉપર આરોગ્ય વિભાગ સતત નજર રાખી રહ્યું છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં મેલ વોર્ડમાં 30 બેડ અને ફીમેલ વોર્ડમાં 30 બેડ મળી કુલ 60 બેડની ઓમિક્રોનની સારવાર માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તેમ વલસાડ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ભાવેશ ગોયાનીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...