ઉત્તમ કામગીરી:વલસાડ જિલ્લામાં ખાણ ખનિજ વિભાગે રૂ. 30 કરોડથી પણ વધુની રોયલ્‍ટીની આવક મેળવી

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વારંવાર સ્થળ નિરીક્ષણ અને વાહન ચેકિંગ હાથ ધરી ઉત્તમ કામગીરી કરી
  • ગત વર્ષ કરતા દંડની આવકમાં બમણો વધારો, ગત વર્ષે 15.06 કરોડથી આવક થઈ હતી

વલસાડ જિલ્લામાં ખાણ ખનિજ વિભાગે 2021-22ના નાણાંકીય વર્ષ દરમિયાન ઉત્તમ કામગીરી કરીને રૂ. 30 કરોડથી પણ વધારે રોયલ્‍ટીની આવક મેળવવામાં અભૂતપૂર્વ સફળતા મળી છે. જે વલસાડ જિલ્લાની અત્‍યાર સુધીના વર્ષોમાં સૌથી વધુ આવક છે. ગત વર્ષે આ આવક રૂ. 15.06 કરોડ જેટલી થઈ હતી. જેની સામે એક જ વર્ષમાં જિલ્લા મદદનીશ ભુસ્‍તરશાસ્ત્રીની કચેરી દ્વારા આવકમાં ગત વર્ષ કરતા બમણો વધારો કરી રૂ. 30 કરોડની આવક મેળવી છે. અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વારંવાર સ્થળ નિરીક્ષણ અને વાહન ચેકીંગ હાથ ધરી ઉત્તમ કામગીરી કરી હતી.

વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર, ઉમરગામ, પારડી, વાપી તથા વલસાડ તાલુકામાં જિલ્લા મદદનીશ ભુસ્‍તરશાસ્ત્રી કચેરીની ટીમ દ્વારા દિવસ અને રાત્રે અવારનવાર અને જરૂરિયાત જણાય ત્‍યારે ખાનગી વાહનનો ઉપયોગ કરી ખનિજ ચોરી પકડવામાં આવી હતી. જેમાં ચાલુ નાણાંકીય વર્ષમાં જિલ્લા કચેરી દ્વારા ગેરધોરણના કુલ 194 કેસો કરીને રૂ.2.60 કરોડની દંડકીય વસુલાત પણ કરી છે.

વધુમાં ખાણકામ ઉદ્યોગમાં રસ ધરાવતા લોકોને પારદર્શક પધ્‍ધતિથી ઓનલાઇન હરાજીથી ખનિજના બ્‍લોક મળી રહે તે હેતુથી ચાલુ નાણાકીય વર્ષમાં હરાજી માટે બ્‍લેકટ્રેપ ખનિજના કુલ 04 બ્‍લોકની જાહેરાત કરવામાં આવી છે. જેની સાથે જિલ્લામાં અત્‍યાર સુધી કુલ 10 બ્‍લોક હરાજી માટે મૂકવામાં આવ્‍યા છે.

જિલ્લાની રેતી, કંકર અને ગ્રેવલની કુલ આવકના 95 ટકા રકમ ગ્રાન્‍ટ-ઇન-એઇડ પેટે જિલ્લાના વિકાસને લગતા કામો માટે જિલ્લા પંચાયતને ફાળવવામાં આવે છે. જ્યારે પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્‍યાણ યોજના હેઠળ પણ ડીસ્‍ટ્રીક્‍ટ મિનરલ ફંડમાંથી ખાણ પ્રભાવિત વિસ્‍તારના ગામડાઓમાં શિક્ષણ, આરોગ્‍ય, પેય જળ અને સડક-માર્ગ જેવા કામો માટે મોટી રકમ ફાળવવામાં આવે છે. આમ ખાણ ખનિજ કચેરી દ્વારા જિલ્લાના વિકાસલક્ષી કાર્યોમાં ખૂબજ મોટું યોગદાન આપવામાં આવે છે.

સમગ્ર વર્ષ દરમિયાન જિલ્લા કલેક્‍ટરના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના સહયોગથી મદદનીશ ભુસ્‍તરશાસ્ત્રી અને તેમના સ્‍ટાફની મહેનતના પરિણામે રોયલ્‍ટીની આવકમાં બમણો વધારો થયો છે. વલસાડ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી વિભાગ દ્વારા જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર વાહન ચેકીંગ હાથ ધરીને ખનીજ ચોરી અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેના પરિણામના ભાગ રૂપે ખનીજ ચોરોને ઝડપી.નિયમ અનુસાર દંડની વસુલાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...