ગ્રામપંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ:વલસાડ જિલ્લામાં 303 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સાંજે 5 વાગ્યા સુધીમાં 64.32 ટકા મતદાન, 21 તારીખે ઉમેદવારોના ભાવીનો ફેંસલો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા - Divya Bhaskar
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
  • 29 વોર્ડમાં સભ્ય ઉમેદવારો ન મળતાં આ વોર્ડની બેઠકો ખાલી રહેશે
  • કલવાળામાં વૉર્ડ નંબર 2, 4 ના મતદાન મથકમાં વોર્ડ 3 અને 4ના સભ્યના બેલેટ પેપર અદલા બદલી થઈ જતા હોબાળો થયો

વલસાડ જિલ્લાની 327 પૈકી 303 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 64.32 ટકા મતદાન થયું છે. જિલ્લાની 28 જેટલી ગ્રામપંચાયતમાં કુલ 29 વોર્ડમાં સભ્ય ઉમેદવારો જ નહીં મળતાં આ વોર્ડની 29 બેઠકો ખાલી રહેશે. જેના પર ચૂંટણી થઇ શકશે નહી. ચૂંટણી તંત્રએ આવા ગામના વોર્ડની નોંધ લીધી છે. આ ચૂંટણીમાં જિલ્લાની 303 પંચાયતોના 2150 વોર્ડ સભ્યની ચૂંટણી યોજાઇ છે. અગાઉ 327 પંચાયતો પૈકી 327 ગામના સરપંચો અને 2999 વોર્ડ સભ્યોની ચૂંટણીનું જાહેરનામુ બહાર પડ્યું હતું. જેમાંથી 24 સરપંચ અને તેના 204 સભ્ય સંપૂર્ણ બિનહરીફ થતાં આ 24 પંચાયત સમરસ થઇ હતી અને 205 પંચાયત અંશત: સંપૂર્ણ બિનહરીફ થઇ હતી. જેમાં 3 સરપંચ અને 616 સભ્ય બિનહરીફ જાહેર થયા હતા.

સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા

વલસાડના કલવાળા ગામની પ્રાથમિક શાળામાં મતદાન પ્રક્રિયા દરમિયાન હોબાળો થયો હતો. વૉર્ડ નંબર 2, 4 ના મતદાન મથકમાં વોર્ડ 3 અને 4ના સભ્યના બેલેટ પેપર અદલા બદલી થઈ જતા હોબાળો થયો હતો. જેને લઈ બપોરે 3 વાગ્યાથી મતદાન અટકાવવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘટનાની જાણ ચૂંટણી અધિકારીને થતા ચૂંટણી અધિકારી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. તેમજ ઉમેદવારો વચ્ચે વાત ઘાટો કરી મામલો થાળે પાડ્યો હતો. સાંજે 6 વાગ્યે ફરી મતદાન શરૂ કરી જ્યાં સુધી અંતિમ મત ન પડે ત્યાં સુધી મતદાન ચાલુ રખાશે. 33 મતની ફેર બદલી થઈ હોવાનું સામે આવ્યું હતું.

ભદેલી જગાલાલા ગામમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ
વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ગામના વોર્ડ ન. 5 ઉમેદવારે વોર્ડ ન 12માં મતદાન કરીને બેલેટ પેપરનો ફોટો સશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરતા ગ્રામપંચાયતની ચૂંટણીમાં વિવાદ સર્જાયો હતો. ઉમેદવારના હરીફ ઉમેદવારની પેનલના સભ્યે ચૂંટણી અધિકારીને આચાર સહિતા ભંગની ફરિયાદ કરી વોર્ડ નં. 5ના ઉમેદવારનું સભ્યપદ રદ્દ કરવા માંગ કરી હતી. ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરતા ગામમાં ચકચાર મચી ગઇ હતી.

વલસાડ જિલ્લાના તાલુકા પ્રમાણે મતદાનની ટકાવારી જોઈએ તો વલસાડ તાલુકામાં 51.05 ટકા, પારડીમાં 41.66 ટકા, વાપીમાં 37.98 ટકા, ઉમરગામમાં 48.98 ટકા, કપરાડામાં 69.35 ટકા તેમજ ધરમપુરમાં 45.59 ટકા મતદાન થયું છે. જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આ વખતે બેલેટ પેપરના માધ્યમથી મતદાન થઇ રહ્યું છે. મતદારોને સરળતા રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સરપંચના ઉમેદવાર માટે ગુલાબી રંગનું બેલેટ પેપર રાખવામાં આવ્યું છે. જ્યારે વોર્ડ સભ્યના ઉમેદવારોને મત આપવા માટે સફેદ કલરનું બેલેટ પેપરની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે સામાન્ય મતદારોને સરપંચ અને સભ્યને અલગ અલગ મતદાન કરવામાં સમજ થશે. એક મતદારે જે તે સરપંચના ઉમેદવાર અને સભ્ય ઉમેદવાર એમ અલગ અલગ મત આપવાના હોવાથી બંન્ને પદના ઉમેદવારોના બેલેટ પેપરના રંગ જૂદા જૂદા રાખવામાં આવ્યા છે.

303 પંચાયતમાં સરપંચો અને 2150 વો્ર્ડ સભ્યની ચૂંટણી માટે તંત્રએ 1751 પોલીસ જવાનો તૈનાત કર્યા છે. જ્યારે ચૂંટણીની કામગીરી માટે 5298 પોલિંગ સ્ટાફના ઓર્ડર કરવામાં આવ્યા છે. જોકે, આશ્ચર્યજનક રીતે ગ્રામપંચાયતોની આ ચૂંટણીમાં જિલ્લાની 28 પંચાયતોમાં 29 વોર્ડમાં ઉમેદવારો જ સામે નહીં આવતાં આ વોર્ડ બેઠકો પર ચૂંટણી થશે નહી. જેને લઇ આ બેઠકો ખાલી રહેવાની નોબત આવી છે.

વલસાડ ભાગડાવાડાનાં ઇજાગ્રસ્ત દર્દીએ સ્ટ્રેચર ઉપર વોટિંગ કર્યું
વલસાડમાં કરીમનગર ભાગડાવડામાં રહેતા યુવક તબરેઝ કિલુનું અકસ્માતમાં પગમાં ફ્રેકચર થતાં ઘરે પથારીવશ હતા.જ્યારે જિ.પં.ના માજી કર્મચારી મહંમદસફી હાશ્માની પણ બિમારીના કારણે પથારીમાં હોવાથી બંન્ને મતદારોને એમ્બ્યુલન્સમાં પોલીટેકનિક કોલેજના મતદાન મથકે લવાયા હતા .

પારડીસાંઢપોરમાં 70 ટકા મતદાન થયું
વલસાડના પારડીસાંઢપોર ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભારે મતદાન થયું હતું.અહિંની પ્રાથમિક શાળાના 12 બુથ ઉપર સાંજ સુધીમાં 70 ટકા જેટલું ભારે મતદાન થયું હતું. અહિં સરપંચપદના મજબૂત ઉમેદવાર ભોલાભાઇ પટેલ પેનલ સાથે ચૂંટણી લડી રહ્યા છે.તેમના કાર્યકરો અને પાલિકાના વિપક્ષ નેતા ગીરીશ દેસાઇ, સભ્ય સંજય ચૌહાણ કામે લાગ્યા હતા. કાઉન્સિલર ઝાકિર પઠાણ અને સભ્યપદ મુદ્દે હાઇકોર્ટમાં કેસ લડનાર રાજૂ મરચાં પણ પહોંચ્યા હતા.

વ્હિલચેર પર આવી મતદાન ફરજ નિભાવી
વલસાડ કોલેજ કેમ્પસમાં બુથ ઉપર સેગવીના એક મહિલા રિનાબેન ભરતભાઇ દોશીના પગમાં લોખંડની પ્લેટ લાગી છતાં વ્હિલચેર પર બેસી મતદાન કરવા આવ્યા હતા.જ્યારે સુગરના પેશન્ટ હાઉસિંગના નવીન જોશીનો જમણો પગ ઘુટણના ઉપર સુધીથી કાપવાની ફરજ પડી હતી.

કલવાડામાં બેલેટ અદલાબદલીનો મામલો અધિકારીએ માંડ થાળે પાડ્યો
વલસાડ તાલુકાના કલવાડા ગામે પ્રાથમિક શાળાના મતદાન મથકે વોર્ડ નં.2 અને 4ના બુથમાં વોર્ડ નં.3 અને 4ના બેલેટ પેપર અદલા બદલી થઇ જતાં હોબોળો થયો હતો.આ છબરડામાં 33 મતની ફેરબદલી થઇ હોવાની રજૂઆતો થઇ હતી.જેને લઇ બપોરે 3 વાગ્યે મતદાન અટકાવી દેવાની નોબત આવી હતી.ઘટનાની જાણ થતાં ચૂંટણી અધિકારીઓએ દોડી આવી ઉમેદવારો સાથે વાટાઘાટ કરી મામલો થાળે પાડ્યો હતો અને મતદાન ફરી શરૂ કરી અંતિમ મત ન પડે ત્યાંસુધી મતદાન જારી રહ્યું હતું.

95 વર્ષના જૈફ મતદારે વોટિંગ કર્યું સાથે સેકન્ડ ડોઝ પણ લીધો
વલસાડ આર્ટસ કોલેજના બુથ ઉપર પાલિહિલ પર રહેતાં 95 વર્ષના જૈફ મતદાર નબળા હોવા છતાં મતદાન કરવા વ્હિલ ચેર ઉપર બેસી પરિવારજનો સાથે આવી પહોંચ્યા હતા.જ્યાં મતદાન કરવા સાથે આરોગ્ય ટીમ દ્વારા ચેક કરતાં કોરોના વેક્સિનનો સેકન્ડ ડોઝ હતો તેવું જણાવતાં આ વડીલે રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...