બાળકોનું રસીકરણ:વલસાડ જિલ્લામાં 15થી 18 વર્ષના 20 હજારથી વધુ વિદ્યાર્થીઓને આજે પ્રથમ દિવસે વેક્સિન અપાઇ

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોવેક્સિન આપવામાં આવી રહી છે
  • 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે

સમગ્ર રાષ્‍ટ્રમાં 15થી 18 વર્ષની વયના બાળકોના ધરાયેલા વેક્‍સિનેશન અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાની માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, કોલેજ, આઈ.ટી.આઈ અને અન્‍ય શૈક્ષણિક સંસ્‍થાઓમાં પ્રથમ દિવસે 94 શૈક્ષણિક સંસ્‍થાઓમાં રસીકરણ કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં આજે 20 હજાર 684 વિદ્યાર્થીઓને વેક્‍સિનેશન કરાયું હતું.

વલસાડ તાલુકાના 5 હજાર 249, પારડી તાલુકાના 4 હજાર 840, વાપી તાલુકાના 5 હજાર 685, ઉમરગામ તાલુકાના 3 હજાર 444, ધરમપુર તાલુકાના 2 હજાર 126 કપરાડા તાલુકાના 1 હજાર 340 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 18 વર્ષથી ઉપરની વયના અંદાજે 3 હજાર કરતાં વધુ લાભાર્થીઓએ રસીકરણનો લાભ લીધો હતો.

આ કામગીરીમાં પદાધિકારીઓ, આરોગ્‍ય વિભાગના અધિકારી/ કર્મચારીઓ, શિક્ષણ વિભાગ, આઇ.સી.ડી.એસ. વિભાગના કર્મીઓ, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ખાનગી હોસ્‍પિટલ વગેરનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્‍ત થયો હતો.

આ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા, જિલ્લા આરોગ્‍ય ટીમ અને મામલતદાર બી.એ.પી.એસ. સ્‍કૂલ-પારનેરા પારડી (વલસાડ) તથા મણિબા હાઇસ્‍કૂલ વલસાડની મુલાકાત લઇ બાળકોને પ્રોત્‍સાહિત કર્યા હતા.

આ મેગા ડ્રાઇવને સફળ બનાવવા માટે વલસાડ કલેક્‍ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ અને આરોગ્‍ય વિભાગ દ્વારા બાળકો/ વાલીઓને જાગૃત્ત કરવા, સરકારની જરૂરી તમામ માર્ગદર્શક સૂચનાઓ અને આચાર્યોને મૂંઝવતા પ્રશ્નોનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

કોરોના મુક્‍ત શાળા અને કોરોના મુક્‍ત રાષ્‍ટ્ર બનાવવામાં આપણે સૌ સહભાગી બનીએ અને સરકારને વેક્‍સિનેશનમાં સહકાર આપીએ એવી અપેક્ષા સાથે રસીકરણનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેનું યોગ્‍ય પાલન થાય એ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...