વલસાડ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ (ખોરાક અને ઔષધ નિયમન તંત્ર) ની કચેરી દ્વારા ડિસેમ્બર 2022માં હોટલ, રેસ્ટોરન્ટ, દુકાનો અને નીરા કેન્દ્રો ઉપર તપાસ હાથ ધરી હતી. જેમાં નીરો, સમોસા, સાબુદાણાના વડા, નાનખટાઈ બિસ્કીટ, પુલાવ, પાલક-પનીર, ડાબર હની, સફોલા મસાલા ઓટ્સ, મેપ્રો મીક્ષ ફ્રુટ, અમુલ પ્યોર ઘી, દાલ ખીચડી, તુલસી ચા, પતંજલિ દલિયા અને દાવત બાસમતી ચોખા સહિત કુલ 60 સેમ્પલ લેવામાં આવ્યા હતા.
વેપારીઓ સામે કાર્યવાહી
વલસાડ તાલુકાના ગુંદલાવ ખાતે જૂની જીઆઈડીસીમાં પ્લોટ નં. 130 પર કાર્યરત શ્રી મારૂતિ ટ્રેડર્સમાં ફૂડ સેફટી ઓફિસર જે.કે.ભાદરકાએ તા. 15 નવેમ્બર 2022ના રોજ તપાસ કરી ઈમ્પોર્ટેડ આર.બી.ડી પામોલીન ઓઈલના સેમ્પલ લીધા હતા. તા.12 ડિસેમ્બર 2022ના રોજ પૃથ્થકરણનો રિપોર્ટ આવતા આ પામોલીન ઓઈલને મીસ બ્રાન્ડેડ ફુડ તરીકે જાહેર કરી રાજેશ રવજીભાઈ સામે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ વલસાડ સિવિલ રોડ પર હાલર તળાવ પાસે મંગલમ એપાર્ટમેન્ટમાં દુકાન નં. 5માં કાર્યરત ફ્રેશ એન્ડ બેક્સમાં તપાસ કરી લુઝ ટોસ્ટના સેમ્પલ લીધા હતા. જેનો રિપોર્ટ તા.19 ડિસેમ્બર 2022ના રોજ આવતા આ શોપમાં વેચાતી ટોસ્ટને અનસેફ ફુડ જાહેર કરવામાં આવ્યું હતું.
સોપાન ગાય ઘી સબ સ્ટાન્ડર્ડ જાહેર વલસાડના એસટી ડેપો સામે રંગ ઉપવન શોપિંગ સેન્ટરમાં દુકાન નં. 1માં ગોપાલ લોચાની દુકાનમાં તા. 25 ઓગસ્ટ 2021ના રોજ ફૂડ સેફ્ટી ઓફિસર જે.કે.ભાદરકાએ તપાસ કરી ગ્રીન ચટનીના સેમ્પલ લીધા હતા. તા. 16 સપ્ટેમ્બર 2021ના રોજ પૃથ્થકરણ રિપોર્ટ આવતા ગ્રીન ચટનીને સબ સ્ટાર્ન્ડડ જાહેર કરી ડિસેમ્બર 2022માં પૃથ્વીશ પારીતોષ ભટ્ટ વિરૂદ્ધ FSSA એક્ટ 2006 હેઠળ કેસ દાખલ કર્યો હતો. ત્યાર બાદ તા. 22 ઓક્ટોબર 2021ના રોજ વલસાડના છીપાવાડ ખાતે જૈન ઉપાશ્રય પાસે અમૃત સ્ટ્રીટમાં શ્રી સોદેવકૃપા એજન્સી પારસનાથ ફૂડ પ્રોડ્ક્ટમાં તપાસ કરી સોપાન ગાય ઘીના સેમ્પલ લીધા હતા. જેનો રિપોર્ટ તા. 24 જાન્યુઆરી 2022ના રોજ આવતા સોપાન ગાય ઘીને સબ સ્ટાર્ન્ડડ જાહેર કરી ડિસેમ્બર 2022માં મંથન રમેશભાઈ ભાનુશાલી સામે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
118 નમૂનામાંથી 49 નમૂના પાસ!
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના માસના પડતર નમૂના 58 અને નવેમ્બર 2022ના 60 નમૂના મળી કુલ 118 નમૂના લેવાયા હતા. જેમાંથી લેબોરેટરીમાંથી અહેવાલ આવતા 49 નમૂના પાસ અને 2 નમૂના નાપાસ થયા હતા. જો કે 67 નમૂનાના અહેવાલ હજુ સુધી મળવાના બાકી છે. તેમ વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.