વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના નડગધરી ગામમાં યોજાયેલા આદિવાસી સમાજના સમૂહલગ્નમાં ચાંલ્લાવિધિ કરી સાથે રહેતા યુગલોના વિધિવત રીતે લગ્ન પ્રસંગે મોટા ભાગના નવદંપતીઓના સંતાનોએ પણ ઉપસ્થિત રહી માતાપિતાના લગ્નના સાક્ષી બન્યા હતા. વલસાડ જીલ્લાના નડગધરી ગામના સાદડપાડા ફળીયામાં નડગધરીના ગ્રામજનો તથા મિત્રમંડળ દ્વારા આયોજીત આ સમૂહલગ્નમાં ધરમપુર તાલુકાના ગામો સહિત મહારાષ્ટ્રના ચાંલ્લા કરી સાથે રહેતા દંપતીઓ તેમજ યુવા મળી કુલ 97 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલા નડગધરી ગામમાં સ્થાનિક લોકો અને યુવક મિત્ર મંડળ દ્વારા ગામમાં ચાંદલો કરીને સાથે જીવન ગુજારતા લોકોને લગ્નગ્રંથિથી જોડવા માટે એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડગધરી ગામ અને આજુબાજુના ગામડાઓમાં રહેતા આદિવાસી સમાજના 97 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા.
આ સમુહ લગ્નની ખાસિયત એ હતી કે આ સમૂહ લગ્નમાં જોડાયેલા 70%થી વધુ દંપતીઓના લગ્નના સાક્ષી તેમના બાળકો થયા હતા. આદિવાસી સમાજના પરિવારના સભ્યોની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી યુવક-યુવતી લગ્ન કરવાની ઉંમરે ચાંદલો કરીને પરિવારના સભ્યોની સહમતી સાથે લગ્ન જીવનની શરૂઆત કરતા હોય છે. લગ્નજીવન દરમ્યાન બાળકો પણ થતા હોય છે. આદિવાસી સમાજના લોકોના એક લગ્ન અંદાજે 5 લાખનો ખર્ચો થતો હોવાથી પરિવાર દેવાદાર બની જતો હોય છે. જેથી આવા સમૂહલગ્નના આયોજન વખતે અથવા તો બાળકોના લગ્ન વખતે માતા પિતા પણ લગ્ન કરતા હોય છે.
આ અવસરે નડગધરીના સામાજીક કાર્યકર્તા દિનેશભાઈ ભોંયે જણાવ્યું હતું કે, જંગલ વિસ્તારમાં રહેતા પરિવારોની આર્થિક સ્થિતિ સારી ન હોય તો યુવક-યુવતીના પરિવારોની મંજૂરી સાથે યુવતી-યુવક સાથે લગ્નજીવન શરૂ કરતી હોય છે. વર્ષો અગાઉથી જેમની આર્થિક સ્થિતિ સારી ન હોય એવા લોકો વડીલોના માર્ગદર્શન મુજબ ચાંલ્લા વિધિ કરી પતિ-પત્ની તરીકે રહેતા આવે છે. જેમના વિધિવત રીતે લગ્ન માટે અમે નડગધરીના ગ્રામજનો, પંચાયત સભ્યો, આગેવાનો તેમજ યુવાનોએ ભેગા મળી સમૂહલગ્નનું આયોજન કર્યું હતું.આ ઉપરાંત ચાંલ્લા વિધિ કરી રહેતા માતાપિતાના વિધિવત લગ્ન થયા પછી તેમના સંતાનો પણ પીઠી લગાવી લગ્ન કરી શકે એ માટે આ સમૂહલગ્નમાં માતા પિતાએ વિધિવત રીતે બ્રાહ્મણોના હસ્તે લગ્ન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.