કોરોના ઇફેક્ટ:વલસાડ જિલ્લામાં કોરોનાકાળમાં મૃત્યુ પામેલા વાલીના વધુ 55 બાળકો મળ્યાં

વલસાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ તબક્કામાં 209 બાળકો CWC સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા

વલસાડ જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન માતા પિતા બંન્ને કે કોઇ એકનું મૃત્યુ થયું હોય તેવા બાળકોને શોધી કાઢવા જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા પ્રયાસો હાથ ધરાતા વધુ 55 બાળક મળી આવ્યા છે,જેને CWC કમિટિ સમક્ષ પાલક કે એકવાલી દ્વારા રજૂ કરવામાં આવ્યા છે.આ બાળકોના ભરણપોષણ માટે સરકારી સહાય આપવા અરજી ફોર્મ મોકલવાની કાર્યવાહી CWC દ્વારા ધપાવાઇ રહી છે. જિલ્લામાં માર્ચ 2020થી શરૂ થયેલી કોરોના મહામારીમાં જે બાળકોના માતા પિતા કે કોઇ એકનુ મૃત્યુ થયું હોય તેવા 209 બાળકો સીડબ્લ્યુ કમિટિ સામે આવ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય સરકારે સંવેદનશીલ નિર્ણય લઇ આવા બાળકોના ભાવિ અને તેમના ભરણપોષણ સહિતના ખર્ચ માટે માતા પિતા ગુમાવી ચૂકેલા બાળકોને 18 વર્ષ સુધી પ્રતિ માસ રૂ.4 હજાર અને જે બાળકના માતા પિતામાંથી કોઇ એકનું મૃત્યુ થયું હોય તેવા બાળકોને રૂ.2 હજાર આપવાનો ઉમદા નિર્ણય કરાયો હતો.આ યોજનામાં લાભાર્થી બાળકોની યાદી મોકલવા જિલ્લા તંત્રને કરવામાં આવી હતી.

જે માટે વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ,ચાઇલ્ડ લાઇન દ્વારા આવા બાળકોને શોધી તેમના પાલક કે એકવાલીઓને બાળકો સાથે લઇ આવી ફોર્મ ભરાવવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.CWCના ચેરપર્સન સોનલબેન સોંલકી,કમિટિ સભ્યો,ચાઇલ્ડ લાઇન,યુપીસી સાથે પ્રયાસો હાથ ધરી આવા બાળકોને સરકારની યોજનાનો લાભ મળી રહે તે માટે કમિટિ સમક્ષ બાળકોને રજૂ કરવા અને અરજી ફોર્મ ભરી આપવાની પ્રક્રિયા જારી રખાઇ છે.જેમાં કોરોનાકાળમાં માતા પિતા કે તે પૈકી કોઇ એકનું મૃત્યુ થયુ હતું તેવા વધુ 55 બાળકોના પાલક અથવા એકવાલીઓ બાળકોને લઇને CWC કમિટિ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.

માતાપિતા કે કોઇ એકને ગુમાવનાર બાળકોની સંખ્યા વધીને 264 થઇ
ગત માસે કોરોના મહામારીના છેલ્લા દોઢ વર્ષમાં અનાથ બનેલા 26 બાળકો CWC કમિટિ સામે રજૂ કરાયા હતા.જેમને દર મહિને રૂ.4 હજારની સહાય માટે કમિટિએ યાદી અને સરકારી સહાય માટે પ્રક્રિયા હાથ ધરી હતી.ત્યારબાદ સરકારે માતાપિતા પૈકી કોઇ એકનું મૃત્યુ થયું હોય તેવા બાળકોને પણ ધ્યાને લઇ દર મહિને રૂ.2 હજારની સહાય જાહેર કરી હતી.જેમાં એકવાલી ધરાવતા 183 બાળકો રજૂ કરાતા બાળકોની સંખ્યા 209 હતી.તેમાં વધુ 55નો ઉમેરો થતાં આવા બાળકોની સંખ્યા વધીને 264 થઇ છે.

કોરોનાકાળમાં કુદરતી કે હાર્ટએટેકથી મૃત્યુ થયેલાનો પણ સમાવેશ
જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સોનલબેન સોલંકીએ જણાવ્યું હતું કે,કોરોના કાળ દરમિયાન માતા પિતા ગુમાવનાર કે એકવાલી ગુમાવનાર બાળકોના હિતને સર્વોપરી રાખી સીએમ વિજયરૂપાણીની બાળ સેવા યોજનાનો લાભ મળે તે માટે જિલ્લા બાળ કલ્યાણ વિભાગ દ્વારા ઝડપથી કાર્યવાહી થઇ રહી છે.કોરાનાકાળમાં કુદરતી કે હાર્ટએટેક વગેરેથી મૃત્યુ પામેલા વાલીઓના બાળકો પણ રજૂ કરાયા છે.