પોલીસબેડામાં ફફડાટ:વલસાડમાં યુવક સામે છરી સાથે ઝડપાયાની ખોટી ફરિયાદ કરાઈ હોવાનો આક્ષેપ સિદ્ધ થયો, બે પોલીસ જવાનોને સસ્પેન્ડ કરાયા

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓ આધારે પોલીસ જવાનોની ક્ષતિ જણાતા SPનો નિર્ણય
  • સંચાલકે હોટલના CCTV ફૂટેજ વાયરલ કરી પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા

વલસાડ જિલ્લા પોલીસ સામે એક યુવક દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. જાહેર રસ્તા પરથી યુવક છરી સાથે ઝડપાયો ન હોવા છતાં પોલીસ દ્વારા તેની સામે ખોટો કેસ કરી દેવાયો હોવાનો આક્ષેપ કરાયો હતો. જેમાં SPએ તપાસ હાથ ધરતા CCTV અને અન્ય પુરાવાના આધારે કેસમાં 2 પોલીસ જવાનોને નવો હુકમ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે.

વલસાડ રૂરલ પોલીસ દ્વારા ગુંદલાવ ખાતેથી એક ચાઈનીઝ હોટલ સંચાલક પાસે હોટલ અંગે પૂછપરછ કરી તેના ટેબલ ઉપરથી છરી ઉપાડી હોટલ સંચાલક રામ શંકર કેવટને કંઈપણ જણાવ્યા વગર પોલીસ મથકે લઈ ગયા હતા. જ્યાં જામીન ઉપર છૂટીને હોટેલ સંચાલક વશીયર ચોકી ખાતે જતાં તેના પર જાહેરમાર્ગ પરથી છરી સાથે ઝડપાયો હોવાનો કેસ કરાયો હોવાનું તેને માલૂમ થતાં તે ચોંકી ગયો હતો.

ઘટનાને લઈને સંચાલકે પોતાની રામા ચાઈનીઝ હોટલના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જેમાં પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેના બાદ SP ડો. રાજદીપસિંહ ઝાલાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં CCTV ફૂટેજ અને હોટલ સંચાલકની પ્રાથમિક પૂછપરછ કરતા રૂરલ પોલીસ મથકના ASI ચંદુભાઈ સુરપાલભાઈ અને કોન્ટેબલ ખુમાનસિંહ જયસિંહ ખોટી ફરિયાદ કરી હોવાનું સામે આવતા બંને પોલીસ જવાનોને નવો આદેશ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવાનો આદેશ કરતા જિલ્લાના પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તેમજ ફરજ પર બેદરકારી દાખવનાર પોલીસ જવાનોમાં સન્નાટો છવાઈ ગયો હતો.

નોંધનીય છે કે CCTV ફુટેજમાં પોલીસ જવાન હોટલ સંચાલક પાસે હોટલ અંગે પૂછપરછ કરતા હોવાનો અને એક પોલીસ જવાન દ્વારા ટેબલ ઉપરથી છરી ઉપાડી હોટલ સંચાલક રામ શંકર કેવટને પોલીસ મથકે લઈ ગયા હોવાનું સ્પષ્ટ થયું હતું. જેમાં હોટલ સંચાલકને છરી સાથે ગુંદલાવ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હોવાનો ખોટો કેસ કરવામાં આવ્યો હતો. આ ખોટો કેસ કરવાનો આક્ષેપ સિદ્ધ થતાં બંને પોલીસ જવાનોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતો હુકમ કરવામાં આવ્યો હતો.

વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલાએ જિલ્લામાં કોઈપણ વ્યક્તિઓને પોલીસ જવાન દ્વારા ખોટી રીતે કનડગત કરવામાં આવે તો તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું છે. જિલ્લામાં એકપણ પોલીસ જવાનને ટાર્ગેટ આપવામાં આવતા નથી. તેમ છતાં પોલીસ જવાન દ્વારા પોતાની કામગીરી સારી દેખાડવા માટે ચાઇઝ હોટલ સંચાલકને ખોટી રીતે કનડગત કરવામાં આવ્યો હોવાનું દેખાઈ આવ્યું હતું. મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ અને CCTV ફુટેજના પોલીસ જવાનોની ભૂલ સામે આવતા બંને પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...