વલસાડ શહેરના અબ્રામા વિસ્તારના મેડિકલ સ્ટોરમાંથી પરિવારના સભ્ય માટે દવા લઈ પરત આવતા વિદ્યાર્થીની બાઈક કાર સાથે અથડાતા અકસ્માત થયો હતો. જેથી વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક ભાગી ગયો હતો. અકસ્માત થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્તની મદદે દોડી આવ્યાં હતા. સ્થાનિક લોકોએ 108ની ટીમની મદદ લઈને ઇજાગ્રસ્તનો સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઘટના અંગે વલસાડ સીટી પોલીસને જાણ થતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડના ધારનાગર વિસ્તારમાં રહેતો અને DMDG સ્કૂલમાં HSCમાં અભ્યાસ કરતો ઓમ અમૃતલાલ પટેલ HSCની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. જે દરમિયાન પરિવારના સભ્યની દવા પુરી થઈ જતા શુક્રવારે રાત્રે દવા લેવા નજીક આવેલા મેડિકલ સ્ટોરમાં ગયો હતો. ત્યાંથી દવા લઈને પરત આવી રહ્યો હતો. જે દરમ્યાન અબ્રામા મણિનગર નજીક આવેલી વૃદાવન સોસાયટી સામે રોડ ઉપર આગળ ચાલતી એક વેગનઆર કારના ચાલકે અચાનક બ્રેક મારી હતી. જેથી પાછળ આવી રહેલા ઓમ પટેલથી બાઈક કન્ટ્રોલ ન થતા કાર સાથે ધડાકાભેર અથડાઈ રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે ટકરાઈ હતી. જેથી તેઓ નીચે પટકાયો હતો. અકસ્માત થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક અકસ્માતમાં ઇજાગ્રસ્તની મદદે દોડી આવ્યાં હતા.
અકસ્માતની ઘટનાને લઈને વેગનઆર કારનો ચાલક ભાગી ગયો હતો. નજરે અકસ્માત નિહાળનાર વાહન ચાલકોએ કાર ચાલકને અટકાવવા પીછો કર્યો હતો પરંતુ કાર ચાલક હાથ લાગ્યો ન હતો. અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત ઓમ પટેલને સ્થાનિક લોકોએ 108ની મદદ વડે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા પરિવારના સભ્યો અને ઓમ પટેલના મિત્રો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતા. ઘટના અંગે વલસાડ સીટી પોલીસની ટીમને જાણ થતાં પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી ઘટના સ્થળનું નિરીક્ષણ કરી સરકારી તથા ખાનગી CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું સારવાર બાદ નિવેદન નોંધી અકસ્માત કરી ભાગી જનાર કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.