ઉમરગામમાં વરસાદી આફતની આઠ તસવીર:બે કલાકમાં સાડા આઠ ઈંચ વરસાદ વરસતા જમીન ત્યાં જળની સ્થિતિ, રસ્તા તો સમજ્યા લોકોના ઘરની અંદર ગોઠણડૂબ પાણી ભરાયા

વલસાડએક વર્ષ પહેલા
  • ઘરની અંદર પાણી ભરાતા બાળકો પણ પાણી ઉલેચવા મજબૂર
  • ઉમરગામના અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ

વલસાડ જિલ્લામાં ઉમરગામમમાં આજે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ અનરાધાર સાડા આઠ ઈંચ વરસાદ ખાબકતા જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના રસ્તાથી લઈ લોકોના ઘરની અંદર પાણી જ પાણી જોવા મળ્યા હતા. આકરી ગરમી અને બફારાનો સામનો કરી રહેલા જે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે લોકો ઘરની અંદરથી પાણી ઉલેચવા મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા?
ઉમરગામ તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઊંડી ગઢેર, માછીવાડ, વોર્ડ નંબર 4, SMV રોડ, ઉદવાડા પરિયા રોડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. આ વિસ્તારના અનેક મકાનોની અંદર પાણી ઘૂસ્યા હતા.

ઘરમાં પાણી ઘૂસી જતા લોકોની મુશ્કેલી વધી
ઉમરગામના નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક ઘરમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. નાના બાળકોથી માંડી પરિવારજનો ઘરની અંદર ઘૂસેલા પાણીને બહાર ઉલેચતા અને ઘરમાં રહેતી ઘરવખરીને સલામત સ્થળે રાખતા જોવા મળ્યા હતા.

ભીલાડ અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ
ઉમરગામમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ભીલાડ અંડરપાસમાં પાણી ભરાયા હતા. અંડરપાસ આખો ડૂબી જતા વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. વાહનવ્યવહાર બંધ થતા વાહનચાલકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા.

વલસાડ જિલ્લામાં આજે સવારે 6 થી બપોરે 12 સુધીમાં વરસેલો વરસાદ

તાલુકોમી.મી.
ઉમરગામ232
વાપી226
વલસાડ148
કપરાડા41
ધરમપુર89
પારડી82

વલસાડ જિલ્લામાં સીઝનમાં તાલુકા વાઈઝ વરસેલો કુલ વરસાદ

તાલુકોમી.મી.
ઉમરગામ581
વાપી474
વલસાડ485
કપરાડા512
ધરમપુર376
પારડી494

પાલિકાના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખુલ્લી પડી
ઉમરગામમાં વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે પાલિકાના પ્રિમોન્સૂન કામગીરીની પોલ પણ ખુલ્લી પડી ગઈ હતી. સ્વભાવિક છે કે, ટૂંકા સમયમાં વધુ વરસાદ વરસે તો પાણી ભરાવાની સમસ્યા સર્જાય. પરંતુ, ઉમરગામમાં જે રીતે લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા અને રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તે લોકોએ ક્યારે વિચારી પણ નહીં હોય. જળબંબાકારની સ્થિતિના કારણે વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

રાઈસાગર ફળિયા અને જૂની GEB વિસ્તારમાં પાણી ભરાયા
વલસાડના સરીગામ ભિલાડના રાઈસાગર ફળિયા અને જૂની જીઈબી વિસ્તારમાં 20થી વધુ ઘરોની અસર વરસાદી પાણી ઘૂસી જતા લોકોની મુશ્કેલી વધી હતી. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોનો ડરના માર્યા સલામત સ્થળે પહોંચ્યા હતા.

વલસાડના સરીગામ પાસે્ 14 લોકોને રેસ્ક્યૂ કરાયા
વલસાડ જિલ્લામાં આજે સવારે વરસેલા ધોધમાર વરસાદના કારણે સરીગામ બાયપાસ પાસે ખાડીના પાણી રસ્તા પર ફરી વળતા અનેક વાહન ચાલકો ફસાયા હતા. વહેતા પાણીમાં એક ટ્રક ચાલક ફસાઈ જતા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ટ્રકમાં સવાર ડ્રાઈવર સહિતના લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. ધમમસતા પાણીના પ્રવાહમાં એક કાર અને ચારેક મોટર સાયકલ પણ તણાયા હતા. જો કે, મોટર સાયકલ ચાલકને બાદ કરતા મોટાભાગના સલામત રીતે બહાર નીકળતા જતા આબાદ બચાવ થયો હતો. હાલ એક મોટરસાયકલનો ચાલક લાપત્તા ગણાવવામા આવી રહ્યો છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ખાડીમાંથી બે થી ત્રણ મોટરસાયકલ બહાર કાઢવામા સફળતા મળી છે. જો કે, કારનો પત્તો લાગ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...