• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In The Meeting Of Valsad District Tribal Development Board, Rs. 986 Development Works Were Sanctioned At A Cost Of 3613.26 Lakhs

વિકાસના કામોને મંજૂરી:વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં રૂ. 3613.26 લાખના ખર્ચે વિકાસના 986 કામો મંજૂર કરાયા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ પડે તે પહેલા બાકી કામો પૂર્ણ કરવા અને ખેડૂતોને બિયારણ-ખાતર આપવા તાકીદ

વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ 2022-23ની બેઠક જિલ્લાના પ્રભારીમંત્રી અને આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા બાબતના મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં મંત્રીએ ચોમાસુ નજીક હોવાથી બાકી કામો તાત્કાલિક અસરથી પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. સાથે જિલ્લાના 12 હજાર ખેડૂતોને વરસાદ પડે તે પહેલા બિયારણ અને ખાતર મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું. બેઠકમાં રૂ. 3613.26 લાખના ખર્ચે કુલ 986 કામો મંજૂર કરાયા હતા.

બેઠકમાં મંત્રી નરેશભાઈ પટેલે અધિકારીઓને કહ્યું કે, કપરાડાના અંતરિયાળ ગામોમાં લોકોને પીવાના પાણીની મુશ્કેલી પડી રહી છે જેથી પાણી-પુરવઠાને લગતા જે પણ કામો બાકી છે તે વહેલી તકે પુરા થવા જોઈએ. પ્રાયોજના વહીવટદાર કહ્યું કે, વિકાસલક્ષી કામો અંગેની વખતો વખત રિવ્યુ બેઠક કરો. નાની સિંચાઈના 59 કામો માટે રૂ. 703.41 લાખની સૂચિત જોગવાઈ સંદર્ભે મંત્રીએ કહ્યું કે, જ્યાં પાણી છે ત્યાં ઉદવહન સિંચાઈ યોજના અમલમાં મુકો, જેથી ખેડૂતને ફાયદો થાય અને શિયાળુ પાકનો પણ લાભ લઈ શકે.

વલસાડ જિલ્લામાં પ્રથમવાર શરૂ થનારી પહેલ અંગે મંત્રી નરેશભાઈએ કહ્યું કે, ગામમાં 2 થી અઢી હજાર લોકોનું રસોડુ થઈ શકે તે માટે વાસણ આપીશું. અધિકારીઓને ખાસ તાકીદ કરતા કહ્યું કે, જે એનજીઓને કામ સોંપો તે પહેલા તેમને વર્કશોપ કરવા જણાવવું. જેમાં કડીયા, પલ્બર અને ડ્રાઈવર જેવી વિવિધ કામગીરી કરનારાઓને તાલીમ આપવામાં આવે. સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજનો પુરવઠો ઓછો મળતો હોવાની લોકોની ફરિયાદ હોવાથી જિલ્લામાં 5 લાખના ખર્ચે વજનકાંટા આપવામાં આવશે. જિલ્લાની 1899 આંગણવાડીમાં પણ બ્રાન્ડેડ વજનકાંટા આપવા જણાવ્યું હતું. જેથી કવોલિટી અને કવોન્ટીટી બંને જળવાઈ રહે. આશ્રમશાળા અને છાત્રાલયોમાં બેડ, ભોજનના સાધનો, બેન્ચીસ, ગરમ પાણી, સોલાર અને શૌચાલય સહિતની માળખાકીય સુવિધા સૌપ્રથમ પુરી પાડવા જણાવ્યું હતું.

મધ્યાહન ભોજનના 38 કામ માટે રૂ. 191.72 લાખની સૂચિત જોગવાઈમાં વાસણો અને કિચન કમ શેડ બનાવાશે. જર્જરીત ઓરડાનું રિપેરિંગ કામ અને ચોમાસા પહેલા ઉઘડતી સ્કૂલે શાળામાં બાળકોને તમામ સુવિધાઓ મળી જવી જોઈએ એમ મંત્રીએ કહ્યું હતું. મંત્રીએ સગર્ભા મહિલાઓને ઉચ્ચ ગુણવત્તાવાળી મચ્છરદાની આપવા ઉપર ભાર મુકયો હતો.

પાણી પુરવઠા રાજ્ય મંત્રી જીતુભાઈ ચૌધરીએ કપરાડા તાલુકામાં ફાયર સેફટીની સુવિધા ન હોય આગની ઘટના બને ત્યારે વાપી અને ધરમપુરથી ફાયર બ્રિગ્રેડની ટીમ બોલાવવી પડે છે જેથી કપરાડા તાલુકામાં જ ફાયર સેફટીની સુવિધા પુરી પાડવા માટે અનુરોધ કર્યો હતો. આદિવાસી દર્દીઓને મફતમાં લોહી આપવાની યોજનાનો પણ સમાવેશ કરાયો છે.

વલસાડ જિલ્લામાં કુલ રૂ. 3613.26 લાખના ખર્ચે વિકાસના કુલ 986 કામો થશે જે પૈકી ધરમપુરમાં રૂ. 658.81 લાખના ખર્ચે 163 કામો, કપરાડામાં રૂ.1345.95 લાખના ખર્ચે 203 કામો, પારડી તાલુકામાં રૂ. 391.02 લાખના ખર્ચે 147 કામો, વાપી તાલુકામાં 214.53 લાખના ખર્ચે 103 કામો, ઉમરગામમાં રૂ. 449.33 લાખના ખર્ચે 121 કામો, અટગામ પોકેટમાં રૂ. 271.15 લાખના ખર્ચે 125 કામો અને રોણવેલ પોકેટમાં રૂ. 230.17 લાખના ખર્ચે 124 કામોનો સમાવેશ કરાયો છે.

બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, માજી મંત્રી અને ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લાની તમામ તાલુકા પંચાયતોના પ્રમુખો અને તાલુકા વિકાસ અધિકારીઓ, કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, નિવાસી અધિક કલેકટર એન.એ.રાજપૂત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.પી.મયાત્રા, જિલ્લા પુરવઠા અધિકારી કાજલ ગામિત, આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમશાળાના વી.જે.થોરાટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...