કાર્યવાહી:જિલ્લામાં મજબૂરીનો લાભ લઇ શોષણ કરતા વ્યાજખોરો સામે કાર્યવાહી થશે

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડમાં એસપીનો લોકદરબાર,શહેરના ટ્રાફિક,પાર્કિંગના પ્રશ્નો રજૂ કરાયા

વલસાડ જિલ્લામાં જે લોકો મજબૂરીના કારણે વ્યાજે પૈસા લીધા બાદ તેમની મજબૂરીનો લાભ લઇ શોષણ કરતા વ્યાજખોરોને સીધા કરવા વલસાડ એસપી ડો.રાજદિપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં શહેરમાં લોકદરબારનું આયોજન કરાયું હતું.જેમાં ઉપસ્થિત શહેરીજનોએ શહેરના ટ્રાફિક અને પાર્કિંગના પ્રશ્નો રજૂ કરી સમસ્યા નિવારવા દાદ માગી હતી.

હાલમાં વ્યાજખોરો સામે રાજ્યમાં ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે વલસાડના મોરારજી દેસાઇ ઓડિટોરિયમ ખાતે એસપી ડો.ઝાલાએ સંબોધનમાં જણાવ્યું કે, દરેક ધર્મમાં જોઇએ વ્યાજ આપવા અને વ્યાજ લેવાના કૃત્યને હરામ કહેવામાં આવ્યું છે,વ્યાજ લેવું પણ નહિ અને વ્યાજ દેવું પણ નહિ તેવો સંદેશ ધર્મોમાં આપવામાં આવ્યો છે.

કોઇને મજબૂરીમાં પૈસાની જરૂર પડે અને તે નાણાં આપતો હોવા છતાં તેનાથી બમણાં પૈસા વસુલ કરવા ધમકીઓ આપવી માર મારવા,વાહનો ઉંચકી લેવા જેવા શોષણના કૃત્યો સામે જિલ્લામાં કોઇ પણ ચમરબંધ વ્યાજ ખોરો સામે પોલીસ ખુબ જ કડકાઇથી કામ લેશે અને તેના માટે લોકો પોલીસનો સંપર્ક કરે અન સામે આવશે તો આ દૂષણને દૂર કરવામાં સહયોગ મળશે તેંવું તેમણે જણાવ્યું હતું.

પાલિકા સભ્યો ગીરીશ દેસાઇ,ઝાકિર પઠાણ, મુસ્લિમ સમાજના અગ્રણી ઝાહિદ દરિયાઇ,સભ્ય પ્રવિણ કચ્છી,વિજય ગોયલ સહિતના નાગરિકોએ પણ ટ્રાફિક પાર્કિંગ સંદર્ભે વિવિધ સૂચનો કર્યા હતા.અબ્રામામાં પોલીસ હેડક્વોર્ટર્સની ખુલ્લી જગ્યા વિજ સબસ્ટેશન માટે ફાળ‌વવા મદદરૂપ થવા મોગરાવાડીના સભ્ય ગીરીશભાઇ દેસાઇએ એસપી ડો.રાજદિપસિંહ ઝાલાને વિનંતી કરી હતી.આ અંગે અબ્રામા વોર્ડના સભ્ય ઝાકીર પઠાણે પણ ઘટતું કરવા અનુરોધ કરતાં એસપી.ડો.ઝાલાએ પોલીસ હાઉસિંગ બોર્ડમાં રજૂઆત કરી આ જગ્યા પ્રજાહિતના ઉપયોગ માટે આપવા રજૂઆત કરવા ખાત્રી આપી હતી.

અબ્રામા રોડ પર ટ્રાફિકનો મુદ્દો રજૂ
વલસાડ પાલિકાના સભ્ય ઝાકીર પઠાણે અબ્રામા રોડ પર સ્વસ્તિક ઇન્ટરનેશન સ્કુલના બાળકો જતા હોય કે શાળાથી છુટતા હોય તો ભારે ટ્રાફિકને લઇ અકસ્માતનો ભય રહેતો હોવાથી અહિં એક પોલીસ જવાન મૂકવા માગ કરતાં એસપીએ સિટી પોલીસને ટ્રાફિક બ્રિગેડના એક જવાનને તૈનાત કરવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...