કાર્યવાહી:જિલ્લામાં થર્ટી ફર્સ્ટે અધધ 1322 સહિત બે દિવસમાં 2238 દારૂ પીધેલા ઝડપાયા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નશાખોરને છોડાવવા માટે પરિવાર આખી રાત પોલીસ સ્ટેશને દોડતા રહ્યા, રવિવારે જામીન મળ્યા

થર્ટી ફર્સ્ટના 4 દિવસ અગાઉ જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલાએ સંઘપ્રદેશ દમણ,સેલવાસ કે અન્ય રાજ્યોમાંથી દારૂ પીધેલી હાલતમાં વાહન ચેકિંગ દરમિયાન કોઇપણ ઝડપાશે તો કડક વલણ અપનાવી પોલીસ કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.દર વર્ષના જેમ આ વર્ષે પણ જિલ્લા પોલીસે દારૂના કેસો સામે લાલ આંખ કરવા જિલ્લાની તમામ 32 ચેક પોસ્ટો અને આંતરરાજ્ય ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.આ કાર્યવાહીમાં એસપી ડો.ઝાલાએ સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાંચને પણ કામે લગાડી હતી.

દરમિયાન શુક્રવારે રાત્રિના વાહન ચેકિંગમાં જિલ્લાના 13 પોલીસ મથકોની હદમાં માર્ગો ઉપરથી પોલીસે 916 જેટલા પીધેલા ઇસમોને પકડી પાડ્યા હતા.બ્રેથ એનેલાઇઝરની મદદ વડે કાર્યવાહી કરી તમામને અટકાયતમાં લીધા હતા.તેમ છતાં બીજા દિવસ થર્ટી ફર્સ્ટની રાત્રિએ જિલ્લામાં વાહનચેકિંગમાં દારૂ પીધેલાઓ ઇસમોનો રાફડો ફાટ્યો હતો.પોલીસે કુલ 1322 જેટલા કેસો પકડતાં રાતભર ગુના નોંધવાની કસરત જારી રહી હતી.

થર્ટી ફર્સ્ટે દારૂની મોજમાં આખી રાત બગડી
થર્ટી ફર્સ્ટે દમણ,સેલવાસની દારૂની સહેલગાહ શોખીનોને મોંઘી પડી ગઇ હતી.જે લોકો પકડાયા હતા,તેમના ઓળખીતાઓ પણ આવી પહોંચી છોડાવવા માટે વકીલોની શોઘખોળ કરવામાં મડી પડ્યા હતા.શુક્રવારે પકડાયેલા શનિવાર સુધી પોલીસ જાપતામાં રહેવાનો વારો આવતાં પરિવારજનો ભારે ચિંતામાં મૂકાઇ ગયા હતા.કેટલાક તો રવિવારે તમામ પ્રક્રિયા બાદ છુટકારો થયો હતો.

કયા પોલીસ મથકોની હદમાં કેટલા પીધેલા પકડાયા
વલસાડ સિટી પોલીસ મથકની હદમાં 92 કેસ,વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાંથી 110 કેસ,વાપી ટાઉન પો.સ્ટે.હદમા 143 કેસ,વાપી જીઆઇડીસી પોલીસ મથકની હદમાંથી 107 કેસ,ડુંગરા પો.સ્ટે. 146 કેસ,પારડી પો.સ્ટેશનમાં 244 કેસ,ભીલાડ પોલીસ મથકમાં 85,ઉમરગામમાં 62 કેસ,ધરમપુર પો.સ્ટેશનમાં 55 કેસ,કપરાડા પોલીસ મથકમાં 58,નાના પોંઢા પોલીસ સ્ટેશનમાં 90 કેસ અને વલસાડ રેલવે પોલીસ મથકના ચોપડે પણ પીધેલાઓના 5 કેસ નોંધાયા હતા.જ્યારે વાહનને લગતા ગુના માટે એમવીએક્ટ હેઠળ કુલ 107 કેસ નોંધાયા હતા. તમામ આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...